રામલલ્લાના પૂજારીની વ્યથાનો પણ કોઇ પાર નથી

અયોધ્યા,તા.14
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992થી સતત છેલ્લા 27 વર્ષથી રામલલ્લાની આરતી, ભોગ અને પૂજા-અર્ચના કરતા મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસ હવે 82 વર્ષના થઈ ગયા છે. તેમનું કહેવું છે કે તેમની પૂજા સફળ થઈ. રામલલ્લાનું ભવ્ય મંદિર બનાવવા માટે સુપ્રીમ કોર્ટે પરવાનગી આવી દીધી છે અને ટૂંક જ સમયમાં મંદિરના નિર્માણનું કામ શરૂ થઈ જશે. પરંતુ તેમને એ વાતનો ભરોસો નથી કે તે નવા મંદિરના પૂજારી બની શકશે કે કેમ.
5 માર્ચ 1992થી વિવાદિત સ્થળના તે સમયના રિસીવરે તેમની પૂજારી તરીકે નિમણૂંક કરી હતી. એ સમયે તે સંસ્કૃત સ્કૂલમાં શિક્ષણ આપતા હતા. સાથે જ તેમને રામલલ્લાની સેવાનો મોકો પણ મળ્યો. તે કહે છે, મેં ઘણી અગવડો વચ્ચેપૂજાનું કામ કર્યું. પરંતુ પૂજાથી એ સુખ મળતું હતું કે ક્યારેક રામલલ્લાનું ભવ્ય મંદિર બનશે.
તમને જાણીને નવાઈ લાગશે કે તેમને શરૂઆતમાં તો આ માટે મહિને ફક્ત રૂ. 100નું વેતન મળતું હતું. થોડા સમય પહેલાથી તેમાં વધારો શરૂ થયો. ગયા વર્ષ સુધી ફક્ત રૂ. 12000 પ્રતિ મહિના વેતન મળતું હતું. હવે તેમનું વેતન વધારી રૂ. 13,000 કરી દેવાયું છે. વેતન અને શિક્ષકની નોકરીથી તેમના ઘરનો ખર્ચ ચાલતો હતો.
તેમણે કાર્યકાળ દરમિયાન અનેક વાર અયોધ્યામાં વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી. લેખિત ફરિયાદથી કર્મચારીઓ અને પૂજારીઓના પગાર વધારાની માંગ કરી છે. પરિણામ સ્વરૂપ તેમના 4 સહાયક પૂજારીઓ અને 4 કર્મચારીઓનો પગાર પણ રિસીવરે વધારી દીધો છે. રામ લલ્લાની પૂજા માટે મહિને 93,000નું બજેટ ફાળવવામાં આવ્યું છે જે હવે વધારીને રૂ. 1 લાખ કરી દેવાયું છે. પૂજારી એમ પણ જણાવે છે કે વિશ્વ હિંદુ પરિષદ સાથે તેમના સંબંધો ખાસ નથઈ રહ્યા. તેમણે કહ્યું, હું એ જ કરતો આવ્યો છું જેમાં સચ્ચાઈ હોય. આ વાત લોકોને પસંદ નથી. સંઘ ઈચ્છતો હતો કે હું એમનો મુખવટો બની જાઉં પરંતુ મેં ક્યારેય સમજૂતી નથી કરી. તેઓ એવું પણ કહે છે કે તેમના ઘણા વિરોધીઓ છે જેમણે તેમને એ સ્થાન પરથી હટાવવાની કોશિશ કરી છે પરંતુ વિવાદિત સ્થળના રિસીવરે લાચારી દર્શાવી હતી. સરકારે જ્યારે અધિકારીને રિસીવર બનાવ્યા તો કોર્ટે પૂજારીના નામ માંગ્યા અને રિસીવરે તરત તેમનું નામ મોકલ્યું. કોર્ટે તે નામ સ્વીકારી પણ લીધું. આવામાં કોર્ટની પરવાનગી વિના પૂજારીને હટાવી ન શકાય.

રિલેટેડ ન્યૂઝ