‘લવ જિહાદ’ સામે આસામ સરકાર

આસામની ભાજપ સરકારે લવ જિહાદની વધતી ઘટનાઓના કારણે લવ જિહાદ પર તૂટી પડવાનું નક્કી કર્યું એ સાથે જ આ મુદ્દો ફરી ચર્ચામાં છે. આસામમાં સર્બાનંદ સોનોવાલની સરકાર છે પણ હિંદુત્વના મામલે હિંમત બિશ્વ સરમા વધારે આક્રમક છે. સરમા વરસો લગી કંગ્રેસમાં હતા ને ત્રણેક વરસ પહેલાં જ અમિત શાહની આંગળી પકડીને ભાજપમાં આવ્યા છે તેથી પોતાની વફાદારી સાબિત કરવા હિંદુત્વને મુદ્દે વધારે જોરથી બોલે છે. નવો બાવો બે ચીપિયા વધારે ખખડાવે એ હિસાબે સરમા હિંદુત્વના મુદ્દે વધારે રસ બોલે છે ને તેમણે જ જાહેર કર્યું છે કે, આસામમાં ભાજપ સરકાર લવ જિહાદ ચલાવનારાંની ઓખાત બગાડી નાંખશે.
સરમાએ
આસામમાં છેલ્લા કેટલાક સમયથી વધવા માંડેલી લવ જિહાદની ઘટનાઓ મુદ્દે માંડીને વાત પણ કરી છે. તેમનું કહેવું છે કે, લવ જિહાદમાં છેલ્લા કેટલાક સમયથી ત્રણેક પ્રકારની ઘટનાઓ મોટા પાયે બની રહી છે. પહેલું એ કે, મુસ્લિમ યુવકો હિંદુ નામ સાથેનાં પોતાનાં ફેસબુક એકાઉન્ટ બનાવે ને મંદિરોમાં હોય એવી તસવીરો મૂકે એવો ટ્રેન્ડ છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યો છે. હિંદુ છોકરી ભોળવાઈને તેને હિંદુ માનીને લગ્ન કરે પછી ખબર પડે કે છોકરો તો હિંદુ નહીં પણ મુસ્લિમ છે. આ સહજ રીતે થયેલાં લગ્ન ના કહેવાય કેમ કે તેમાં છોકરો છોકરીને છેતરપિંડી કરીને લગ્ન કરે છે ને ખરેખર તો આ વિશ્ર્વાસઘાત કહેવાય. સરમાએ ચોખવટ કરી છે કે, ભાજપ આંતરધર્મીય લગ્નોની વિરૂધ્ધ નથી પણ આ રીતે આપણી બહેન-દીકરીઓને છેતરીને મુસ્લિમ છોકરા લગ્ન કરે એ ના ચાલે ને ભાજપની સરકાર તેની સામે અભિયાન છેડશે.
આપણે ત્યાં લવજિહાદની ચર્ચા થાય ત્યારે હિંદુ છોકરીઓને વટલાવીને મુસ્લિમ બનાવવાનું ષડયંત્ર ચાલે છે એવી ઉપરછલ્લી વાતો જ થાય છે પણ વાસ્તવમાં ઘણા કેસમાં ગંભીર અને ખરતનાક ઈરાદા પણ કામ કરતા હોય છે. ભારતમાં લવ
જિહાદનો સૌથી વધારે ગાજેલો કિસ્સો કેરળની અખિલાનો છે. આ કેસમાં પછીથી સુપ્રીમ કોર્ટે અખિલાનાં લગ્નને માન્યતા આપી કેમ કે અખિલા ફરી ગયેલી પણ એ પહેલાં કેરળ હાઈ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને આ લગ્નને રદ કરેલાં. એ વખતે હાઈ કોર્ટે જે કહેલું અને કેરળની પોલીસે પણ જે રિપોર્ટ આપેલો તેના કારણે લવ જિહાદને ગંભીરતાથી લેવાની જરૂર છે.
કેન્દ્રમાં મોદી સરકાર છે તેથી આ પ્રકારના કેસોની તપાસ
ઝડપથી કરવાની હોય તેના બદલે કશું ના થયું ને લવ જિહાદની વાત ચર્ચા પૂરતી રહી ગઈ. કમનસીબે હિંદુઓનાં ઠેકેદાર બનીને વર્તતાં સંગઠનોએ પણ કંઈ ના કર્યું. હિંદુવાદી સંગઠનો વચ્ચે વચ્ચે લવ જિહાદની પારાયણ માંડીને બેસી જાય છે ને કકળાટ કરે છે કે, ભારતમાં લવ જિહાદના નામે હિંદુ છોકરીઓને ભોળવીને મુસ્લિમો સાથે પરણાવી દેવાનું એક સુનિયોજીત કાવતરૂં ચાલે છે પણ આ કકળાટ ભાદરવાના ભીંડા જેવો હોય છે. ઘટના બને ત્યારે બહુ હોહા થાય ને પછી અચાનક બધું હોલવાઈ જાય. હિંદુવાદી સંગઠનોનો ઈતિહાસ જરૂર ના હોય ત્યાં ચોળીને ચીકણું કરવાનો છે તેથી લવ જિહાદની વાતને તેમણે કદી ગંભીર સમસ્યા તરીકે ના ઉઠાવી. હવે આસામ સરકારે આ મુદ્દો ઉઠાવ્યો છે ત્યારે ખરેખર કશુંક નક્કર થાય એવી આશા રાખીએ.

રિલેટેડ ન્યૂઝ