ભારતની આ જીત સામાન્ય નથી

ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ને છેલ્લી ટેસ્ટ અકલ્પનિય રીતે જીતીને ઈતિહાસ રચી દીધો. આ જીત સાથે આપણી ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ 2-1થી જીતીને ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા ને ભારતીયોનો મંગળવાર સાચા અર્થમાં મંગળમય બનાવી દીધો. ભારતે બ્રિસ્બેન ટેસ્ટમાં મંગળવારનો આખો દિવસ કાઢવાનો હતો ને ચોથી ઈનિંગ્સમાં આપણી ટીમનો રેકોર્ડ વરઘોડો કાઢવાનો છે એ જોતાં આ ટેસ્ટ ડ્રોમાં કાઢીએ તોય ભયો ભયો એવું ક્રિકેટ ચાહકો માનતા હતા. ઓસ્ટ્રેલિયાના બોલરો સામે ઝીંક ઝીલીને આપણી ટીમ ટેસ્ટ ડ્રોમાં ખેંચે તોય સિરીઝ ડ્રોમા જાય ને ગાવસ્કર-બોર્ડર ટ્રોફી આપણી પાસે જ રહે તેથી મોટા ભાગના ક્રિકેટ ચાહકો આ ટેસ્ટ ડ્રોમાં જાય એવી જ પ્રાર્થના કરતા હતા. તેના બદલે આપણા બેટ્સમેને ટીમને અકલ્પનિય રીતે જીત અપાવીને સૌને દંગ કરી દીધા છે.
ભારતે ઓસ્ટ્રેલિયાની ધરતી પર આ પહેલાં પણ ટેસ્ટ સિરીઝ જીતેલી. 2018-19માં વિરાટ કોહલીના નેતૃત્વમાં આપણે ઓસ્ટ્રેલિયા રમવા ગયેલા ત્યારે 2-1થી સિરીઝ જીતીને ઈતિહાસ રચેલો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર
આપણે સિરીઝ જીત્યા હોય એવું પહેલી વાર બનેલું ને ઘણાંએ અતિ ઉત્સાહમાં આવીને તેને ભારતીય ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી જીત પણ ગણાવી દીધેલી. ભારતનો વિદેશની ધરતી પર રેકોર્ડ જરાય સારો નથી ને ઓસ્ટ્રેલિયા સામે તો એકદમ ખરાબ છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આપણે પાંચ દાયકામાં પહેલી વાર ટેસ્ટ સિરીઝ જીતેલા એ જોતાં એ જીત મોટી હતી તેમાં શંકા નથી પણ આ જીત તેના કરતાં પણ મોટી છે. ભારતીય ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી જીત તો ના ગણી શકાય પણ જેને વરસો લગી યાદ રાખી શકાય ને ગર્વ અનુભવી શકાય એવી જીત ચોક્કસ છે.
આ જીતના કારણે સૌથી વધારે ગર્વ એ વાતનો થાય કે, આપણે સાવ નવા નિશાળિયા જેવા ખેલાડીઓના
જોરે જીત્યા છીએ. અકિંજય રહાણેના નેતૃત્વ હેઠળની આ ટીમમાં રહાણે, રોહિત શર્મા અને ચેતેશ્ર્વર પૂજારાને બાદ કરતાં બાકીના ખેલાડીઓ સાવ નવાસવા છે. બ્રિસ્બેનમાં જીતનારી ટીમમાંથી વોશિંગ્ટન સુંદરને ટી. નટરાજન તો પહેલી જ ટેસ્ટ રમતા હતા. મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ ને નવદીપ સૈની પહેલી વાર આ સિરીઝમાં રમ્યા એ જોતાં બંને પણ નવાસવા જ છે. શાર્દૂલ ઠાકુર 2018માં પોતાની પહેલી ટેસ્ટ રમેલો પણ એ પછી તક જ
નહોતી મળી. આ વખતે તેને તક મળી ને બ્રિસ્બેન ટેસ્ટ તેની બીજી ટેસ્ટ હતી. મયંક અગ્રવાલ અને રિષભ પંતની ટેસ્ટ મેચનો આંકડો 10ને પાર થયો છે પણ એ બંને પણ ટેસ્ટ ટીમમાં કાયમી નથી ને આવનજાવન કર્યા કરે છે તેથી બંને નવા જ કહેવાય. ટૂંકમાં ભારતીય ટીમના 11 ખેલાડીમાંથી 8 ખેલાડી તો એવા છે કે જે ટેસ્ટ ટીમમાં કાયમી જ નથી. આપણા ઢગલો ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા તેમાં તેમને તક મળી ને તેમણે ઓસ્ટ્રેલિયા માટે કાળો કેર વર્તાવી દીધો.
ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઈનિંગ્સમાં બધાંએ સારી બોલિંગ નાખી પણ મોહમ્મદ સિરાજ ને શાર્દૂલે ઓસ્ટ્રેલિયાને રહેંસી નાખવામાં મોટી ભૂમિકા ભજવેલી. બંનેએ મળીને નવ વિકેટ ખેરવીને
ઓસ્ટ્રેલિયાને 300 રનને પાર ના થવા દીધું તેમાં આપણ જીતની શક્યતા ઊભી થઈ. છેલ્લા દિવસની બેટિંગ સૌએ જોઈ છે તેથી ઝાઝું કહેવાપણું નથી પણ ચેતેશ્ર્વર પૂજારા, શુભમન ગિલ, રીષભ પંત ને સુંદરનાં વખાણ કરવાં જ પડે. પૂજારા માટે તો ટીમનો રકાસ રોકવા નવી વાત છે જ નહીં. આ માણસે ફરી સાબિત કર્યું કે ભારતીય ટીમમાં જેના પર આંખો મીંચીને ભરોસો મૂકી શકાય એવો કોઈ જણ હોય તો એ ચેતેશ્ર્વર પૂજારા છે. પૂજારાને નિશાન બનાવીને ઓસ્ટ્રેલિયન બોલરોએ બાઉન્સર્સનો મારો ચલાવેલો ને તેને બિવાડવામાં કોઈ કસર છોડી નહોતી. એ બધા સામે ઝીંક ઝીલીને પૂજારાએ ગિલ સાથે સવારનો કપરો કાળ કાઢી નાંખીને જીત ના થાય તો કંઈ નહીં પણ ટેસ્ટ ડ્રોમાં ખેંચી શકાશે એવી આશા તો ઊભી કરી જ દીધેલી. પૂજારાએ ગિલ પછી પંત સાથે મળીને આપણું વહાણ ના ડૂબવા દીધું. ઓસ્ટ્રેલિયા સામેની આ યાદગાર જીતના બધા હીરોને ફરી તક મળશે કે કેમ એ સવાલ છે કેમ કે આપણે ત્યાં ખાઈ બદેલા પાછા આવે એટલે તેમના માટે જગા કરવાની પ્રથા છે. આ સંજોગોમાં હવે પછી કોણ કોણ રમતા જોવા મળશે એ ખબર નથી પણ આ ખેલાડીઓ ક્રિકેટ ચાહકોના દિલમાં હંમેશાં રહેશે.

રિલેટેડ ન્યૂઝ