બડે બે-આબરૂ હો કર CM પદ સે યેદુરપ્પા નીકલેંગે !

ભાજપે ઉત્તરાખંડમાં તીરથસિંહ રાવતને ચાર મહિનામાં જ રવાના કરીને પુષ્કરસિંહ ધામીને મુખ્યમંત્રી બનાવીને રાજકીય અસંતોષ માંડ માંડ ઠાર્યો ત્યાં હવે કર્ણાટકમાં ભડકો થયો છે. કર્ણાટકમાં યેદુરપ્પા કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને તોડીને ગાદી પર બેઠા છે ને પહેલા એકાદ વરસ તો તેમણે બધું ઠીકઠાક ચલાવ્યું પણ વરસ પત્યું ને બધું સખળડખળ થવા માંડ્યું. યેદુરપ્પા કોંગ્રેસ-જેડીએસના રાજીનામાં આપીને આવેલા ધારાસભ્યોને જોરે ગાદી પર બેઠા છે તેથી તેમને જખ મારીને સાચવવા પડે. તેના કારણે મૂળ ભાજપના ધારાસભ્યો અને નેતાઓને અસંતોષ થવા માંડેલો.
યેદુરપ્પા વંશવાદી રાજકારણમાં માને
છે ને પોતાના દીકરા વિજયેન્દ્રને પોતાની જેમ ગાદીએ બેસાડવા મથે છે. વિજયેન્દ્રને તેમણે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ તો બનાવી દીધો પણ હવે તેમની ઈચ્છા તેને મુખ્યમંત્રી પણ બનાવવાની છે. બાપા મુખ્યમંત્રી છે એટલે વિજયેન્દ્ર મનમાની કરે છે ને પોતે સુપર ચીફ મિનિસ્ટર હોય એ રીતે જ વર્તે છે. યેદુરપ્પાના જમાઈ ને બીજાં સગાં પણ ઓછાં નથી ને એ બધાં પણ સત્તાનો બરાબર ગેરલાભ લે છે તેના કારણે પણ ભાજપના ધારાસભ્યોને અસંતોષ છે.
આ અસંતોષ વારેઘડીએ બહાર આવ્યા જ કરતો હતો પણ હાઈ કમાન્ડ તેમને સમજાવીને બેસાડી દેતા હતા. આ વખતે જરા વધારે મોટો ભડકો થઈ ગયો ને અસંતુષ્ટોએ યેદુરપ્પાને ઘરભેગા કરવાની મમત
કરતાં છેવટે હાઈ કમાન્ડે યેદુરપ્પાને દિલ્હી બોલાવીને માનભેર ખસી જવા કહેવું પડ્યું. યેદુરપ્પા ભાજપના જૂના જોગી છે તેથી તેમનું માન જળવાય એ ખાતર પશ્ર્ચિમ બંગાળ જેવા મોટા ને ભાજપ માટે મહત્ત્વના રાજ્યના રાજ્યપાલ બનાવવાની ઓફર પણ કરાઈ પણ યેદુરપ્પાએ ઘસીને ના પાડી દેતાં છેવટે મોદીએ બધી શરમ છોડીને યેદુરપ્પાને રાજીનામું આપી દેવાનું કહી દીધું હોવાનું કહેવાય છે. યેદુરપ્પા સરકારને 26 જુલાઈએ બે વરસ પૂરાં થાય છે તેથી 26 જુલાઈ પછી ખસી જવા અલ્ટિમેટમ આપી દીધાની વાતો છે.
આ વાતોમાં કેટલો દમ છે તે ખબર નથી પણ યેદુરપ્પાએ ખસવું પડે તો તેમના માટે આ બહુ મોટો ફટકો હશે. બલકે
તેમની રાજકીય કારકિર્દી પૂરી જ થઈ જશે. યેદુરપ્પા કર્ણાટકમાં ભાજપના દિગ્ગજ નેતા છે ને વાસ્તવમાં કર્ણાટકમાં ભાજપનો ઉદય ને વિકાસ યેદુરપ્પાને જ આભારી છે. એક સમય હતો કે જ્યારે દક્ષિણનાંરાજ્યોમાં ભાજપના ચણા પણ નહોતા આવતા. આજેય કર્ણાટક સિવાયનાં રાજ્યોમાં એ જ હાલત છે. થોડાક મહિના પહેલાં તમિલનાડુ ને કેરળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં તેનાં પરિણામ જોઈને આ વાતની ખબર પડી
જાય.
કર્ણાટકમાં ભાજપ સત્તામાં છે ને મજબૂત છે તેનું શ્રેય યેદુરપ્પાને જાય છે. યેદુરપ્પા આમ તો છેક 1983થી કર્ણાટક વિધાનસભામાં ચૂંટાય છે પણ કર્ણાટકના તખ્તે એ 2000 પછી ઝળક્યા. યેદુરપ્પા ચાર વાર
મુખ્યમંત્રી બન્યા છે ને આ સિદ્ધિ તેમણે પોતાના જોરે મેળવી છે એમ કહીએ તો ચાલે.
વજુભાઈએ કોંગ્રેસ-જેડીએસ પાસે ભાજપ કરતાં વધારે ધારાસભ્યો હોવા છતાં ભાજપને સરકાર રચવા નોંતરૂં આપીને બંધારણીય
જોગવાઈ અને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો ભંગ કર્યો છે એવા આક્ષેપ સાથે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે યેદુરપ્પાને તાત્કાલિક વિશ્ર્વાસનો મત લેવા કહ્યું તેથી ભાજપને તડજોડનો સમય ના મળ્યો તેમાં યેદુરપ્પા ત્રણ દિવસમાં ઘરભેગા થઈ ગયા હતા. કુમારસ્વામી ગાદી પર બેઠા પણ ખેલાડી યેદુરપ્પાએ એ વખતે જ કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોને તોડીને સત્તા કબજે કરવાના દાવપેચ શરૂ કરી દીધેલા. વરસ પછી તેમણે બધી ગોઠવણ કરીને ફરી એ ખેલ કરીને 15 ધારાસભ્યોને રાજીનામાં અપાવીને સત્તા કબજે કરી લીધી હતી. એ વાતને બે વરસ પૂરાં થવામાં છે ત્યાં હવે યેદુરપ્પાએ ફરી બેઆબરૂ થઈને જવું પડે એવી હાલત છે. બે વરસના ગાળામાં યેદુરપ્પાએ બીજી વાર બડે બેઆબરૂ હોકર તેરે કૂંચે સે હમ નિકલે કરવું પડે એવી સ્થિતિ છે.
યેદુરપ્પા માટે હાથનાં કર્યાં હૈયે વાગે એવી હાલત છે.
યેદુરપ્પાએ ત્રણ દિવસમાં ઘરભેગા થવું પડ્યું પછી કુમારસસ્વામીને ઘરભેગા કરવા માટે દાણા વેરવા માંડેલા. દોઢ વરસમાં તો તેમણે 17 ધારાસભ્યોને પોતાની પંગતમાં બેસવા મનાવી લીધાએ પછી તેમણે કોંગ્રેસ અને જેડીએસના 17 ધારાસભ્યોને રાજીનામાં અપાવીને કુમારસ્વામી સરકારને ગબડાવી દીધી ને વાજતેગાજતે પોતે ગાદી પર બેસી ગયેલા યેદુરપ્પાએ જે ખેલ કરેલો એ પૈસા અને પાવરના જોરે કરેલો એ કહેવાની જરૂર નથી. હવે ભાજપના નેતા યેદુરપ્પા સામે એ જ ખેલ કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ