રાફેલ સોદામાં ‘બોફોર્સ’ નથી તેની તપાસ જરૂરી

કોરોનાના કકળાટ વચ્ચે રાફેલ વિમાનોની ખરીદીમાં ઘાલમેલનો મુદ્દો પાછો ગાજ્યો છે ને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ફ્રાન્સના નમીડિયાપાર્ટથ મેગેઝિનમાં રાફેલ વિમાનોની ખરીદીમાં કટકી અપાઈ હોવાનો રિપોર્ટ છપાયેલો ત્યારથી ધમાધમી શરૂ થઈ જ ગયેલી ને કોંગ્રેસના પાટવી કુંવર રાહુલ ગાંધી મેદાનમાં આવી ગયેલા. નરેન્દ્ર મોદી સરકારે કટકી આપીને દેશ સાથે ગદ્દારી કરી છે એવા આક્ષેપોનો મારો કોંગ્રેસ છેલ્લા અઠવાડિયાથી ચલાવી રહી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, મોદી સરકારે પોતાના મળતિયાઓના ખટાવવા માટે આ સોદામાં લાખના બાર હજાર કર્યા છે ને 21 હજાર કરોડનો ચૂનો દેશની તિજોરીને લગાડી દીધો છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં આ નવા આક્ષેપોની તપાસ કરવા માટે જાહેરહિતની અરજી પણ થયેલી. સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી બે અઠવાડિયાં પછી કરવાનું નક્કી કર્યું છે.
સુપ્રીમ કોર્ટ બે અઠવાડિયાં પછી શું નક્કી કરશે એ ખબર નથી પણ રાફેલ સોદા વિશે નવેસરથી જે આક્ષેપો થયેલા એ સાવ કાઢી નાખ્યા જેવા નથી જ.મીડિયાપાર્ટમાં છપાયેલા રિપોર્ટ ગંભીર છે ને કોઈ અધ્ધરતાલ
વાતો કરવાના બદલે નામજોગ વાત કરાઈ છે. આ મેગેઝિને થોડા દિવસ પહેલાં છાપેલું કે, દસોં એવિયેશને ભારતને આપેલાં રાફેલ વિમાનોના સોદામાં 11 લાખ યુરો એટલે કે લગભગ 10 કરોડ રૂપિયાની દલાલી એક ભારતીય વચેટિયાને ચૂકવેલી. ફ્રાન્સની એન્ટિ કરપ્શન એજન્સીના હવાલાથી લખાયેલું કે, ભારતની ડેફસિસ સોલ્યુશન્સ નામની કંપનીને 11 લાખ યુરોની રકમ અપાયેલી. આ અહેવાલ પ્રમાણે, આ રકમ કટકી પેટે અપાઈ છે એવું ના લાગે એટલા માટે ડેફસિસ સોલ્યુશન્સે દસોં એવિયેશનને રાફેલ વિમાનનાં 50 મોડલ વેચવાનો કરાર કરેલો.
આ મોડલ ભારતમાં જ અલગ અલગ હસ્તીઓને ગિફ્ટ તરીકે આપવા બનાવાયા હોવાનો દાવો દસોં એવિયેશને ફ્રાન્સની
એન્ટિ કરપ્શન એજન્સી સમક્ષ કરેલો. એજન્સીના ઈન્સ્પેક્ટર્સે આ મોડલની ડિઝાઈન વગેરે પુરાવા માંગ્યા ત્યારે કંપની પાસે કોઈ પુરાવા નહોતા. મીડિયાપાર્ટના રિપોર્ટ પ્રમાણે દસોં એવિયેશન પાસેથી આ ગિફ્ટ મેળવનારા ધુરંધરોમાં ભારતના ઍર ચીફ માર્શલ પણ છે ને તેમના ઘરની બહાર એક મોડલ મુકાયું છે. આ સિવાય વેસ્ટર્ન ઍર કમાન્ડ, ગ્વાલિયર ઍર ફોર્સ બેઝ વગેરે સ્થળે લગાવાયાં છે. રાફેલ સ્ક્વોડ્રન હાસીમારામાં છે તેથી કેટલાંક મોડલ ત્યાં
લગાવવા પણ મોકલી અપાયાં છે. હજુ પચાસેપચાસ મોડલ વપરાયાં નથી ને મોટા ભાગનાં મોડલ ગોડાઉનમાં ધૂળ ખાતાં પડ્યાં છે. આજે નહીં તો કાલે આ મોડલ ક્યાંક ને ક્યાંક
મોકલાશે ને ના મોકલાય તો પણ બહુ ફરક પડતો નથી.
મૂળ વાત જે કંપની સામે કટકી ખાવાનો આક્ષેપ છે તેને પચાસ મોડલ મળ્યાં તેનો છે ને એ વાતનો નથી કંપનીએ ઈનકાર કર્યો કે નથી આપણી સરકારે ઈનકાર કર્યો. દસોં
એવિયેશને કોઈ પણ પ્રકારની કટકી અપાઈ હોવાની વાત નકારી કાઢી છે પણ આ મોડલ મળ્યાં હોવાની વાતને નકારી નથી. બીજું એ કે, જે રિપોર્ટ છપાયો છે તેમાં ફ્રાન્સની એન્ટિ કરપ્શન એજન્સીનો ઉલ્લેખ છે. આ એજન્સીના અહેવાલમાં આ કટકી અપાઈ હોવાનું કહેવાયું છે એવો દાવો કરાયેલો ને ફ્રાન્સની એજન્સીએ આ
વાતને નકારી નથી. પોતાના નામે ગપ્પું ચલાવાયું હોવાનું કે બીજું કશું પણ કહ્યું નથી. એજન્સીનું મૌનપણ એ વાતનો સંકેત છે કે, આ રિપોર્ટમાં દમ તો છે જ.
રાફેલ સોદો મૂળ કોંગ્રેસના શાસનમાં થયેલો ને એ વખતે યોજના 126 વિમાનો ખરીદવાની હતી. 2007માં ઍરફોર્સે મલ્ટિ રોલ ફાઈટર જેટની જરૂર હોવાનું જણાવ્યું પછી
મનમોહન સિંહ સરકારે વિશ્ર્વની ખરીદીની પ્રક્રિયા શરૂ કરેલી. લાંબી મથામણ પછી ફ્રાન્સની દસોં કંપની પાસેથી 126 રાફેલ વિમાનો માટે સોદો થયેલો. કોંગ્રેસના દાવા પ્રમાણે એ વખતે દરેક વિમાન પેટે રૂપિયા 526 કરોડ ચૂકવવાના હતા. તેમાં વિમાન પણ આવી ગયું ને શસ્ત્રો પણ આવી ગયાં. મોદી સરકારે 2014માં આ સોદો રદ કરી દીધો. ઍરફોર્સે તેનો વિરોધ કર્યો એટલે મોદીએ 2015માં ફ્રાન્સ સાથે કરાર કરીને 36 વિમાનો ખરીદવાનું નક્કી કર્યું.
આ સોદા પર 2016માં હસ્તાક્ષર થયા ત્યારથી કોંગ્રેસે ધમાધમી શરૂ કરી દીધેલી. કોંગ્રેસનો આક્ષેપ છે કે નવા સોદા પછી આપણને દરેક વિમાન 1670 કરોડ રૂપિયામાં એટલે કે કોંગ્રેસના શાસનમાં
થયેલા સોદા કરતાં ત્રણ ગણા ભાવે મળશે. કોંગ્રેસના શાસનમાં થયેલા સોદા વખતે ખાનગી કંપની ચિત્રમાં નહોતી ને પછી અચાનક અનિલ અંબાણીની કંપની આવી ગઈ તેના કારણે દાળમાં કાળું છે. આ કંપની સોદાના બાર દાડા પહેલાં જ સ્થપાયેલી એવો પણ દાવો કોંગ્રેસ કરે છે.
રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી રાફેલ મુદ્દે મચી પડેલા ને રાફેલ સોદામાં અનિલ અંબાણીને લાભ ખટાવવા દેશનાં હિતોની ઐસીતૈસી કરી નંખાઈ છે
તેવા આક્ષેપોનો તેમણે મારો ચલાવી દીધેલો. લોકસભાની ચૂંટણીમાં રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ લપેટી લીધેલા ને નમોદી ચોકીદાર નહીં ચોર છેથ એ વાત સતત કરી કરીને મોદી પર પણ શંકા થાય તેવો માહોલ ઊભો કરી દીધેલો. બીજી તરફ ભાજપથી બળેલા અરૂણ શૌરી, શત્રુઘ્ન સિંહા ને યશવંત સિંહાની ત્રિપુટીએ રાફેલ સોદાની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) મારફતે તપાસ કરાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરેલી. આમ આદમી પાર્ટીના સંજયસિંહ ને બીજા એક વકીલે પણ અલગ અલગ અરજીઓ કરેલી. એ રીતે રાફેલ સોદાની તપાસ કરાવવા માટે આ પંચક મચી પડેલું.
સુપ્રીમ કોર્ટે બે વર્ષ પહેલાં આ અરજીઓનો ડૂચો કરીને કચરા ટોપલીમાં
ફેંકી દઈને ચુકાદો આપેલો કે રાફેલ સોદામાં પ્રાથમિક રીતે કશું ખોટું થયું હોય એવા પુરાવા નથી એટલે તપાસ કરાવવાની જરૂર લાગતી નથી. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે, રાફેલ સોદામાં કટકી ખવાઈ છે ને ઘાલમેલ થઈ છે એવી આખી વાત ફ્રાન્સના ભૂતપૂર્વ પ્રમુખ ફ્રાન્કો હોલાંદેના નિવેદન પર આધારિત હતી ને એક વ્યક્તિની વાત પર ભરોસો મૂકીને તપાસનો આદેશ કરવાનો ચુકાદો ના આપી શકાય.
સુપ્રીમ કોર્ટે એ
વખતે જે ચુકાદો આપ્યો એ ત્યારે ઉપલબ્ધ પુરાવાના આધારે આપેલો. હવે નવા પુરાવા આવ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટ આ સોદાની તપાસ કરાવે એવું બને. એવું થાય એ જરૂરી છે કેમ કે દેશના સંરક્ષણને લગતી તમામ બાબતો શંકાથી પર હોવી જ જોઈએ.

રિલેટેડ ન્યૂઝ