મહારાષ્ટ્રમાં ફડણવીસની ફેવરમાં રાજ્યપાલ

મુંબઈ,તા.8
મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે અને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયા બાદ પણ સરકારની રચના થઈ નથી. ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધનની શરતો અંગે ચાલી રહેલી ખેંચતાણના પગલે રાજ્યમાં હજુ સુધી સરકારની રચના થઈ શકી નથી. બીજી તરફ એનસીપી અને કોંગ્રેસમાં શિવસેનાને ટેકો આપવા અંગે જુદો-જુદો મત છે. આથી હવે બધાની નજર રાજભવન તરફ ટકેલી છે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી અત્યારે કાયદાનાં નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે. રાજભવનના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, 9 નવેમ્બરના રોજ કાર્યકાળ સમાપ્ત થયા પછી રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન નહીં લાગે. એવું કહેવાય છે કે, વર્તમાન સરકારનો કાર્યકાળ વધુ એક સપ્તાહ કે તેનાથી વધુ સમય માટે લંબાવી શકાય છે.
એક એનુમાન એવું છે કે, રાજ્યપાલ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર બનાવવા માટે કહી શકે છે અને ત્યાર પછી બહુમતિ સાબિત કરવા માટેનો સમય નક્કી કરી શકે છે. જો કોઈ પાર્ટી બહુમત સાબિત ન કરી શકે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગવું નક્કી છે.
આ બાજુ શિવસેનાના નેતા સંજય રાઉતે ફરી એક વખત કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. શિવસેનાનું હવે પછીનું પગલું શું હશે તેના અંગે સંજય રાઉતે જણાવ્યું કે, જો ભાજપ વિધાનસભામાં બહુમત સાબિત કરી શકે તો કરે, અમારી તેને શુભેચ્છાઓ છે.
રાઉતે વધુમાં જણાવ્યું કે, ભાજપ-શિવસેના ગઠબંધન બાબતે જે વાતો નક્કી થઈ હતી તેના આધારે જનાદેશ મળ્યો છે. જો ભાજપ એમ કહે છે કે તેમને જનાદેશ મળ્યો છે તો પછી સરકાર કેમ નથી બનાવતી. સામ, દામ, દંડ, ભેદની નીતિ સત્તામાં હોવ ત્યારે જ કરી શકાય છે.

રિલેટેડ ન્યૂઝ