આર્થિક સુધારા માર્ગે અગ્નિપથ, અગ્નિપથ

દેશમાં 1991માં આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા તેના ત્રણ દાયકા થયા. આ સુધારાનો અર્થતંત્ર અને સામાન્ય લોકોને જબરદસ્ત ફાયદો થયો છે. અર્થતંત્રનું કદ વધીને ત્રણ લાખ કરોડ ડોલરનું થયું છે, કરોડો નવી રોજગારીનું સર્જન થયું અને 30 કરોડથી વધુ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવી શક્યા છે. બજારોની સિકલ બદલાઈ છે અને એક સમયે વિશ્વ સમક્ષ ગરીબ તથા લાચાર દેખાતો સરેરાશ ભારતીયનો ચહેરો આત્મવિશ્વાસથી સભર,યુવા અને તાજગીભર્યો બન્યો છે.
વર્ષ 1991માં દેશ ઘેરા આર્થિક સંકટમાં હતો. આર્થિક સુધારા એક અનિવાર્યતા હતી. ત્યારે પી વી નરાસિંહ રાવની સરકારમાં નાણાપ્રધાન ડો. મનમોહન સિંઘ હતા.
તેઓ અર્થશાસ્ત્રના નિષ્ણાત અને રિઝર્વ બેન્કના ગવર્નરપદે રહી ચૂકેલા હતા. રાવે આર્થિક સુધારા કરવા માટે ડો. સિંહને છૂટો દોર આપ્યો હતો. તે પછી દેશ લાઇસન્સ અને ક્વોટા રાજમાંથી મુક્ત થયો પણક્ષબતા; ઉદારીકરણની આડપેદાશ તરીકે શેરબજારમાં કૌભાંડો થયાં અને તેના પગલે સંસદમાં સેબી એક્ટ પસાર કરીને મૂડી નિયમનકાર તરીકે સેબીની રચના કરવામાં આવી. આજની દેશની આર્થિક સ્થિતિના પાયામાં ડો. સિંઘની ઉદારીકરણની નીતિ છે. તેમના વિરોધીઓ પણ આ માટે તેમને યશ આપે છે
અર્થશાસ્ત્રીઓ અને ચિંતકો અત્યારે ઉદારીકરણના ત્રણ દાયકાની ઉજવણીના મૂડમાં છે ત્યારે ડો. સિંઘ આગળનું જોઈ રહ્યા છે. ડો.સિંઘે કહ્યુંછે કે આ ઉજવણી મનાવવાનો નહીં પણ આત્મમંથન કરવાનો અવસર છે. કોરોનાની મહામારીમાં લાખો લોકો મૃત્યુ પામ્યાં અને એટલા જ બેરોજગાર બન્યા તેની દુ:ખદ નોંધ લેતાં તેમણે કહ્યું છે કે, દેશે આર્થિક ક્ષેત્રે
પ્રગતિ કરી પણ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે તે પાછળ રહી ગયો છે. મહામારીનાં બે મોજાં દરમ્યાન ઔષધિઓની અછત થઇ, હોસ્પિટલોમાં બેડ ઓછા પડ્યા અને ઓક્સિજનની માનવીય સમસ્યા સર્જાઈ હતી. આ પડકારોનો સામનો મોદી સરકારે કર્યો છે પણ આ બે ક્ષેત્રે પાયાના સુધારા કરવા બાકી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે, આર્થિક સુધારા આ નિરંતર ચાલુ રહેનારી પ્રક્રિયા છે અને કોઈ સરકાર તેને અટકાવી શકે નહીં.
ડો. સિંઘે ચેતવણી ઉચ્ચારી છે કે સુધારાનો આગળનો માર્ગ કઠિન છે. સદ્ભાગ્યે, વર્તમાન સરકાર આ બે ક્ષેત્રે પાયાના સુધારા કરવાનું કામ કરી રહી છે. ડો. સિંઘના જ શબ્દોમાં કહીએ તો, સમૃદ્ધ બનવાની
ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસના પાયા ઉપર આર્થિક સુધારા થઇ શક્યા છે. આ બન્ને પરિબળો આજે વધુ પ્રબળ બન્યાં છે ત્યારે ડો. સિંઘે ચિંધ્યા તે ક્ષેત્રે પ્રગતિ થતી રહેશે. માર્ગ લાંબો અને કઠિન છે તો મંજિલ સુધી પહોંચવાનો વિશ્વાસ પણ છે

રિલેટેડ ન્યૂઝ