અ-સલામત ‘શાહીલોક’ માટે શું લોકશાહી બુલેટપ્રૂફ બનાવવી ?

કેન્દ્ર સરકારે ગાંધી પરિવારની સુરક્ષાની કેટેગરી શું ઘટાડી, રામ મંદિરના ચૂકાદા કરતાંય વધુ ઊહાપોહ મચાવી દીધો કોંગ્રેસે. કહ્યું કે મોદી સરકાર બદલાની ભાવનાથી કાર્ય કરી રહી છે. આ કોંગ્રેસે જનતાની સુરક્ષાની કદી આટલી ચિંતા કરી ખરી ? ગુજરાત સહિત દેશભરમાં પોલીસ મહેકમમાં ભયંકર ગાબડાં છે. લાખ્ખો જગ્યા ખાલી પડી છે. પ્રજાની રક્ષા રામભરોસે થઇ પડી છે. ગુજરાત સહિત દેશભરમાં વિપક્ષનાં નાતે કોંગ્રેસે તેનો એટલો હોબાળો મચાવ્યો નથી જેટલો ગાંધી પરિવારની સુરક્ષાની કેવળ કેટેગરી બદલાવતાં મચાવ્યો છે. જો કે રાહુલ ગાંધીએ પોતે રાહત અનુભવી ઊલ્ટાનો સરકારનો આભાર માન્યો છે. સામાન્ય લોકોને તો પોલીસ પર પણ ઝાઝો ભરોસો રાખ્યા જેવું નથી. આપણને લાગેવળગે ત્યાં સુધી રાજકોટની પોલીસ તેનું પ્રમાણ છે. અહીં મોટાભાગનાં કાળાં કરતૂતો પોલીસની મહેરબાની વિના સંભવ નથી. સ્થિતિ એ હદે વણસી ગઇ કે લોકોને પોલીસ કરતાં ગુન્ડાઓ કે માથાભારે તત્વો પર વધારે વિશ્ર્વાસ બેસતો જાય છે. રાજકોટમાં તાજેતરમાં એક નામચીન બુકી ઉઠી ગયા પછી તેનો હવાલો કોણે લીધો તેનો લગભગ તમામ દૈનિકોમાં ઢંઢેરો પીટાયો હતો. આ બુકીની અડફેટે અમૂક પોલીસમેન (કે અફસર) પણ ચડી ગયા હતા અને બીજા એક નામચીન બુકીએ રકમ કબુલી પછી મામલો ઢબૂરી દેવામાં આવ્યો. એટલે જ લાગે છે કે લોકોને પોલીસ કરતાં ગુંડાઓમાં વધારે વિશ્ર્વાસ આવી જાય ત્યારે દેશનો મુદ્રાલેખ ‘અસત્યમેવ જયતે’ કરી નાખવો જોઇએ. લોકો એટલા ભયભીત છે કે દંગા-ફસાદમાં પડતા નથી. સાક્ષી થવા કોઇ તૈયાર નથી. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને દવાખાને પહોંચાડવામાં પણ સંકોચાય છે, કારણ કે પ્રજાને ગળા સુધીની ખાતરી હોય છે કે પોલીસનાં ‘લફડાં’થી બચવું અઘરૂ છે. લોકોને સાચો કે ખોટો, પણ ભ્રમ છે કે પોલીસ ગુન્ડાઓના ખીસ્સામાં છે, રાજકારણીઓની કઠપુતળી છે, પૈસાદારોની જ રક્ષા કરે છે અને ગરીબોની ઉપેક્ષા કરે છે. તમે ખરે બપોરે હજારો લોકોની હાજરીમાં ખૂન કરી ભાગીને પકડાઇને, જામીન પર છૂટી શકો છો અથવા તોડકાંડમાં ફરારી એવા જેતપુરનાં ડીવાયએસપી ભરવાડની જેમ પકડાયા વિના ખોવાઇ જઇ શકો છો અને જામીન લઇ પુન: પ્રગટ થઇ શકો છો. પ્રજાને બાપડીને પોતાનાં બબલુ તે લડી લેવા અથવા સહન કરીને પડી રહ્યા સિવાય છૂટકો નથી. કોંગ્રેસ કે અન્ય કોઇ વિપક્ષને તેમાં કયારેય અજુગતું પણ લાગ્યું નથી. ફક્ત ગાંધી પરિવારની સિકયોરિટીની કેટેગરી શું ઘટાડાઇ, આખો દેશ માથે લીધો છે.
કૂતરુ તો (અજાણ્યાને દેખીને પણ) ભસે એટલે પોતાને ચોર માની લેવાની જરૂર ખરી ? કોંગ્રેસના સર્વેસર્વા ગાંધી પરિવારની સિકયોરીટી ઘટાડવાનાં મામલે આવું જ થયું છે. ઇન્દિરા ગાંધીજીની નિર્મમ હત્યા બાદ 1985 માં બનાવાયેલા સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપ (એસઓજી)નો મૂળ ઉદ્દેશ વડાપ્રધાન અને તેના પરિવારને સુરક્ષા આપવાનો હતો પરંતુ 1991 માં રાજીવ ગાંધીની હત્યા પછી તેમાં સુધારો કરી પૂર્વ વડાપ્રધાન અને તેના પરિવારને પણ એસપીજીની સુરક્ષા આપવાનું શરૂ કરાયું. જો કે તેની અવધિ એકાદ વર્ષની નક્કી કરવામાં આવી હતી. એસપીજીની સુરક્ષા એટલે લગભગ 550 થી 600 જેટલા જવાનોનો ઘેરાવો. આ પ્રકારની સુરક્ષા ગાંધી પરિવારને છેલ્લા બે-અઢી દસકાથી લગાતાર મળતી આવી હતી. હવે શ્રીલંકાનું એલટીટીઇ ખતમ થઇ ગયું અને પંજાબના ખાલિસ્તાનવાદીઓ પણ કેનેડા ભાગી ગયા એટલે ગાંધી પરિવાર પર વિશેષ ખતરો રહ્યો નથી. ગૃહ મંત્રાલય તમામ એજન્સીઓ પાસેથી આવા ફિટબેક મેળવી, જરૂરી ફેરફાર કરતું હોય છે. યુપીએના શાસનમાં આ જ રીતે ભાજપનાં લગભગ 130 જેટલા નેતાઓની સુરક્ષા ઘટાડવામાં આવી હતી. દેશમાં હાલની તારીખે વડાપ્રધાન મોદી ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જ એસપીજી સુરક્ષા પ્રાપ્ત છે. જો કે એસપીજીની સુરક્ષા મેળવનારા નેતાઓએ તેના સુરક્ષા કવચની આમન્યા પણ જાળવવી જોઇએ, જે રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી પણ જાળવી શકયા નથી ! સોનિયા ગાંધીએ એસપીજીની મનાઇ છતાં ખુલ્લી કારમાં ઊભા રહી લોકોનું અભિવાદન ઝીલવા સહિત 50 વખત નિયમ તોડયા અને રાહુલ ગાંધીએ 2015 થી આજપર્યંત 1892 વખત એસપીજીની ગાઇડલાઇન્સની અવગણના કરી. અરે રાહુલ ગાંધીએ 30 વાર વિદેશ પ્રવાસવેળા એસપીસીને જાણ પણ કરી નહોતી. તેઓ ‘ગુપ્ત-યાત્રા’ પરથી પણ ક્ષેમકુશળ પરત ફરતા રહ્યા એટલે એ વાત સ્વયં સિધ્ધ થઇ કે હવે ગાંધી પરિવાર પર વિશેષ ખતરો નથી. પરિણામે સરકારે એસપીજી સુરક્ષા ઘટાડી સીઆરપીએફ દ્વારા અપાતી ઝેડ-પ્લસ સુરક્ષા આપી. એસપીજી સુરક્ષા સૌથી ટોચની ગણાય. તેમાં તૈનાત કમાન્ડોઝ પાસે અત્યાધુનિક હથિયારો અને કોમ્યુનિકેશનનાં ઉપકરણો હોય છે. અગાઉ આવી સુરક્ષા પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહને પણ ફાળવવામાં આવી હતી પરંતુ આઇબીના રિપોર્ટની સમીક્ષા પછી ખતરાનું સ્તર ઓછું જણાતા એ સુરક્ષા પરત લેવામાં આવી હતી. જો કે કોંગ્રેસે ત્યારે એટલો હોબાળો કર્યો નહોતો જેટલો હાલમાં કરી રહી છે કેમ કે મામલો રાજમાતા, રાજકૂંવરી અને યુવરાજનો છે ! હવે આ પરિવારને સીઆરપીએફની ઝેડ-પ્લસ સુરક્ષા મળશે. તેમાં પણ 36 જવાનોનો કાફલો હોય છે. આ 36માં પણ 10 એનએનજી કમાન્ડો, દિલ્હી પોલીસ અને આઇટીબીપીનાં કમાન્ડો સામેલ હોય છે. આ ગૃપનાં દરેક કમાન્ડો માર્શલ આર્ટ અને હથિયાર વિના પણ યુધ્ધની કળામાં માહેર હોય છે. સુરક્ષામાનાં 5 કમાન્ડો પાસે એમપી-5 મશીનગન હોય છે. આ ઉપરાંત કાફલામાં એક ઝામર-વાન (જે મોબાઇલ સિગ્નલ જામ કરી નાંખે) હોય છે. હાલમાં દેશનાં અતિ મહત્વનાં 14 વ્યક્તિઓને એનએસજી કમાન્ડોનું સુરક્ષા કવચ પ્રાપ્ત છે. આ ઉપરાંત 298 અન્ય વીવીઆઇપીઓને અલગ-અલગ કેટેગરીની સુરક્ષા ફાળવવામાં આવી છે. સુરક્ષાનું માપદંડ નક્કી કરતી બુક હોય છે. ‘બ્લૂ બુક’માં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા વર્ણવી હોય છે. બાકીના માટે ‘યેલો બુક’ મુજબ સુરક્ષા અપાતી હોય છે. જો કે અમુક ખાનદાની નેતાઓ સુરક્ષા માટે ઓછા ને તે બહાને રોલો પાડવામાં વધુ માનતા થયા તેથી કેન્દ્ર સરકાર દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી તેમાં ઘટાડો-વધારો કર્યા કરે છે. દરેક સરકારોનું આ રૂટિન વર્ક છે. તય માનક મુજબ બધ્ધું થયા કરતું હોય છે પરંતુ રાજકારણીઓને તમામ બાબતમાં રાજકીય પક્ષપાત, કિન્નાખોરી કે વેરભાવ નજરે પડે છે પરંતુ એકપણ રાજકારણીએ આવી જ ખેવના પ્રજા માટે કરી હોય તેવું યાદ નથી. જે નેતા પ્રજાની ખેવના કરે તેની રક્ષા સ્વયં પ્રજા કરતી હોય છે અથવા તેમને કોઇનાથી ડર લાગતો નથી હોતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે : કોમનમેનની જેમ દિલ્હીમાં હરેફરે છે. સિકયોરીટીનાં ધાડાં હોતાં નથી કે નથી તેના અભાવની શિકાયત હોતી પરંતુ ભ્રષ્ટાચાર, ખુનરેઝી, અરાજકતા અને બેઇમાનીમાં કમકમી રહેલાઓને ‘સુરક્ષા’ ઘટે તે પણ કયાંથી પાલવે ? અબ્રાહમ લિંકન ભલે લોકશાહીને લોકો માટે, લોકો દ્વારા અને લોકોની સરકાર કહી ગયા. હિન્દુસ્તાનની લોકશાહીમાં ઊલટફેર છે. અહીંની કહેવાતી લોકશાહી પર શાહીલોકો કાબિજ થઇ ગયા છે. દુનિયાભરનાં અગડમ્બગડમ્માં સંડોવાયેલા હોવાથી કોણ-કયારે ‘હાથ સાફ કરી લે’ નક્કી નથી હોતું. એટલે સુરક્ષાની આખી ફૌજ લઇને ફરવું પડે છે. લાગે છે કે આવા અ-સલામત ‘શાહીલોકો’ માટે હવે લોકશાહીને જ બુલેટપ્રૂફ બનાવવી પડશે ! દેશમાં કેટલા બધ્ધા ફાલતુ નેતાઓ મોંઘીદાટ અને મુશ્કેરાટ સિકયોરિટી વચ્ચે મ્હાલી રહ્યા છે ? અમૂકનું તો એટલું યોગદાન પણ નથી હોતું જેટલો તેઓશ્રીની સુરક્ષા પાછળ દેશનાં નાણાં ખર્ચાય છે. મોટાભાગનાનાં ખર્ચા માથે પડે તેવા છે અને અમૂક તો નેતાઓમાં ઠામૂકો “ખર્ચો જ છે !

રિલેટેડ ન્યૂઝ