‘વિષવમન’નું નિયંત્રિત મંથન

દેશમાં અત્યાર સુધી સોશિયલ મીડિયા, ન્યૂઝ પોર્ટલ અને ઓટીટી પ્લેટફોર્મ કોઈપણ પ્રકારના નિયંત્રણ કે નિયમન વિના સ્વતંત્ર હતાં. હવે તેમને નિયમોના ચોકઠામાં લાવવામાં આવશે. એ માટેની નવી માર્ગદર્શિકા કેન્દ્ર સરકારે જાહેર કરી છે.
માર્ગદર્શિકા અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈ વાંધાજનક પોસ્ટ વિરુદ્ધ ફરિયાદ મળતાં જ તેને 24 કલાકમાં હટાવવી પડશે. ભારતની એકતા-અખંડતા,
સામાજિક વ્યવસ્થા, દુષ્કર્મ, યૌનશોષણ, બાળશોષણ જેવા કિસ્સામાં કરાયેલી વાંધાજનક પોસ્ટ કે મેસેજને સૌ પ્રથમ પોસ્ટ કરનાર વ્યક્તિની ઓળખ જણાવવી પડશે. આવા કેસમાં ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા કરાશે. ઓટીટી પ્લેટફોર્મ માટે દર્શકોની ત્રણ શ્રેણીઓ બનાવવામાં આવશે. આ રીતે ડિજિટલ મીડિયાએ પણ ઈલેક્ટ્રોનિક મીડિયાની જેમ સ્વ-નિયમન કરવાનું રહેશે. આ નિયમો આગામી ત્રણ મહિનામાં લાગુ થશે.
સોશિયલ
મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર વધતી જતી અરાજક્તા, અભદ્રતા અને અશ્લીલતાને પગલે છેલ્લા કેટલાક સમયથી માગ ઊઠી હતી કે કેન્દ્ર સરકાર આ માધ્યમો પરની સામગ્રીનું નિયમન કરે અથવા તેના પર નજર રાખવા માટે કોઈ વ્યવસ્થા કરે. કેન્દ્ર સરકારે એ માટે ગાઈડલાઈન્સ બહાર પાડીને નવો કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે.
બંધારણ સ્પષ્ટ કહે છે કે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય અમર્યાદિત નથી. તેના પર અંકુશો
મૂકી શકાય. તાજેતરમાં ગયા મહિને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર પ્રસારિત સિરિયલ તાંડવ વિશે વિવાદ ઉભો થયો ત્યારે સુપ્રીમ કોર્ટે તેના નિર્માતાઓને ધરપકડથી બચવાની રાહત આપવાનો ઈનકાર કરતાં વધુ એક વાર ધ્યાન દોર્યુ હતું કે અભિવ્યક્તિની સ્વતંત્ર્યતા અસીમિત નથી.
એમાં કોઈ બેમત નથી કે સોશિયલ મીડિયાએ લોકોને અભિવ્યક્તિની આઝાદીનો વાસ્તવિક અહેસાસ કરાવ્યો છે અને હવે તો તેના વિવિધ મંચજનમત-નિર્માણમાં પ્રભાવશાળી ભૂમિકા નિભાવતા થયા છે. ભારતમાં આ બધાનો વ્યાપ બહુ મોટો છે. દેશમાં વોટ્સઍપનો ઉપયોગ કરનારાઓની સંખ્યા લગભગ 53 કરોડ સુધી પહોંચી ગઈ છે અને ફેસબુકના યુઝર્સની સંખ્યા 40
કરોડથી પણ વધુ છે.
લોકો સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયા સૌથી સરળ માધ્યમ હોવાથી તમામ રાજકીય પક્ષોએ પોતાના આઈટી સેલ બનાવ્યા છે અને તેમાં બહુ મોટી સંખ્યામાં લોકો કાર્યરત છે. આવી ટીમો પર કેટલીક
વાર ખોટા સમાચારો ફેલાવવાના અને અયોગ્ય સામગ્રીઓ તૈયાર કરવાના આક્ષેપ થયા છે. કમનસીબે સોશિયલ મીડિયા કંપનીઓને આવા વિવાદોથી વ્યવસાયિક લાભ થતો હોય છે એટલે તેઓ આવી બાબતોની ઉપેક્ષા કરે છે. અમેરિકા અને યુરોપ આ બાબતે ખાસ્સા જાગરૂક છે. પરંતુ ભારતમાં ફરિયાદ છતાં કંપનીઓ પગલાં ભરતાં અચકાય છે. પણ હવે દર મહિને ફરિયાદોની સંખ્યા અને તેના પર થયેલી કાર્યવાહીની માહિતી બહાર પાડવાથી પારદર્શિતા સુનિશ્ચિત થશે.
સરકારનો આશય ચોખ્ખું અને નિષ્પક્ષ ડિજિટલ મેદાન તૈયાર કરવાનો ભલે હોય, પ્રસ્તાવિત કાયદામાં તેણે એ વાતનું પૂરું ધ્યાન રાખવું પડશે કે કાયદાની જોગવાઈથી અભિવ્યક્તિની આઝાદીને
કોઈ આંચ ન પહોંચે, કેમ કે તે લોકતંત્રનો મૂળભૂત ગુણ છે. આદર્શ લોકતંત્રમાં કાયદા-નિયમોની બને એટલી ઓછી આવશ્યક્તા હોય અને સ્થાપિત સ્વસ્થ મૂલ્યો અને પરંપરાઓથી જ તે સંચાલિત હોય. પરંતુ કાયદો ઘડવો અનિવાર્ય બની જાય તો તેનાં દીર્ઘકાલિન પરિણામો અંગે પણ ગહન અને ગંભીર ચિંતન-મનન આવશ્યક છે. ડિજિટલ પ્લેટફોર્મો માટે સ્વનિયમનની વ્યવસ્થા યોગ્ય છે. એની પાછળ એ જ સંદેશ છે કે ભારત લોકતાંત્રિક મૂલ્યો પ્રતિ જાગૃત દેશ છે અને ફક્ત રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિક -હિતોની રક્ષા જ તેની ચિંતાના મૂળમાં છે

રિલેટેડ ન્યૂઝ