વેક્સિનેશન નામે એક વધુ પડકાર

16 જાન્યુઆરીથી ભારત દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરવાનું છે. સરકારે એના માટે પૂરતી તૈયારી કરી લીધી છે. તૈયારીની સમીક્ષા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે બેઠક પણ કરી છે. આ રસીકરણની ખાસ વાત એ છે કે તેમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને વેક્સિનનો ઉપયોગ થવાનો છે. આમાંની એક પૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવી છે, તો બીજીનું ઉત્પાદન દેશમાં થવાનું છે. મહત્ત્વની વાત એ છે કે ભારતમાં બનેલી વેક્સિન વિશ્વમાં સૌથી સસ્તી છે. તેનો ડોઝ દીઠ ખર્ચ આશરે બસો રૂપિયા જેટલો થશે. દેશમાં પહેલી હરોળના કોરોના યોદ્ધાઓની સંખ્યા ત્રણેક કરોડ જેટલી છે. પહેલા તબક્કામાં તેમને રસીકરણ હેઠળ આવરી લેવાશે તથા તેનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે.
સંપૂર્ણપણે વિદેશમાં વિકસાવવામાં આવેલી વેક્સિન પર નિર્ભર રહેવું પડયું હોત તો દેશને બહુ મોટો
આર્થિક ફટકો પડયો હોત. વિદેશી વેક્સિનના એક ડોઝની કિંમત 3500થી 4000 રૂપિયાની આસપાસ છે તથા દરેક વ્યક્તિને તેના બે ડોઝ આપવા જરૂરી છે. એક રીતે આ મોદી સરકારની તત્પરતાનું પરિણામ છે કે વિશ્વના બીજા દેશો સાથે ભારત પણ એ જ સમયે પોતાની વેક્સિન સાથે હાજર છે. રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથેની વાતચીતમાં વડા પ્રધાને રસીકરણ સંબંધી જાતજાતની અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું છે. ધાર્મિક માન્યતાઓ તથા વેક્સિનની અસરકારકતાને લગતી અફવાઓ પર લગામ રાખવાની જવાબદારી રાજ્યોની રહેશે એવું પણ સ્પષ્ટ કરાયું છે. વાસ્તવમાં ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓ, એનજીઓ અને રેડ ક્રોસ જેવી સંસ્થાઓ સાથે મળીનેકેટલાક લોકોની વેક્સિન વિશેની ગેરસમજ દૂર કરે તો રસીકરણના અભિયાનને વેગ મળશે. ભારત પાસે રસીકરણનો વ્યાપક અને લાંબા સમયનો અનુભવ છે. પલ્સ પોલિયો અને પ્લેગ સહિત અનેક પ્રકારના રોગોનું રસીકરણ ભારતે
સફળતાપૂર્વક પાર પાડયું છે. આ અનુભવ કોરોના સામેના રસીકરણ દરમિયાન કામમાં આવશે.
દેશમાં હજી વધુ ચાર કોરોના વેક્સિન વિકસાવવામાં આવી રહી હોવાની જાણકારી પણ વડા પ્રધાને આપી છે. રસીકરણનો પહેલો
તબક્કો સુપેરે પાર પડે એ માટે રાજ્યો તથા કેન્દ્ર સરકારે માળખાકીય સુવિધાઓ તથા રસીની હેરફેર સંબંધી તમામ તૈયારીઓ ડ્રાયરન દરમિયાન ચકાસી લીધી છે. કોરોના વેક્સિનના બે ડોઝ હશે, જે 28 દિવસના અંતરે આપવામાં આવશે. પ્રત્યેક વ્યક્તિએ બે ડોઝ લેવાના રહેશે. તે પછી રસીકરણ પૂર્ણ થયું ગણાશે. બીજો ડોઝ લીધા પછી બે અઠવાડિયામાં શરીરમાં કોરોનાથી બચાવ કરનારી એન્ટીબોડીઝ બની જશે. એન્ટીબોડીઝ શરીરમાંનું એ પ્રોટિન છે જે વાયરસ, બેક્ટેરિયા, ફંગસ અને પેરાસાઇટ્સના હુમલાને નિક્રિય બનાવી દે છે. પહેલા તબક્કામાં રસીકરણ અભિયાનને મળનારી સફળતા આગળના પ્રયાસોને વેગ આપશે તથા ખરા અર્થમાં કોરોનામુક્ત થવાની દિશામાં મહત્ત્વનું પગલું હશે.

રિલેટેડ ન્યૂઝ