‘રામમંદિર’ના મુખ્ય યૌધ્ધા અડવાણીએ કયાં થાપ ખાધી ?

રામમંદિર બને તે માટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 1990માં સોમનાથથી અયોધ્યા સુધીની રામરથ યાત્રા કાઢી હતી. જેનું સંચાલન હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ યાત્રા દરમિયાન બિહારમાં લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ યાત્રા બાદ બાબરી ધ્વંસની ઘટના અને ત્યાર બાદ દેશના રાજકારણમાં મહત્ત્વના ફેરફાર આવ્યા. ગઈકાલે લાલકૃષ્ણ અડવાણીનો 92મો જન્મદિવસ હતોે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને અડવાણીને અભિનંદન આપ્યાં હતાં. ભાજપના સ્થાપક સભ્ય અને એક સમયે હિંદુ રાજનીતિનો ચહેરો ગણાતા અને ભારતના રાજકારણને અલગ દિશામાં લઈ જનારા અડવાણી કેવી રીતે હાંસિયામાં ધકેલાઈ ગયા? ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણીનો ડંકો એક જમાનામાં આખા દેશમાં વાગતો હતો. તેમને વડા પ્રધાનપદના પ્રબળ દાવેદાર પણ ગણવામાં આવતા હતા. જોકે, ગત દિવસોમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી થઈ ત્યારે લાલકૃષ્ણ અડવાણીનું નામ રાષ્ટ્રપતિપદના સંભવિત ઉમેદવારોની યાદીમાં ન હતું. આ એ જ અડવાણી છે જેમણે 1984માં માત્ર બે બેઠક જીતેલો પક્ષ બની ગયેલા ભાજપને રસાતળમાંથી કાઢીને ભારતીય રાજકારણના કેન્દ્રમાં પહોંચાડ્યો હતો. તેમણે ભાજપને 1998માં પહેલીવાર સત્તાનો સ્વાદ ચખાડ્યો હતો. એ સમયે ભાજપે જે વાવેતર કર્યું હતું તેનો પાક લણવાનો હતો. અલબત, પાક લણવાનું બાજુ પર રહ્યું. અડવાણી ભારતીય રાજકારણથી જ નહીં, ભાજપના રાજકારણમાં પણ અપ્રસ્તુત બની ગયા હતા. 2004 અને 2009ની સતત બે ચૂંટણીમાં હાર બાદ ઘટતા વળતરનો સિદ્ધાંત અડવાણીને પણ લાગુ પાડવામાં આવ્યો હતો. એક જમાનામાં અડવાણીની છત્રછાયામાં ઉછરેલા નરેન્દ્ર મોદીએ તેમની જગ્યા લઈ લીધી હતી. ભાજપે 1989માં પાલમપુર ઠરાવ પસાર કર્યો હતો. તેમાં અડવાણીએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે આપણા પ્રયાસો મતમાં પરિવર્તિત થાય એવી મને આશા છે. એ. જી. નૂરાનીના જણાવ્યા અનુસાર અડવાણી 1995માં જાણી ગયા હતા કે દેશ તેમને વડા પ્રધાન નહીં બનાવે. તેથી તેમણે વાજપેયીને આગળ કર્યા હતા. તેઓ ભારતમાં ઉદારમતવાદી નેતા તરીકે પોતાની ઇમેજ બનાવવા ઇચ્છતા હતા. એટલે તેમણે ઝીણાનાં વખાણ કર્યાં હતાં. એ. જી. નૂરાની ઉમેરે છે, પથઅલબત, ઝીણાનાં વખાણ કરીને અડવાણી પોતાની જ જાળમાં ફસાઈ ગયા હતા. ગુજરાતના હુલ્લડ પછી તેમણે જે નરેન્દ્ર મોદીને બચાવ્યા હતા, એ જ નરેન્દ્ર મોદીએ તેમને પક્ષમાં એકલા પાડી દીધા હતા. અડવાણીની હાલત – ન ખુદા મીલા, ન વિસાલે સનમ, ન ઈધર કે રહે ન ઉધર કે એવી થઈ હતી. ભાજપે અડવાણીની જગ્યાએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા ત્યારે અડવાણી એ હકીકતને પચાવી શક્યા ન હતા. મોદીની તરફેણમાં પક્ષના કાર્યકરોનું જે જોરદાર દબાણ હતું તેમાં અડવાણી બાજુ પર ધકેલાઈ ગયા હતા. વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે જ એવી ચર્ચા ચાલતી હતી કે આરએસએસ વાજપેયીને બદલે અડવાણીને વડા પ્રધાન બનાવવા ઇચ્છતું હતું. જોકે, એ તક પણ અડવાણીના હાથમાંથી સરકી ગઈ હતી. રામ બહાદુર રાય કહે છે, 2001ના અંત સુધીમાં અડવાણીની આજુબાજુમાં તેમના વિશ્વાસુઓનું એક જૂથ રચાઈ ગયું હતું. આરએસએસના વડા રજ્જુ ભૈયા વાજપેયીને વડા પ્રધાનપદ છોડવા અને અડવાણીને વડા પ્રધાન બનવા દેવા જણાવે એ વાત રજ્જુ ભૈયાને ગળે ઉતારવામાં એ જૂથ સફળ થઈ ગયું હતું. વાજપેયી અને રજ્જુ ભૈયા વચ્ચે જૂનો સંબંધ હતો. તેથી રજ્જુ ભૈયા વાજપેયીને એવું કહી શકે તેમ હતા. વાજપેયી પણ સમજી ગયા હતા કે આ ખેલ અડવાણીએ જ પાડ્યો છે. રામ બહાદુર રાયના જણાવ્યા અનુસાર, રજ્જુ ભૈયાએ વાજપેયીને કહેલું કે લાઇનમાં ઊભેલા બીજા લોકોને પણ તક આપવી જોઈએ. પથરજ્જુ ભૈયાએ પોતે આરએસએસના વડાનું પદ કે. સી. સુદર્શન માટે છોડ્યું હતું. પથતેથી તેમને એવી વિનંતી કરવાનો અધિકાર પણ હતો. રજ્જુ ભૈયાએ આ વાત કરી ત્યારે વાજપેયીએ તેમને ના કહી ન હતી, પણ તેઓ સમજી ગયા હતા કે આ ખેલ અડવાણીએ જ પાડ્યો છે. આરએસએસ વાજપેયીને રાષ્ટ્રપતિ બનાવવા ઇચ્છતો હતો એ વાતમાં કેટલી સચ્ચાઈ છે, એવો સવાલ મેં રામ બહાદુર રાયને કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વાજપેયી વડા પ્રધાનપદ છોડવા તૈયાર થાય તો તેમને રાષ્ટ્રપતિ બનાવવાનો વિકલ્પ હતો, પણ વાજપેયીએ ચતુરાઈથી એ બન્ને યોજના નિષ્ફળ બનાવી હતી. વધતી વય હોય કે નવા નેતૃત્વ સાથે તાલમેલ સાધવાની અક્ષમતા, પણ અડવાણી તેમના રાજકીય જીવનની સંધ્યાએ એકલા પડી ગયા હોય એવું લાગે છે.

રિલેટેડ ન્યૂઝ