મહારાષ્ટ્ર મેં BJP કા સમય શરૂ હોતા હૈ, અબ…

મહારાષ્ટ્રમાં વર્તમાન વિધાનસભાની મુદત પૂરી થવા આડે ગણતરીના કલાકો બચ્યા છે ત્યારે સરકારની રચનાના મામલે કશું નક્કર થતું હોય એવાં એંધાણ દેખાતાં નથી. વર્તમાન વિધાનસભાની મુદત આવતી કાલે એટલે કે 9 નવેમ્બરે સાંજે પાંચ વાગ્યે પૂરી થઈ જશે. જો ત્યાં લગીમાં નવી સરકાર ના રચાય તો પછી વાત પૂરી થઈ ગઈ. એ રીતે જોઈએ તો હવે વચ્ચે આખી રાત બચી છે. રાજ્યપાલ પાસે એ પછી રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવા સિવાય બીજો આરો ના રહે પણ એ પહેલાં ઘણું થઈ શકે છે. અત્યારે ભાજપ ને શિવસેના જે રીતે અડી ગયાં છે ને મમતે ચડ્યાં છે એ જોતાં એક દાડામાં કોઈ નિવેડો આવે એવું લાગતું નથી. બંનેને મુખ્ય પ્રધાનપદથી ઓછું કશું ખપતું નથી ને બંને ઝાલેલું પૂંછડું છોડવા તૈયાર પણ નથી એ જોતાં અત્યારે તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લદાવાનાં એંધાણ દેખાઈ રહ્યાં છે, પણ વાસ્તવમાં રાષ્ટ્રપતિશાસન સિવાય બીજા વિકલ્પ હજુ છે.
એક બીજી શક્યતા તરફ લોકોનું હજુ ધ્યાન ગયું નથી પણ એવું ય બની શકે. ભાજપ શિવસેનાને ગણકારતી જ નથી તેથી શિવસેના બરાબરની ફૂંગરાયેલી છે. શિવસેનાને અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાનપદથી ઓછું કશું ખપતું જ નથી ને ભાજપ એ આપવા તૈયાર નથી તેથી સરકાર બનતી નથી. શિવસેના આ વાત છોડે જ નહીં ને ભાજપને પાઠ ભણાવવા એનસીપીને ટેકો આપીને પવારને જ ગાદી પર બેસાડવા તૈયાર થઈ જાય એવું પણ બને. શિવસેના હું તો મરું પણ તનેય રાંડ કરું એવું નક્કી કરી નાખે તો પણ ભાજપની કિનારે આવેલી નૌકા ડૂબી જાય.
કોંગ્રેસ તો એનસીપીની પડખે છે જ ને બંને પાસે કુલ મળીને સો જેટલા ધારાસભ્યો છે જ. શિવસેનાના 56 ધારાસભ્યો તેની પંગતમાં બેસે એટલે બહુમતી માટે જરૂરી ધારાસભ્યો તેની પાસે થઈ જાય. આ શક્યતા કોઈએ વિચારી નથી, પણ શિવસેના-ભાજપના સંબંધો જે રીતે બગડી ગયા છે એ જોતાં આ શક્યતા લખી વાળી શકાય તેમ નથી. પવાર અત્યારે એવી સૂફિયાણી વાતો કરે છે કે, અમને વિપક્ષમાં બેસવાનો જનાદેશ મળ્યો છે તેથી અમે વિપક્ષમાં જ બેસીશું ને સરકાર રચવા શું કરવું એ ભાજપ-શિવસેનાએ નક્કી કરવાનું છે. જો કે, સત્તા મળતી હોય તો આ બધી વાતો કોઈને યાદ રહેતી નથી ને બધા કૂદીને ગાદી પર બેસી જ જાય છે. પવારનો તો ઈતિહાસ જ એ રીતે ગાદી પર બેસવાનો છે એ જોતાં શિવસેના પાસો ફેંકે તો પવાર બેસી પણ જાય. એવું પણ હોય કે, પવારના મનમાં આ જ ગણતરી હોય તેથી એ ભાજપ-શિવસેનાની આગમાં પેટ્રોલ છાંટી છાંટીને તેને ભડકાવી રહ્યા હોય. બે બિલાડીની લડાઈમાં વાંદરો ફાવી જાય એવી વાર્તા આપણે બધાંએ વાંચી છે તો પવારે પણ વાંચી જ હોય ને ? ભાજપ-શિવસેના બંનેના સંબંધો સાવ ખરાબ કરી દેવાના ને પછી તેનો ફાયદો લઈને ગાદી પર બેસી જવાનું. પવારનો આ ગેમ પ્લાન હોય એ પણ શક્ય છે.
જો કે, વાતો કરવા બેસીએ તો ઘણું શક્ય છે, પણ અત્યારના માહોલમાં વધારે પ્રબળ શકયતા આવતી કાલે ભાજપને સરકાર રચવા નિમંત્રણ મળે તેની છે. તેનું કારણ એ છે કે, ભાજપને આ રસ્તો વધારે માફક આવે તેવો છે. ભાજપને સૌથી વધારે માફક આવે એવો રસ્તો શિવસેના કે એનસીપી ટેકો આપીને દેવેન્દ્ર ફડણવીસને ટેકો આપે એ છે, પણ એવું ના બને તો ભાજપે એક વાર સરકાર રચવાનો અખતરો કરી લેવામાં કશું ગુમાવવાનું નથી. એક વાર સરકાર રચ્યા પછી બહુમતી સાબિત ના કરી શકાય તો ઘરભેગા થવું પડે પણ ભાજપ આ જોખમ લઈ લે તો ચાલે એવું છે.
મહારાષ્ટ્રમાં અત્યારે રાજ્યપાલ તરીકે ભગતસિંહ કોશિયારી છે. કોશિયારી ભાજપના જૂના જોગી છે ને ઉત્તરાખંડના રાજ્યપાલ રહી ચૂક્યા છે તેથી રાજકીય દાવપેચમાં માહિર છે. કોશિયારી આવતી કાલે દેવેન્દ્ર ફડણવીસને સરકાર રચવા નિમંત્રણ આપી દે એવું બને. ભાજપ પાસે બહુમતી નથી પણ એ સૌથી મોટો પક્ષ છે તેથી રાજ્યપાલ તેને સરકાર રચવા નોંતરું આપી શકે. એ પછી બહુમતી સાબિત કરવા દસેક દિવસ આપી દે એવું બને. આ દસ દિવસમાં ભાજપે જે પણ ખેલ કરવા હોય એ ખેલ કરી લેવાના. શિવસેના ને એનસીપીના ધારાસભ્યો તૂટતા હોય તો તોડી લેવાના ને વિશ્વાસના મત વખતે ગેરહાજર રહેવા તૈયાર થતા હોય તો એ પણ કરી લેવાનું. એ રીતે ભાજપ બહુમતી સાબિત કરવાની મથામણ કરી લે ને તોય મેળ ના પડે તો પછી રાષ્ટ્રપતિશાસનનો વિકલ્પ તો છે જ ને ? લાગ્યું તો તીર નહીં તો તુક્કો એમ સમજીને ભાજપ આ દાવ ખેલી નાખે એ શક્યતા વધારે લાગે છે.
અત્યારે બધા મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લદાશે એ લઈ મચ્યા છે, પણ વાસ્તવમાં એ ભાજપ માટે શિવસેના કે એનસીપીને સત્તાથી દૂર રાખવાનું હથિયાર છે. સરકાર રચ્યા પછી બહુમતી સાબિત ના થાય તો ભાજપ એ હથિયાર છેલ્લે વાપરી શકે પણ એ પહેલાં બીજાં હથિયાર ભાજપ હેઠાં મૂકી દે એ શક્ય નથી. કેન્દ્રમાં ભાજપની સરકાર છે, રાજ્યપાલ ભાજપના પોતાના છે એ જોતાં ભાજપ છેક લગી લડી લેશે એ કહેવાની જરૂર નથી. ભાજપ માટે રાત એક જ ને વેશ ઝાઝા છે, પણ ભાજપ બધા વેશ ભજવી લેવા મથશે તો ખરો જ.

રિલેટેડ ન્યૂઝ