માનને મુખ્યપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી ‘આપ’એ શતરંજ બિછાવી

અંતે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભગવંત માનને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરી દીધા. આપના કર્તાહર્તા અરવિંદ કેજરીવાલ પોલિટિકલ ગિમિક્સના માસ્ટર છે તેથી આપમાંથી કોણ મુખ્યમંત્રીપદનો ઉમેદવાર બનશે, માટે તેમણે જોરદાર ગિમિક કરીને વોટ્સએપ પર સર્વે કરાવેલો. પંજાબનાં લોકોને 17 જાન્યુઆરીને સોમવાર સાંજે પાંચ વાગ્યા લગીમાં વોટ્સએપ દ્વારા પોતાનો અભિપ્રાય મોકલી આપવા કહેવાયેલું. સોમવારે સાંજે જાહેરાત કરાયેલી કે આવતી કાલે સર્વેનું પરિણામ જાહેર કરાશે. મંગળવારે એ જાહેરાત કરાઈ ને તેમાં ભગવંત માન પર પંજાબનાં લોકોએ કળશ ઢોળાયો હોવાનું એલાન કરી દેવાયું. આપના દાવા પ્રમાણે, કુલ 22 લાખ લોકોએ સર્વેમાં ભાગ લઈને વોટ્સએપ પર અભિપ્રાય મોકલ્યો હતો. તેમાંથી 20 લાખ કરતાં વધારે એટલે કે લગભગ 93 ટકા લોકોનો અભિપ્રાય માનને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવવાનો હતો તેથી આપએ માનની પસંદગી કરી છે.
ભગવંત માનને આપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવાયા એ સાથે જ પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. અકાલી દળ બાદલ પરિવારની બાપીકી પેઢી છે
તેથી અકાલી દળમાંથી કોણ મુખ્યમંત્રીપદનો ઉમેદવાર હોય એ કહેવાની જ જરૂર નથી. પ્રકાશસિંહ બાદલ હવે નિવૃત્ત છે ને પનોતા પુત્ર સુખબિરસિંહને બધું સોંપીને પરવારી ગયા છે તેથી સુખબિર જ રેસમાં છે. ભાજપ પંજાબમાં ચિત્રમાં નથી તેથી કેપ્ટન અમરિન્દરસિંહ સાથે હાથ મિલાવીને ચૂંટણી લડી રહ્યો છે. કેપ્ટન હોય એટલે એ જ મુખ્યમંત્રીપદના દાવેદાર હોય એ કહેવાની જરૂૂર નથી. કોંગ્રેસમાં નવજોત સિદ્ધુ ઊંચાનીચા થયા કરે છે ને વચ્ચે વચ્ચે ડબકા મૂક્યા કરે છે કે, પંજાબમાં કોણ મુખ્યમંત્રી બનશે એ કોંગ્રેસ હાઈકમાન્ડ નહીં પણ પંજાબના મતદારો નક્કી કરશે. સિદ્ધુના ગાદી પર બેસવાના ઓરતા પૂરા ના થયા એટલે એ ભલે આવી વાતો કર્યા કરે પણ કોંગ્રેસ જીતશે તો હાલના મુખ્યમંત્રી ચરણજિતસિંહ ચન્ની જ મુખ્યમંત્રી બનશે તેમાં મીનમેખ નથી. ચન્નીના જોરે તો કોંગ્રેસે દલિત કાર્ડ ખેલ્યું છે તેથી કોંગ્રેસ જીતે ને કોંગ્રેસ ચન્નીને કોરાણ મૂકી દે એ વાતમાં માલ નથી તેથી અત્યારે તો ચન્ની જ મુખ્યમંત્રીપદના ઉમેદવાર છે. હવે આપએ ભગવંત માનને ઉમેદવાર જાહેર કરતાં પંજાબના ચતુષ્કોણીય જંગના ચારેય ખેલાડી નક્કી થઈ ગયા છે.આ જંગમાં ભલે ચાર ખેલાડી હોય પણ અસલી જંગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થાય એવી શક્યતા વધારે છે. તેનું કારણ માલવા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો વધતો પ્રભાવ અને જ્ઞાતિનાં સમીકરણ છે.



કેપ્ટન અને બાદલ બંને ભલે માલવાના હોય પણ માલવામાં કોંગ્રેસ અને આપ બે મુખ્ય ખેલાડી છે. માલવા વિસ્તારમાં ધીરે ધીરે આપનું વર્ચસ્વ વધી રહ્યું છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આપએ જીતેલી 20માંથી 18
બેઠકો માલવા વિસ્તારમાંથી હતી. લોકસભાની 2019ની ચૂંટણીમાં આપ ગણીને એક બેઠક જીતી શકેલી એ પણ માલવામાં હતી.
કોંગ્રેસે પણ 2017માં પંજાબ કબજે કર્યું તેમાં માલવા વિસ્તારમાં મળેલી જોરદાર સફળતા
જવાબદાર હતી. પરંપરાગત રીતે માલવા અકાલી દળનો ગઢ ગણાય છે પણ કોંગ્રેસે છેલ્લી ચૂંટણીમાં એ ગઢના કાંગરા ખેરવીને 69માંથી 40 બેઠકો કબજે કરેલી. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ અકાલી દળના મતો તોડીને કોંગ્રેસને બહુ મદદ કરેલી. આમ આદમી પાર્ટી છેલ્લી ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ તરીકે ઊભરેલી તેનું કારણ એ હતું કે, આપને 20 બેઠકો મળેલી તેમાંથી 18 બેઠકો તેણે માલવા વિસ્તારમાંથી જીતી હતી. એ રીતે આપને પણ માલવા બરાબર ફળેલું. એ પછી આપએ માલવામાં પગપેસારો કરીને પંજાબમાં સ્થિતિ મજબૂત કરી નાખી છે તેથી માલવામાં મુખ્ય જંગ આપ અને કોંગ્રેસ વચ્ચે છે.
જ્ઞાતિના સમીકરણોની રીતે પણ જંગ કોંગ્રેસ
અને આપ વચ્ચે છે. પંજાબમાં દલિતો અને જાટ સમુદાયની મતબેંક મુખ્ય છે. પંજાબમાં સૌથી મોટી મતબેંક દલિતોની છે પણ સૌથી તાકતવર સમાજ જાટ સમાજ છે. પંજાબના કુલ મતદારોમાં જાટ મતદારોનું પ્રમાણ 20 ટકાની આસપાસ જ છે પણ બધી રીતે આ સમાજ તાકાતવર હોવાથી જાટ સમાજનું વર્ચસ્વ વધારે છે. પંજાબમાં બહુમતી મુખ્યમંત્રી શીખ જાટ જ્ઞાતિના આવ્યા છે. પંજાબના 16 મુખ્યમંત્રીમાંથી 13 મુખ્યમંત્રી જાટ આવ્યા છે તેના પરથી જ તેમના વર્ચસ્વનો ખ્યાલ આવે. પંજાબી જાટમાં 60 ટકા શીખ છે ને 40 ટકા હિંદુ છે પણ તેમની વચ્ચે કોઈ ભેદભાવ નથી. ભગવંત માન શીખ જાટ છે ને માલવાના છે તેથી નઆપથનું પલ્લુ ભારે છે.
કોંગ્રેસ પણ
જ્ઞાતિનાં સમીકરણોમાં જોરાવર છે. પંજાબમાં સૌથી મોટી મતબેંક દલિતોની છે. દેશના કોઈ રાજ્યમાં ના હોય એટલા જંગી પ્રમાણમાં દલિત મતદારો પંજાબમાં છે. પંજાબના કુલ મતદારોમાં 35 ટકા મતદારો દલિત હોવાનું મનાય છે. દલિતોમાં 60 ટકા સીખ છે જ્યારે 40 ટકા હિંદુ છે પણ એ બધા એક જ છે. માલવા વિસ્તાર અને સૌથી મોટી મતબેંક એવી દલિતોના નેતા ચન્ની એ બે સમીકરણોને કારણે કોંગ્રેસ પણ મજબૂત સ્થિતિમાં છે.
જો કે
રાજકારણમાં ક્યારે બાજી પલટાઈ જાય એ નક્કી નથી હોતું. અત્યારે પંજાબ અને આપ મજબૂત લાગે છે પણ કોઈ મોટો મુદ્દો આવી જાય ને બધું બદલાઈ જાય એવું બને.





રિલેટેડ ન્યૂઝ