એક દિવસના રાજા અને 5 વર્ષના રંક !

આજે મુંબઈવાસીઓ સહિત આખું મહારાષ્ટ્ર મતદાન કરશે. એ તબક્કે કેટલીક વાત એટલા માટે કરવાની ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાતો મતદાતા થોડું વિચારે અને પોતાની ડિગ્નિટી વિશે સભાન બને. સમાજમાંના માધ્યમો, અખબારો, ટેલિવિઝનની તમામ સમાચાર ચેનલો અને ગલીગલીની સભામાં સતત થતા પ્રચારને પગલે જાગી જઈને આખરે લોકશાહીનો મહત્ત્વનો ધાગો બનેલો મતદાર રાજા સવારે આંખો ચોળતો ઘરની બહાર પડ્યો, અચાનક પગ સરકી જઈને પટકાયો, ઝંખવાયો, પણ પડતાં જ બેઉ ટાંગ અધ્ધર હોવાનું જોઈને હરખાયો. એ પ્રચારનો છેલ્લો દિવસ હોવાનું ભાન થતાં હજી પણ પોતે લોકશાહીનો મહત્ત્વનો ધાગો હોવાનું સમજીને સભાન થયો અને ગરદન ઊંચી કરીને ઉપર જોયું. પ્રચારના જંગમાં રંગાયેલા તમામ ઊભા ઊભા જ તેને ઊભો થવાની સૂચના આપે છે એવો ભાસ પણ મતદાર રાજાને થયો! દરેકના ચહેરા પર એના માટે, તમામ મતદાર રાજાઓ માટે કશું ને કશું આશ્ર્વાસનકારક લખેલું હતું, એની તેને જાણ થઈ. તમામ જણ રાજ્યના વિકાસ માટે કટિબદ્ધ હોઈને જનતાની સેવા એ જ પ્રત્યેક નેતાનું ધ્યેય છે એવું પણ તેને સમજાયું અને એ મતદાર રાજા વિચાર કરવા લાગ્યો કે, છેલ્લા બે-ચાર મહિનામાં આ જ નેતાઓએ એકબીજાની કડક ખબર લેતા પોતપોતાનું શિષ્ટતા સ્તર છોડ્યું હતું. હવે એ લપસી પડીને જે સ્તરે જઈને અટક્યો હતો એ ઢાળ કે ઘસરગૂંડી આ જ નેતાઓએ લીસી, સરકતી કરી છે એની જાણ પણ એને થઈ… અને મતદાર રાજા નિરાશ થયો અને મનોમન જૂનાં સ્મરણોનો પટારો ખોલી બેઠો અને લપસીને પડ્યો હતો તે જગ્યાએ વ્યવસ્થિત બેસીને સ્મરણોનાં પાનાં ફેરવવા લાગ્યો.
પછી એને સમજાયું કે દરેક ચૂંટણીમાં પ્રચારનું સ્તર નીચેને નીચે જતું હોઈને એને હવે ગંભીરપણે લેવા જેવો મુદ્દો જ નથી રહ્યો છતાં એની ચર્ચા થયા જ કરે છે. સ્તર નીચું જવું એ સાર્વજનિક જીવનમાં નૈતિકતા સાથે સંબંધિત મુદ્દો હોવા છતાં ચૂંટણીના સમયમાં નૈતિકતા વિશે કેટલી અપેક્ષા હોવી જોઈએ એ અંગેનો કોઈ પણ પ્રકારનો માપદંડ સામાન્ય મતદાર માટે નક્કી થયો નથી! આથી પ્રચાર કરવાનું સ્તર ખાસ્સું નીચું ઊતરી ગયાનું મતદાર માને છે, પણ એની સાથે નેતામંડળ સહમત થાય એવું નથી. જે સ્તરની સપાટી પર આજે છીએ, એની પણ નીચે અનેક અન્ય સ્તર છે, એની આત્મવિશ્ર્વાસપૂર્ણ ખાતરી જ આ નેતામંડળને હોય છે, એવું પણ હવે મતદાર રાજાઓને સમજાઈ ગયું છે અને સ્તર નીચું ઊતરી ગયા વિશે આપણે મતદાર રાજા તરીકે નેતા મંડળને માથે દોષનો ટોપલો હકથી ઢોળીએ તો ખરા, પણ સ્તરનું પ્રમાણ આ લોકો કહે છે એટલું તો નીચું ઉતર્યું નથી, એવી લાગણી નેતામંડળને હોય છે. આ વાત પણ મતદાર રાજાને સમજાઈ જ ગઈ છે.
આ વખતની ચૂંટણીમાં પ્રચાર કરવા બહુ જ ઓછા દિવસ મળ્યા છે ત્યારે પ્રચારનું સ્તર ગમે એટલું ગબડ્યું હોય તો પણ તે ગબડવાના તળિયાથી પણ નીચેના સ્તર સુધી પહોંચવાનું કોઈને પણ માટે શક્ય થયું નહીં હોય! આ પણ મતદાર રાજાને સમજાયું છે અને તળિયાથી પણ નીચે જવા દેવાની સંભાવના ભૂંસી નાખતા પ્રચાર કરવા માટે બહુ ઓછો સમય નેતામંડળને આપવા માટે મતદાર રાજાએ મનોમન ચૂંટણી પંચનો આભાર પણ માન્યો હશે. વળી, પ્રત્યેક નેતા પોતાને જાગ્રત રાજા સમજતો હોઈને રૈયતના મનની નાડી પોતાના હાથમાં જ આવી છે એવું સમજીને કઈ જનતા સમક્ષ શું બોલવું એની એ નેતાને સંપૂર્ણ કલ્પના હોય જ છે. આ વાત વળી મતદાર રાજા પણ સમજતો હોય છે એટલે એને પણ કયો નેતા ક્યાં કેટલું ને કેવું બોલશે એનો એને પાકો અંદાજ હોય જ છે. કયો નેતા ક્યાં, કેવી રીતે, કેટલી વાર તાળીઓ પડાવશે, કેટલી વાર રડાવશે અને કેટલી વાર એ બાહુબલિની જેમ જનતાનો તારણહાર લાગશે એ બધું મતદાર રાજાને ખબર પડી જતું હોય છે અને એ પણ નેતાની જેમ જ સાભિનય પ્રતિભાવ પણ આપતો હોય છે. ચૂંટણી સમયે નેતા અને મતદાર રાજાની અંદર અફલાતૂન અભિનેતા પ્રગટ થઈ જાય છે. આમાં જાતજાતની રીતે સમગ્રપણે પ્રચારનું સ્તર ઘસડાતું નીચે ઊતરીને પ્રચારનો રંગ ઘેરો-ગાઢો થયેલો હોય છે ત્યારે મતદાર રાજા પણ ગૂંગો કે લીન થઈ ગયેલો હોય છે પછી સમગ્ર મામલો હાસ્યરસની લ્હાણ છે કે ફસામણી છે એ સમજવામાં જીભને છૂટી મૂકી દેનારો ઉમેદવાર વિનવણીઓ કરે ત્યારે મતદાર રાજાને મનોરંજન મળે છે!

રિલેટેડ ન્યૂઝ