એક ધક્કા ઔર દો કોરોના કા ફૈંક દો

ઘણા વખત પછી કોરોના બાબતે સારા સમાચાર આવ્યા છે. ડબ્લ્યુએચઓના વડા વિજ્ઞાની સૌમ્યા સ્વામીનાથને એવી આશા વ્યક્ત કરી છે કે આ વર્ષના અંતમાં (કે આવતા વર્ષની શરુઆતમાં) વેકસિન રજિસ્ટ્રેશન માટે તૈયાર થઈ શકે છે, તો નવી દિલ્હીમાં સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને માહિતી આપી છે કે આવતા વર્ષની શરુઆતમાં એકથી અધિક સ્રોતોથી દેશમાં વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે. ઉત્સાહિત કરનારા સમાચાર એ પણ છે કે દેશમાં સંક્રમણના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડાનો સિલસિલો ચાલુ છે. સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો દર પણ 86 ટકાથી છે. જો આ ક્રમ આગળ પણ ચાલુ રહ્યો તો દેશ માટે મોટી રાહતની બાબત હશે.
આ બધા આંકડા પ્રોત્સાહિત કરનારા છે. યાદ રહે, અહીં સુધીનો પ્રવાસ કોઈપણ પ્રકારની અધિકૃત દવા કે વેક્સિન વિના પાર પાડ્યો છે અને આમાં સહાયક ઉપચારો અને નિયમોના પાલને મહત્ત્વની
ભૂમિકા ભજવી છે. ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિગથી વાઈરસ પ્રસારને એક હદથી વધુ ફેલાતા રોકયો છે. સરકારી પ્રયાસો અને કોરોના વોરિયર્સના અસાધારણ યોગદાનને કારણે આપણે એકધારી રીતે બહેતર સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ અને આજે એવી સ્થિતિમાં છીએ, જે સામાન્ય ભલે ન હોય, પણ તેનાથી આપણે બહુ દૂર પણ નથી. આ માટે અનલોકની પ્રક્રિયાને ભૂલી શકીએ અત્યાર સુધીની સફરમાં આપણે લગભગ એક લાખ 10 હજારદેશવાસીઓને ચૂક્યા છીએ.
આપણે શરૂઆતની કેટલીક ભૂલો અને નબળાઈઓને હંમેશા યાદ રાખવી જોઈએ, કારણકે તેમાંથી જ આપણને આગળનો રસ્તો મળ્યો છે. નાગરિકોએ હજી પણ પૂરતી સાવધાની રાખવાની આવશ્યકતા છે. પરંતુ
બિહાર વિધાનસભા અને મધ્ય પ્રદેશની પેટા ચૂંટણી માટેના પ્રચારની તસવીરો સાથે આવી રહેલા અહેવાલ પણ ચિંતા વધારનારા છે. આ પ્રચારમાં જે કંઈ થઈ રહ્યું છે તેમાં ચૂંટણી પંચની ચેતવણીઓ અને સ્વાસ્થ્ય વિભાગના દિશા-નિર્દેશોને ઉલ્લંઘન સ્પષ્ટ દેખાય છે. આ માટે ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્રે પૂરી તત્પરતા સાથે રેલીઓ પર નજર રાખવી જોઈએ અને જવાબદારી પણ નક્કી થવી જોઈએ. આપણે અહીં એ યાદ રાખવાનું રહેશે કે યુરોપના અનેક દેશોમાં સંક્રમણની બીજી લહેર શરૂ થઈ છે અને કેટલાક દેશોમાં તો લોકડાઉન ફરીથી લાગુ કરવાની નોબત આવી છે.
દુનિયાભરના નિષ્ણાતો આગાહી કરી ચૂકયા છે કે શિયાળાની મોસમ વાઈરસની
દ્રષ્ટિએ વધુ પડકારરૂપ સાબિત થઈ શકે છે. નિસંદેહ હવે આપણા દેશમાં ભારે પ્રમાણમાં કોરોના - ટેસ્ટિગની સુવિધા છે. હોસ્પિટલો પણ અપેક્ષા કરતાં વધુ સચેત છે, પણ પ્રયાસ એ થવા જોઈએ કે તેમના પર દબાણ ન વધે અને જે સકારાત્મક ઝોક છેલ્લા કેટલાક દિવસોથી દેખાઈ રહ્યો છે તેનો ફાયદો લેવામાં આવે એ નાગરિકો અને દેશના અર્થતંત્ર બન્નેના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે.

રિલેટેડ ન્યૂઝ