એરપોર્ટ સિકયોરિટીનું મુસાફરો સામે “ઢમ ઢોલ, શકમંદો માટે “માહે પોલ!

આતંકવાદની નાગચૂડમાંથી ભાગ્યે જ કોઈ દેશ બચી શક્યો છે. અત્યંત આધુનિક સલામતી ધરાવતા પશ્ર્ચિમના દેશોય આ દૈત્યને રોકી કે નાથી શક્યા નથી. જે માણસ મરવા જ માગે છે એનાથી બચવાનો એક જ ઉપાય છે કે એને રોકી લેવો, પક્ડી પાડવો. આ માટે મોર્ડન સિક્યોરિટી સિસ્ટમમાં ઉમેરા થતા જાય છે પણ એમાંય ક્યાંયને ક્યાંય માનવ-કચાશ કે બેદરકારી દાટ વાળી દે છે.
ભારત માટે આતંકવાદ મસમોટી આફત છે. માનવ-જીવન, ખર્ચ, શક્તિ અને સમયનો વ્યય થાય છે. આ સમસ્યાને પ્રતાપે વિમાન, ટ્રેન, બસ અને મેટ્રો ટ્રેન જેવા જાહેર વાહનવ્યવહારના સાધનોમાં શક્ય એટલી વધુ તકેદારી રાખવી પડે છે. આ બધામાં એકદમ ચોંકાવનારી ઘટનાએ નવી દિલ્હી ઍરપોર્ટ પર આકાર લીધો છે, જે કહેવાતી જડબેસલાક સલામતી વ્યવસ્થાના દાવાની હાંસી ઉડાડે છે.
રાજન મહબુબાની નામનો સાથી પાઈલટના વેશમાં દિલ્હીના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર પકડી લેવાયો કારણ કે આ ભાઈ પાઈલટ જ નથી. દિલ્હીના વસંતકુંજના આ રહેવાસીએ એક-બે નહિ પણ પંદર-પંદર વખત સલામતી વ્યવસ્થા ચાતરી છે. એક ખાનગી એરલાઈનના પાઈલટ તરીકે તેણે ઍરપોર્ટ પર અને વિમાનમાં અજુગતી સવલતો મેળવી. એક પાઈલટ હોવાનું જતાવીને તેણે વિમાનમાં નિ:શુલ્ક અપગ્રેડસ અને કતારમાં ઊભા રહ્યાં વગર વિમાનમાં પહોંચી જવા સુધીની સગવડો માણી છે.
હકીકતમાં તો મહબુબાનીએ કબૂલ કર્યું છે કે મેં પંદર વખત બનાવટી પાઈલટ તરીકે આ સગવડો માણી છે. પણ ખરેખર પંદર વાર જ હશે? માત્ર આટલી સગવડ મેળવી હશે? આમ કરવાનું કારણ શું છે? અને આ મહબુબાની તો પકડાયો એટલે બધું વાજતુંગાજતું બહાર આવ્યું. આવા તો કેટલાંય મોરલા કળા નહિ કરી જતા હોય? શું ખાનગી એરલાઈનના પાઈલટનો ગણવેશ અને બનાવટી ઓળખપત્ર પૂરતા છે. તથાકથિત જડબેસલાક સલામતી યંત્રણાને ઉલ્લુ બનાવવા માટે? ઍરપોર્ટના કોમ્પ્યુટરમાં દુનિયાની બધી એરલાઈનના વિશિષ્ટ હોદ્દા અને સુવિધા મેળવવા હકદાર એવા લોકોના ફોટા ફિંગરપ્રિન્ટ કે બાયોમેટ્રિક ઓળખ કેમ ન રાખી શકાય? મોટી દુર્ઘટના બની ગયા પછી જ આળસ ખંખેરવાની? મહબુબાનીએ જે જે ઍરપોર્ટ પર આવી સફળતાપૂર્વક છેતરપિંડી કરી હોય એ બધાનું સિક્યોરિટી ઑડિટ કરીને સંબંધિતોને આકરી સજા કરવાની તાતી જરૂર છે. આમઆદમી પાસે ઍરપોર્ટ પર કાંડા-ઘડિયાળ, કમરપટ્ટો, મોબાઈલ ફોન, ગજવાનું ચિલ્લર અને બુટ સુધ્ધાં કઢાવાય છે. આ બધાનું સ્કેનિંગ થાય. પછી એના લગેજ અને હેન્ડબેગમાંથી સેફ્ટી પિનથી લઈને કલ્પના ન કરી શકાય એવી ચીજો બેરહેમીથી ફગાવી દેવાય છે. આની સામે ફરિયાદ નથી. પણ નાની-સૂક્ષ્મ ચીજો પાછળ પડી જનારાઓને મહબુબાની જેવો આખેઆખો હાથી કેમ દેખાતો નથી?
મહબુબાનીનો ઈરાદો જે હોય તે પણ કોઈ આતંકવાદી આ રીતે નીકળી ગયો તો? બનાવટી પાઈલટ તરીકે ઘૂસી ગયેલો શખ્સ સ્માર્ટનેસ દરજ્જાની નાબૂદી, અયોધ્યા વિવાદના ઉકેલ અને પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર પર વધતી ભીંસ સ્વાભાવિકપણે જ રેડ એલર્ટનું કારણ છે. પણ રેડ એલર્ટમાં ય આવા મહબુબાનીઓ હરાયા ઢોરની જેમ મનફાવે ત્યાં હરે, ફરે ને ચરે છે, તો રેડ એલર્ટ વગર કેવી લીલા થતી હશે?

રિલેટેડ ન્યૂઝ