POK માં ભારતે રીતસર આક્રમણ કરવું જોઇએ

નવીદિલ્હી,તા.21
અત્યારે આખા દેશની નજર ચૂંટણીઓ પર મંડાયેલી છે ત્યારે રવિવારે આપણા લશ્કરે ધડબડાટી બોલાવી દીધી. ભારતીય લશ્કરે રવિવારે સવારના પહોરમાં જ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં આવેલા આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને તોપમારો કર્યો ને કેટલાય કેમ્પોનો સફાયો કરી નાખ્યો. આપણા લશ્કરના આ તોપમારામાં કેટલા આતંકવાદી કે પાકિસ્તાની સૈનિકો ઢબી ગયા તેનો ચોક્કસ આંકડો સ્વાભાવિક રીતે જ ના મળે પણ ભારતીય લશ્કરનો દાવો છે કે, પંદરેક આતંકવાદી તોપમારામાં ઢબી ગયા છે. ભારતે જે તોપ એટલે કે આર્ટિલરી ગન્સથી ધડબડાટી બોલાવી એ 38 કિલોમીટર લગી ગોળા ફેંકી શકે છે એ જોતાં વધારે નુકસાન થયું હોય એ પણ શક્ય છે.
ભારતીય લશ્કરે જે કર્યું એ બરાબર છે એ કહેવાની જરૂર નથી પણ આ કાર્યવાહી પાકિસ્તાનની હલકટાઈનો જવાબ છે. પાકિસ્તાનનાં પીઠું આતંકવાદી સંગઠનો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) તેમના બાપનો બગીચો હોય એ રીતે ત્યાં અડિંગો જમાવીને બેઠાં છે. આ આતંકવાદી સંગઠનોના કારભારીઓ પીઓકેમાં અડિંગો જમાવીને બેઠા છે ને ત્યાં આતંકવાદી કેમ્પ ચલાવે છે. ભારત ને પાકિસ્તાનમાંથી ભોળવી ભોળવીને લવાયેલા છોકરાઓના હાથોમાં મશીનગન પકડાવીને કઈ રીતે લોકોનાં ઢીમ ઢાળ દેવાં તેની તાલીમ આ તાલીમ કેમ્પોમાં અપાય છે. આ સિવાય બોમ્બ બનાવવા, ગ્રેનેડ બનાવવા, રોકેટ લોંચર ચલાવવાં સહિતની બીજી પણ આતંકવાદને લગતી કામગીરીની તાલીમ આ કેમ્પોમાં અપાય છે. ધર્મના નામે છેતરીને છેતરીને લવાયેલા નિર્દોષ છોકરાઓને રીઢા આતંકવાદી બનાવવાની ફેક્ટરીઓ પાકિસ્તાની સરકાર અને લશ્કરની મહેરબાનીથી પીઓકેમાં ધમધમે છે.
પાકિસ્તાની લશ્કર આ આતંકવાદીઓને ભારતમાં ઘુસાડ્યા કરે છે ને એ રીતે આપણી મેથી માર્યા કરે છે. કાશ્મીરમાં હમણાં ઉનાળા જેવો માહોલ છે ને આ સમય આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાનો શ્રેષ્ઠ સમય ગણાય છે. અત્યારે કાશ્મીરમાં તાપમાન પંદરેક ડિગ્રીની આસપાસ હોય ને બરફ પણ ના હોય તેથી સહેલાઈથી ઘૂસી શકાય. વરસના ત્રણેક મહિના આવી મોસમ રહેતી હોય છે. બાકી તો એવો બરફ પડે કે, કાશ્મીર સરહદે રહેનારા લોકોની કુલ્ફી થઈ જાય. આતંકવાદીઓ એ વખતે પાકિસ્તાનના આતંકવાદી કેમ્પોમાં ગોદડાં ઓઢીને સૂઈ જતા હોય છે.
પાકિસ્તાન આ આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા એક જ સરખી મોડસ ઓપરેન્ડી અપનાવે છે. આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા માટે સરહદે લવાય એ વખતે જ પાકિસ્તાનનું લશ્કર ભારતીય ચોકીઓ અને રહેણાંક વિસ્તારો પર તોપમારો શર કરી દે. સામેથી ગોળા આવતા હોય એટલે ભારતીય લશ્કર પણ હાથ પર હાથ મૂકીને બેસી રહેવાનું નથી. આપણ જવાનો પણ ઈંટનો જવાબ પથ્થરથી આપે જ ને સામે ગોળા છોડવાના જ. ભારત ને પાકિસ્તાનના જવાનો સામસામા ગોળીબાર ને તોપમારામાં વ્યસ્ત હોય તેનો લાભ લઈને પાકિસ્તાની લશ્કર આતંકવાદીઓને ભારતની સરહદમાં ધકેલી દે. એ વખતે તોપમારાના કારણે ધુમાડો જ ધુમાડો હોય ને બીજી તરફ ધ્યાન ના જાય તેથી સરળતાથી આતંકીઓ ઘૂસી જાય.
પાકિસ્તાન આ હલકટાઈ વરસોથી કર્યા કરે છે ને છેલ્લા અઠવાડિયાથી તેણે એ ખેલ શરૂ કરી દીધો છે. આતંકવાદીઓનાં ઝૂંડેઝૂંડ તૈયાર છે ને તેમને ભારતમાં ઘુસાડવા પાકિસ્તાની લશ્કર મથ્યા કરે છે. તેના ભાગરૂપે રવિવારે વહેલી સવારથી કુપવાડા જિલ્લામાં તાનઘર ક્ષેત્રમાં પાકિસ્તાની લશ્કરે તોપમારો શરૂ કરી દીધેલો. આ તોપમારામાં ભારતના બે જવાનો શહીદ થયા હતા ને એક નાગરિક પણ માર્યો ગયો હતો. સામસામો તોપમારો ચાલુ હોય ત્યારે કેટલા ઘાયલ થયા તેનો સાચો આંકડો જલદી મળતો નથી પણ ભારતના આઠ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. પાકિસ્તાની લશ્કર યુદ્ધના નિયમોનું પાલન કરવામાં માનતું નથી ને લોકોનાં ઘરો પર પણ ગોળા ફેંકે છે તેમાં આઠ ઘરોને નુકસાન થયું હોવાના અહેવાલ છે.
ભારતીય લશ્કરે પહેલાં તો રાબેતા મુજબ પાકિસ્તાની તોપમારાનો જવાબ આપવાનું વલણ અપનાવ્યું કે જેથી પાકિસ્તાન આતંકવાદીઓને ઘુસાડવાની મેલી મુરાદમાં સફળ ના થાય. પાકિસ્તાને એ પછી પણ તોપમારો ચાલુ રાખતાં ભારતીય લશ્કરે તોપો બહાર કાઢીને ધડબડાટી જ બોલાવી દીધી. બેફામ તોપમારો કરીને પાકિસ્તાની લશ્કરને તો ઠંડું કરી જ દીધું પણ પાકિસ્તાની લશ્કરની મહેરબાનીથી ચાલતા ચાર આતંકવાદી કેમ્પનો પણ ભુક્કો બોલાવી દીધો.
ભારતીય લશ્કરે પાકિસ્તાનને જવાબ આપીને તેની ઔકાત બતાવી એ બરાબર છે પણ ખરી જરૂર આ રીતે પાકિસ્તાનને ઠમકોરવાનું ચાલુ રાખવાની છે. અત્યારે આપણે પાકિસ્તાનના તોપમારાનો જવાબ આપ્યો છે. પાકિસ્તાનના તોપમારામાં આપણા બે જવાન શહીદ થયા એ પછી આપણે કાર્યવાહી કરી પણ હવે જરૂર આપણે આ કાર્યવાહી ચાલુ રાખીએ એ છે. પાકિસ્તાને આપણને બહાનું આપી જ દીધું છે ત્યારે આપણે તેનો લાભ લઈને પીઓકેમાં ચડી બેસવું જોઈએ ને આતંકવાદી કેમ્પોનો ખુરદો બોલાવીને મેદાન સાફ કરી દેવું જોઈએ. ભારતનો એ અધિકાર છે ને અત્યારે તક મળી છે ત્યારે એ તક આપણે ચૂકવા જેવી નથી.

રિલેટેડ ન્યૂઝ