ઘરેલુ અને વૈશ્ર્વિક મંચ પર ઈમરાન બે-સહારા

નવીદિલ્હી,તા.9
ટેસ્ટ મેચમાં જીતવાનું એકદમ અશક્ય હોય અને ડ્રોનું પરિણામ લાવવા બેટ્સમેન ફાંફાં મારતો દેખાય આવી જ હાલત ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનની છે. પાકિસ્તાનની દિવસે-દિવસે કથળતી આર્થિક હાલત, આતંકવાદનો વિકરાળ બનતો ઉપાડો, વધતું આંતરરાષ્ટ્રીય દબાણ અને ભારતના બદલાયેલા અને લડાયક વલણને લીધે ઈમરાનમિયાં પાસે ભાગ્યે જ કોઈ વિકલ્પ બચ્યા છે.
ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફ.એ.ટી.એફ.)ની પાકિસ્તાનની ગતિવિધિઓ પર ચાંપતી નજર છે. આ સંસ્થાએ ઈસ્લામાબાદને ગ્રે લીસ્ટમાં મૂકીને સુધરવા માટે પંદર મહિનાનો સમય આપ્યો હતો.
ઑક્ટોબરના બીજા અઠવાડિયામાં પેરિસમાં યોજાનારી એફ.એ.ટી.એફ.ના એશિયા પેસિફિક ગ્રુપની બેઠક યોજાવાની છે. આમાં પાકિસ્તાન માટેનું રિઝલ્ટ અત્યારથી જ નિશ્ર્ચિત છે. એક, એને ગ્રે લીસ્ટમાં જ રાખીને વધુ મુદત અપાય. બે, એને બ્લેક લીસ્ટમાં ખસેડાય. બંને સંજોગોમાં આંતરરાષ્ટ્રીય મોરચે ઈમરાનનું લાંબુ નાક વઢાશે અને વિદેશમાંથી સત્તાવારપણે આર્થિક સહાય મેળવવાનું મુશ્કેલ નહિ, અશક્ય બની જશે.
આટઆટલા પ્રચંડ દબાણ છતાં પાકિસ્તાન આતંકવાદીઓને જાકારો આપતું નથી, બલકે તેમની સાથે કુલડીમાં ગોળ ભાંગે છે. જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારે લીધેલાં પગલાંથી ઘાંઘા થઈને પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં હિંસા વધારવાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનને સોંપ્યાના વાવડ છે. ઈમરાન ખાનની મુશ્કેલી એ છે કે તેણે ગાદી અને જીવ બચાવવા માટે લશ્કર, આઈ.એસ.આઈ. અને આતંકવાદીઓના હાથની કઠપૂતળી બન્યા સિવાય છૂટકો નથી.
કંગાળ અર્થતંત્રથી ત્રસ્ત પ્રજાનો સામનો કેમ કરવો? જવાબ શું આપવો? એક માત્ર રસ્તો છે ધર્મનું અફીણ ચટાડ્યે રાખવાનો. ઈમરાન એ જ કરે છે. એકેય પાકિસ્તાની ખાલી પેટે ન સૂવે એ માટે અહસાસ લંગરની યોજના શરૂ કરતી વખતે ઈમરાને એકદમ ડિફેન્સિવ રમત રમવી પડી.
ક્રિકેટના મેદાનમાં હરીફ ટીમના અગિયાર ખેલાડી સામે કમાલ બતાવનારો આ નેતા રાજકારણની પિચ પર સમય વિતવા સાથે વધુ વામણો, લાચાર અને હાસ્યાસ્પદ સાબિત થઈ રહ્યો છે. એના નસીબે સામે પક્ષે નરેન્દ્ર મોદી જેવા કાબેલ નેતા છે. લગભગ આખી દુનિયા પાકિસ્તાનને હરાવવા માટે મોદીની પાછળ ઊભી રહી ગઈ છે, એ સ્વાભાવિકપણે ઈમરાનથી સહન ન જ થાય, પણ એમાં કંઈ કરી શકાય એમ નથી.

રિલેટેડ ન્યૂઝ