મોબલિંચિંગ: RSS એ હાથે કરીને સર્જ્યું “ધર્મ સંકટ

દેશમાં અત્યારે મોબલિચિંગનો મુદ્દો ગાજી રહ્યો છે ને વાસ્તવમાં તો કકળાટ મચેલો છે. ભીડ ભેગી થઈને કોઈની ધોલાઈ કરે ને પછી તેને પતાવી દે તેને મોબલિચિંગ કહે છે.
દશેરાએ નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત રેલીને સંબોધે છે. અત્યારે ભાજપનો સુવર્ણકાળ છે ને સંઘ ભાજપનું માઈબાપ ગણાય છે તેથી સંઘના વડા શું કહે છે તેના પર બધાની નજર હોય છે. ભાગવતે આ વખતના ભાષણમાં મોબલિચિંગની વાત માંડી અને જાહેર કરી દીધું કે, મોબલિચિંગનાં મૂળ ભારતમાં નથી, બીજા ધર્મનાં પુસ્તકોમાં તેનો ઉલ્લેખ છે તેથી ઐતિહાસિક રીતે બીજા ધર્મની દેન છે. ભારતમાં કદી પણ લિંચિંગ થતું નહોતું તેથી તેને ભારતીય પરંપરા ના ગણી શકાય પણ અત્યારે કેટલાક લોકો આ શબ્દનો ઉપયોગ દેશને બદનામ કરવા કરે છે, સમગ્ર હિંદુ સમાજને બદનામ કરવા કરે છે. એ લોકો મોબલિચિંગ શબ્દોનો ઉપયોગ કહેવાતી લઘુમતીઓમાં ડર પેદા કરવા કરે છે ને આપણે આ ષડયંત્રને સમજવાની જરૂર છે.
ભાગવતે મોબલિચિંગ શબ્દ ક્યાંથી આવ્યો તે સમજાવવા જિસસ ક્રાઈસ્ટની એક કથા પણ સંભળાવી. જીસને પાપ ના કિયા હો, જો પાપી ના હો એ વાત કરતી કથા બધાંએ સાંભળી છે છતાં ટૂંકાણમાં વાત કરી લઈએ. એક સ્ત્રીને લોકો પથ્થર મારતા હતા ને જિસસે તેમને રોક્યા. લોકોએ કહ્યું કે, આ સ્ત્રી પાપી છે તેથી તેને પથ્થર મારીએ છીએ. જીસસે તેમને કહ્યું કે, જેણે જિંદગીમાં કદી પાપ ના કર્યું હોય એ આ સ્ત્રીને પથ્થર મારે. જીસસની વાત સાંભળીને બધાની બોલતી બંધ થઈ ગઈ.
ભાગવતના કહેવા પ્રમાણે મોબલિચિંગની પરંપરા બીજાં ધર્મોમાં છે ને આપણી પરંપરા તો ભાઈચારાની છે. ભાગવતે ભગવાન બુદ્ધની એક કથા પણ ફટકારી દીધી ને આપણે ત્યાં કેટલો ભાઈચારો હતો તેની ગળચટ્ટી વાતોનું ચૂરણ લોકોને ચટાડવાની કોશિશ કરી.
સંઘ પલાયનવાદી માનસિકતા ધરાવે છે ને ભાગવતે મોબલિચિંગની જે વાત કરી એ તેનો તાજો પુરાવો છે. મોબલિચિંગનાં મૂળ ક્યાં છે ને ક્યા ધર્મમાં તેનો ઉલ્લેખ છે એ મુદ્દો ગૌણ છે. સંઘ અને તેના પાલતુ સંગઠનો કોઈ પણ મુદ્દામાં ભારતીય સંસ્કૃતિ ને પરંપરાની વાતો ઘૂસેડવામાં માહિર છે કેમ કે ભારતીય સંસ્કૃતિના નામે તેમની દુકાન ચાલે છે. જો કે ભાગવત જેવા લોકો ભલે સંસ્કૃતિની વાતો માંડે પણ વાસ્તવમાં મોબલિચિંગને કોઈ ધર્મ કે સંસ્કૃતિ સાથે કંઈ લેવાદેવા નથી. મોબલિચિંગ એક અપરાધ છે ને અપરાધ તો અપરાધ હોય. કોઈ અપરાધને ધર્મ કે સંસ્કૃતિ સાથે કઈ રીતે લેવાદેવા હોઈ શકે ?
હવે વાત એ લોકોની પણ કરી લઈએ કે જેમણે મોબલિચિંગ મુદ્દે મોદીને કાગળ લખેલો. જે રીતે ભાગવત આણિ મંડળીની માનસિકતા કૂવામાંના દેડકા જેવી છે એવી જ હાલત એ બધા નમૂનાઓની પણ છે. એ બધાની માનસિકતા હળાહળ ભાજપ વિરોધી છે ને એ લોકો પણ દરેક વાતમાં મુસ્લિમોનો મુદ્દો ઘૂસેડી દેવાના રોગથી પિડાય છે. ભાગવતે જે રીતે મોબલિચિંગપર ખ્રિસ્તી ધર્મનું લેબલ ચિપકાવી દીધું એ રીતે એ લોકોએ મોબલિચિંગ મુસ્લિમોને કનડવા થઈ રહ્યું છે એવું લેબલ લગાવી દીધું. તેમણે પણ જય શ્રીરામ શબ્દોનો ઉપયોગ મોબલિચિંગ માટે લોકોને ઉશ્કેરવા થાય છે એવી બકવાસ વાતો કરી જ છે. મુસ્લિમો, દલિતો તથા અન્ય લઘુમતીઓને ટોળાશાહીનો ભોગ બનાવીને પતાવી દેવાય છે એવો બધો બકવાસ એ ખુલ્લા પત્રમાં હતો જ. એવી ઘણી બધી માનસિક વિકૃતિની વાતો એ કાગળમાં હતી જ.
આ દેશમાં બનેલી મોબલિચિંગની ઘટનાઓ પર નજર નાંખો તો સમજાય કે, આ બધી વાતો લોકોના માનસમાં ઝેર રેડવા માટે છે ને ગળે ઉતરે તેવી જ નથી. મોબલિચિંગની ઘટનાઓને ધર્મ, જ્ઞાતિ કે બીજા કોઈ પણ ચોક્કસ ચોકઠામાં ફિટ કરી શકાય એમ નથી. ક્યાંક લોકોએ બળાત્કારીને પતાવી દીધો હોય એવું પણ બન્યું છે તો ક્યાંક એક્સિમોડન્ટ કરીને નિર્દોષોનો મોતને ઘાટ ઉતારનારો પણ લોકોની અડફેટે ચડેલો છે. આ ઘટનાઓમાં મુસ્લિમો કે દલિતો કે કોઈ ચોક્કસ વર્ગનાં લોકો જ મર્યા છે એવું તો જરાય નથી. એ રીતે મોબલિચિંગ પર કોઈ લેબલ ના લગાવી શકાય.
આ દેશમાં મોબલિચિંગ એક રાજકીય મુદ્દો બની ગયો છે ને બધા પોતપોતાના રોટલા શેકવા તેનો ઉપયોગ કરી રહ્યા છે એ વાત લોકો સમજે એ જરૂરી છે. સાથે સાથે સરકાર પણ પોતાની ફરજ બજાવે ને મોબલિચિંગને રોકવા સુપ્રીમે કહ્યું તેમ કડક કાયદો બનાવે એ જરૂરી છે. એવો કાયદો બનશે એટલે આપોઆપ અપરાધીઓ પર સકંજો કસાશે ને કોઈને ગંદી રમત રમવાની તક જ નહીં રહે.

રિલેટેડ ન્યૂઝ