રિઝવી વખાના માર્યા હિન્દુ બન્યા છે, નહીં કે આસ્થાના કારણે

પણે ત્યાં ધર્માંતરણની વાત નીકળે ત્યારે મોટા ભાગે હિંદુઓ વટલાઈને બીજો ધર્મ અપનાવે એવું જ યાદ આવે છે. મોટા ભાગે હિંદુઓ ઈસ્લામ, ખ્રિસ્તી કે બૌદ્ધ ધર્મ અંગિકાર કરે એવી જ ઘટનાઓ બને છે તેથી ધર્માંતરણ એટલે હિંદુઓનું ધર્મપરિવર્તન એવી જ માન્યતા રૂૂઢ થઈ ગયેલી છે. ધર્મના મામલે હિંદુઓ ઢીલા છે ને બીજા ધર્મવાળા ચુસ્ત છે એવી માન્યતાના કારણે પણ હિંદુ સિવાય બીજા ધર્મનાં લોકોના ધર્માંતરણની વાત નથી થતી. આ માહોલમાં કોઈ મુસ્લિમ હિંદુ ધર્મ અંગિકાર કરે ત્યારે સૌને આશ્ર્ચર્ય ચોક્કસ લાગે. આ મુસ્લિમ મોટું માથું હોય ત્યારે લોકોને આંચકો પણ લાગે. સોમવારે વસિમ રિઝવીના ધર્માંતરણે આ કારણે જ લોકોને આંચકો આપી દીધો. વસિમ રિઝવી ઉત્તર પ્રદેશના મુસ્લિમોમાં મોટું ને જાણીતું નામ છે. એક સમયે શિયા વકફ બોર્ડના ચેરમેન રહી ચૂકેલા રિઝવીના નામે ઘણા બધા વિવાદો બોલે છે. રિઝવીને સોમવારે ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરના મહંત નરસિંહ આનંદ સરસ્વતીએ ઘરવાપસી કરાવીને હિંદુ-સનાતન ધર્મમાં પ્રવેશ કરાવ્યો. મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મગુરૂઓ દ્વારા મોટા પાયે ધર્માંતરણ કરાવાય છે તેથી આ ધર્મોમાં ધર્માંતરણની વિધિ શું છે તેની સામાન્ય રીતે લોકોને ખબર હોય છે. સામાન્ય રીતે આ ધર્મ પાળનારી વ્યક્તિના ઘરે બાળક જન્મે ત્યારે વિધિવિત્ રીતે તેનો પોતાના ધર્મમાં પ્રવેશ કરાવવા માટે કરાવાતી વિધિ જેવી જ વિધિ અન્ય ધર્મમાંથી આવનારી વ્યક્તિ પર કરાવાતી હોય છે.
હિંદુઓ દ્વારા સામાન્ય રીતે ધર્માંતરણ કરાવાતું નથી. હિંદુઓમાં બાળક જન્મે પછી તેનો વિધિવત્ રીતે હિંદુ
ધર્મમાં પ્રવેશ કરાવવાની કોઈ વિધિ નથી કેમ કે હિંદુ ધર્મનું બીજાં ધર્મોની જેમ ચોક્કસ માળખું નથી. આ કારણે હિંદુ ધર્મમાં આવવા માટે કઈ વિધિ કરાવાય તેની મોટા ભાગના હિંદુઓને પણ ખબર નથી પણ મહંતદ્વારા દાવો કરાયો છે કે, સનાતન ધર્મમાં પાછા ફરવા માટે જરૂૂરી બધી વિધિ રિઝવી પર કરાઈ છે તેથી હવે રિઝવી હિંદુ બની ગયા છે. રિઝવીનું નામ પણ બદલીને જીતેન્દ્ર નારાયણ સ્વામી કરી દેવાયું છે. હિંદુઓ
માટે કોઈ પણ વ્યક્તિ હિંદુ જ હોય એ જરૂૂરી નથી પણ એ કઈ જ્ઞાતિની છે એ વધારે મહત્વનું હોય છે. મહંત નરસિંહ આનંદ સરસ્વતી સમજદાર છે તેથી તેમને ખબર હશે જ કે, રિઝવીના કિસ્સામાં પણ એ સવાલ થશે જ. આવો સવાલ ઊઠે એ પહેલાં તેમણે રિઝવીની નવી જ્ઞાતિ પણ નક્કી કરી નાંખી અને તેમને ત્યાગી સમુદાયમાં મૂકી દીધા. રિઝવીએ પોતે હિંદુ બન્યા તેને ઘરવાપસી ગણાવી છે. પોતાના વડવા હિંદુ જ હતા પણ દબાણ હેઠળ મુસ્લિમ બની ગયા હતા, હવે પોતે સનાતન ધર્મ અંગિકાર કરીને ઘરવાપસી કરી રહ્યા છે એવો પણ રિઝવીએ દાવો કર્યો છે. માથે ત્રિપુંડ બનાવીને અને ભગવા કલરનું ઉપવસ્ત્ર પહેરીને રિઝવીએ ચુસ્ત હિંદુવાદી જેવો વેશ ધારણ કરીને પોઝ પણ આપી દીધા છે.
રિઝવી વટલાઈને હિંદુ બન્યા એ સાવ સામાન્ય ઘટના છે પણ સોશિયલ મીડિયા પર નવરી બજાર હિંદુત્વ માટે આ બહુ મોટી ઘટના હોય એ રીતે મચી પડી છે. યોગાનુયોગ સોમવારે 6 ડિસેમ્બર હતી ને
બાબરી મસ્જિદ ધ્વંસની વરસી હતી. ઘણાં નમૂનાઓએ 6 ડિસેમ્બરનો દિવસ ફરી હિંદુત્વ માટે યાદગાર બની ગયો એવી કોમેન્ટ્સ પણ કરી છે. આ પ્રકારની બીજી કોમેન્ટ્સ પણ થઈ છે ને એ બધાની વાત કરવી શક્ય નથી પણ સોશિયલ મીડિયા પર કેવાં ધૂપ્પલ ચાલે છે તેનું આ ઉદાહરણ છે.

રિલેટેડ ન્યૂઝ