પાકિસ્તાનના હિંદુઓ પ્રત્યે આપવો સંવેદનશીલ, પણ બાંગ્લાદેશ માટે નહીં

બાંગ્લાદેશમાં કોમી હિંસા ભડકી છે ને હિંદુઓને નિશાન બનાવીને છેલ્લા એક અઠવાડિયાથી હુમલા થઈ રહ્યા છે. બંગલાદેશનો ઈતિહાસ કોમી રમખાણોનો છે ને કટ્ટરવાદી મુસ્લિમો હિંદુઓ પર હુમલા કરે તેમાં કશું નવું નથી. કટ્ટરવાદીઓને બહાનું જ જોઈતું હોય છે ને આ વખતે દુર્ગાપૂજા દરમિયાન ફરતી થયેલી ફેસબુક પોસ્ટનું બહાનું મળી ગયું. આ પોસ્ટમાં કુરાનનું કથિત અપમાન કરાયું હોવાનો દાવો કરીને કટ્ટરવાદીઓએ ચાંદીપુરના હાજીગંજ ઉપજિલામાં દુર્ગાપૂજા સમારોહ માટે ઊભા કરાયેલા મંડપમાં તોડફોડ કરીને હિંદુઓને બેફામ ફટકાર્યા ને હિંસાની શરૂઆત થઈ. આ ફેસબુક પોસ્ટના સમાચાર ફેલાતાં બીજા વિસ્તારોમાં પણ કટ્ટરવાદી મુસ્લિમો મેદાનમાં આવી ગયા ને દુર્ગા પૂજાના મંડપો પર હુમલા શરૂ થયા.
આ હુમલા પછી હિન્દુ મંદિરો પર હુમલા થવા માંડ્યા ને તેમાં હિંસા ફાટી નીકળી. કટ્ટરવાદીઓએ હિંદુ
વિસ્તારોને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા ને આ હુમલા હજુય ચાલુ જ છે. હિંદુઓનાં સો જેટલાં ઘરોને સળગાવીને નાશ કરાયો હોવાનું કહેવાય છે. સત્તાવાર રીતે આ હિંસામાં 4 લોકોનાં મોત થયાં અને 100 જેટલાં લોકો ઘાયલ થયાં છે પણ બિનસત્તાવાર રીતે મૃત્યુ આંક વધારે છે.
બંગલાદેશમાં અત્યારે અવામી લીગની સરકાર છે ને શેખ હસીના વડાં પ્રધાન છે. આખા દેશમાં હિંદુ મંદિરો પર હુમલા શરૂ થયા પછી મોડે મોડે હસીના
જાગ્યાં ને સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે અર્ધલશ્કરી દળોને મેદાનમાં ઉતાર્યાં. અવામી લીગે પણ હિંદુઓની તરફેણમાં દેખાવો શરૂ કર્યા છે પણ અત્યારે બહુ મોડું થઈ ગયું છે. બંગલાદેશના સંખ્યાબંધ જિલ્લામાં સરકારે અર્ધલશ્કરી દળો તહેનાત કરવાં પડયાં એ પછી પણ હિંસા ચાલુ રહી તેના પરથી જ કેટલા મોટા પાયે હુમલા થયા હશે તેનો અંદાજ આવી જાય.
બંગલાદેશના હિંદુઓ પરના હુમલા સામે કેન્દ્રની
નરેન્દ્ર મોદી સરકાર ચૂપ છે તેથી ભાજપ પણ ચૂપ છે. આર્શ્ર્ચજનક રીતે ભાજપ બંગાળમાં બંગલાદેશમાં હિંદુઓ પરના હુમલાને મુદ્દે વિરોધ કરી રહ્યો છે. મમતા બેનરજી આ મુદ્દે કશું કરતાં નથી ને ચૂપ છે એવી વાતો ભાજપના નેતા કરી રહ્યા છે પણ બીજે બધે ભાજપના નેતા કશું બોલતા નથી ને તેમની પોતાની સરકાર કશું કરતી નથી એ તેમને દેખાતું નથી. બંગલાદેશના હિંદુ તેમને હિંદુ નથી લાગતા કે શું એ ખબર નથી પણ ભાજપ ચૂપ છે એ હકીકત છે. વિશ્ર્વ હિંદુ પરિષદ સહિતનાં હિંદુવાદી સંગઠનો પણ શરૂઆતમાં ચૂપ હતાં પણ હુમલા ચાલુ રહેતાં તેમણે મેદાનમાં આવવું પડ્યું છે.
વિશ્ર્વ હિંદુ પરિષદે તો દિલ્હીમાં બંગલાદેશી
દૂતાવાસો સામે દેખાવો કર્યા ને યુનાઈટેડ નેશન્સ હિંદુઓના નરસંહારને રોકવા પગલાં ભરે એવી માગણી પણ કરી. વિશ્ર્વ હિંદુ પરિષદે કરેલા દાવા પ્રમાણે આ હિંસામાં 12 હિંદુઓનાં મોત થયાં છે ને એક હજારથી



વધારે હિંદુઓ ઘાયલ થયા છે. 150થી વધારે દુર્ગા પૂજા મંડપ તોડીફોડી નખાયા ને 362 મંદિરો પર હુમલા કરીને મૂર્તિઓ તોડી નાંખવામાં આવી છે. હિંદુ સ્ત્રીઓ પર સામૂહિક બળાત્કાર થઈ રહ્યા છે ને હિંદુઓને શોધી
શોધીને મોતને ઘાટ ઉતારાઈ રહ્યા છે.
આપણે આંકડાની વાતોમાં નથી પડતા પણ આ હુમલાઓએ બંગલાદેશમાં હિંદુઓની હાલત શું છે તેના તરફ ફરી આપણું ધ્યાન દોર્યું છે. આપણે ત્યાં પાકિસ્તાનમાં હિંદુઓ પર
અત્યાચારો થાય છે તેની ચોવટ બહુ થાય છે. દર પંદર દાડે આ મુદ્દો ગાજે છે. પાકિસ્તાનમાં હિંદુઓ રહી જ ના શકે એવા સંજોગો ઊભા કરાઈ રહ્યા છે ને હિંદુઓ ભાગી રહ્યા છે એવી વાતો થાય છે પણ બંગલાદેશમાં હિંદુઓની સ્થિતિ વિશે કોઈ બોલતું નથી. હિંદુઓના નામે ચરી ખાતાં કહેવાતાં હિંદુવાદી સંગઠનો હોય કે ભાજપ જેવા હિંદુવાદી તરીકે ઓળખાવામાં ગર્વ અનુભવતા રાજકીય પક્ષ હોય, બંગલાદેશી હિંદુઓના મુદ્દે બધા મોમાં મગ ઓરીને બેસી જાય છે. બધાને પાકિસ્તાનના હિંદુઓની ચિંતા થાય છે, તેમની તકલીફો પર બધાં આંસુડાં સારે છે પણ બંગલાદેશના હિંદુઓની વાત કોઈ કરતું નથી. બંગલાદેશમાં મંદિરો અને હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓને પગલે બંગલાદેશના હિંદુઓની બદતર હાલત તરફ લોકોનું ધ્યાન દોરાયું છે. બલ્કે સૌને અહેસાસ થયો છે કે, આપણે પાકિસ્તાનના હિંદુઓની ચિંતા કરીએ છીએ પણ બંગલાદેશના હિંદુઓની હાલત પાકિસ્તાનની હિંદુઓ કરતાં જરાય સારી નથી.
બંગલાદેશમાં હિંદુઓને નિશાન બનાવાઈ રહ્યા છે તેનો પુરાવો વસતીના આંકડા પણ છે. ભારત આઝાદ થયું ત્યારે પાકિસ્તાનની કુલ વસતીમાં 13 ટકા હિંદુ હતા. તેમાં
પૂર્વ બંગાળ એટલે કે હાલના બંગલાદેશના હિંદુ પણ આવી ગયા. પૂર્વ બંગાળની કુલ વસતીમાં હિંદુઓનું પ્રમાણ 22 ટકા હતું જ્યારે પશ્ર્ચિમ પાકિસ્તાન એટલે કે હાલના પાકિસ્તાનમાં હિંદુઓનું પ્રમાણ 1.6 ટકા હતું. હાલમાં બંગલાદેશમાં 1.24 કરોડ હિંદુ છે. અત્યારે બંગલાદેશની કુલ વસતીમાં માત્ર સાડા આઠ ટકા હિંદુ છે. ભારત અને નેપાળ પછી વિશ્ર્વમાં હિંદુઓની સૌથી વધારે વસતી બાંગ્લાદેશમાં છે પણ દેશ આઝાદ થયો ત્યારે જે પ્રમાણ હતું તેનાથી ત્રીજા ભાગનું પ્રમાણ છે. દેશ આઝાદ થયો ત્યારે બંગલાદેશમાં હિંદુઓનું પ્રમાણ 22 ટકા હતું તે ઘટીને 8.5 ટકા થઈ ગયું છે. આ ઘટાડાનું કારણ એ છે કે, બંગલાદેશમાં ચોક્કસ યોજનાના ભાગરૂપે હિંદુઓને ભગાડાઈ રહ્યા છે. દર વરસે રમખાણ કરાવાય છે તેથી હિંદુઓ ભાગી રહ્યા છે.
ભારત હિંદુઓનો સૌથી મોટો દેશ છે તેથી ભારતે હિંદુઓના મુદ્દે બોલવું જોઈએ. બાંગ્લાદેશ સરકાર પર દબાણ
લાવવું જોઈએ કે જેથી હિંદુઓની કત્લેઆમ ના થાય. બાકી આ રીતે તો બંગલાદેશમાંથી હિંદુઓ નામશેષ થઈ જશે.





રિલેટેડ ન્યૂઝ