નકસલવાદ: બિત ગયી સો બાત ગયી

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ આપણા 22 જવાનોની હત્યા કરી નાખી એ મુદ્દો ધાર્યા કરતા ઝડપથી ઠંડો પડી ગયો છે. છત્તીસગઢની જોનાગુડાની ટેકરીઓમાં ધામા નાખીને પડેલા નક્સલવાદીઓને ખતમ કરવા શુક્રવારે રાત્રે સીઆરપીએફના કોબ્રા કમાન્ડો, સીઆરપીએફની બસ્તરિયા બટાલિયન અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના બે હજાર જવાનો નિકળી પડેલા. આ જવાનોમાંથી 22 જવાનોની નક્સલવાદીઓએ હત્યા કરી ત્યારે આખા દેશમાં નક્સલવાદીઓ સામે આક્રોશ હતો. આપણા શાસકો પણ આક્રમક મૂડમાં હતા ને શહીદ જવાનોની શહાદતને એળે નહીં જવા દઈએ એવી વાતો કરતા હતા. નરેન્દ્ર મોદી ને અમિત શાહ બંને નક્સલવાદને ખતમ કરી નાખવાની વાતો કરતા હતા. તેમની વાતો સાંભળીને ઝનૂનમાં આવી ગયેલા સુરક્ષા દળોના અધિકારીઓ પણ આ હુમલાનો બદલો તાબડતોબ લેવાના હોય એમ બેઠકો કરવા મચી પડેલા.
માત્ર બે દિવસમાં જ બધી આક્રમકતા ને ઝનૂન ઓસરી ગયાં છે.
અત્યાર લગીનો આપણો અનુભવ છે કે, આવો કોઈ પણ હુમલો થાય એટલે હુમલાને વખોડીને ખરખરા કરવાની ને એવી બધી વિધિઓ કરીને રાજકારણીઓ ઘરે જઈને ઉંઘી જતા હોય છે. બહુ શૂરાતન ચડી જાય તો હુમલાનો જડબાતોડ જવાબ આપવાની વાતો કરીને થૂંક ઉડાડી લે. એ સિવાય રાજકારણીઓ ઝાઝું કશું કરતા નથી. આ હુમલા પછી પણ એવું જ થયું છે. પહેલા બે દાડા નિવેદનબાજી ને પછી ખરખરા કરવાની વિધિ રાજકારણીઓએ પતાવી દીધી ને હવે કશું જ ના બન્યું હોય એ રીતે વર્તવાનું શરૂ કરી દીધું છે.
શહીદોની શહાદતની દુહાઈઓ આપનારા રાજકારણીઓ પાછા ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે ને શહીદ થયેલા જવાનોના પરિવારોનાં આંસુ લૂછવા જવાનો સમય પણ તેમની
પાસે નથી. શહીદ જવાનોના પાર્થિવ દેહ કોફીનમાં ભરીને અને તેના પર તિરંગો મૂકીને તેમના પરિવારોને મોકલી અપાયા એટલે પોતાની ફરજ પતી ગઈ હોય એ રીતે રાજકારણીઓ ને સુરક્ષા દળોના અધિકારીઓ પણ વર્તી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં તો આ અવગણનાથી અકળાયેલા ધર્મદેવ નામના શહીદ જવાનના પરિવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ના આવે ત્યાં લગી મૃતદેહ લેવાનો જ ઈન્કાર કરી દીધો. સ્થાનિક અધિકારીઓએ માંડ માંડ તેમને સમજાવીને ધર્મદેવનો મૃતદેહ સોંપ્યો ને અંતિમવિધિ કરાવી.
બીજે બધે શહીદોના પરિવારો શહીદ ધર્મદેવના પરિવારજનોની જેમ નથી વર્ત્યા, પણ



તેમનામાં આક્રોશ તો છે જ. કમનસીબે આ આક્રોશ સત્તાધીશો કે અધિકારીઓને અસર કરતો નથી. શહીદોના પરિવારજનો આખી જિંદગીની પીડાનો ભાર વેંઢારીને ફર્યા કરે છે ને જેમણે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો છે એ લોકો
કશું કર્યા વિના હાથ પર હાથ મૂકીને બેસી રહે છે. આ સ્થિતિ વરસોથી છે ને શાસકો બદલાય છે પણ સ્થિતી બદલાતી નથી. કોઈ મોટો હુમલો થાય ત્યારે શાસકો મોટી મોટી વાતો કરે છે પણ પછી ઠંડા થઈને બેસી જાય છે. મોદી સરકારના શાસનમાં પણ એવું જ થઈ રહ્યું છે. આ પહેલાં ગઢચિરોલીમાં હુમલો થયો ત્યારે મોદી સરકારે આવી જ વાતો કરી હતી ને પછી બધું ભુલાઈ ગયું. આ ઘટનામાં પણ બધું ભૂલાવાની શરૂઆત થઈ જ ગઈ છે ને થોડા દિવસ પછી આવો કોઈ હુમલો થયો હતો તેની પણ કોઈ વાત નહીં કરતું હોય.
આ માનસિકતા આઘાતજનક છે કેમ કે નક્સલવાદનો ખતરો ખરેખર બહુ મોટો છે. સત્તામાં બેઠેલા લોકો ખરેખર આ દેશનું ભલું ઈચ્છતા હોય તો તેમણે નક્સલવાદની
પ્રવૃત્તિને ગંભીરતાથી લેવાની જરૂર છે ને નક્સલવાદને કઈ રીતે નાથવો તે વિશે પણ વિચારવાની જરૂર છે જ. તેનું કારણ એ કે, નક્સલવાદનો આ દેશમાં બહુ મોટા વિસ્તાર પર પ્રભાવ છે ને કરોડો લોકોની જીંદગીને આ નક્સલવાદ અસર કરે છે.
છત્તીસગઢના હુમલા પછી લોકોને પણ સવાલ થઈ રહ્યો છે કે, આપણે ચીન-પાકિસ્તાનને સીધાં ના કરી શકીએ એ સમજાય પણ ભારતમાં જ રહેતા નક્સલવાદીઓને પણ કેમ સાફ નથી કરી શકતા? ભારતમાં
આતંકવાદને પોષતા પાકિસ્તાનને આપણ ખોખરું નથી કરી શકતા કે આપણી સરહદમાં છાસવારે ઘૂસી જતા ચીનને પણ આપણે પાસરું નથી કરી શકતા તેનાં કારણો સમજી શકાય તેમ છે. પાકિસ્તાન અને ચીન બંને બહારના દુશ્મનો છે ને આપણે તેમની સરહદમાં ઘૂસીને કશું કરવા જઈએ તો ઘમાસાણ થઈ જાય તેથી આપણે ધાર્યું નથી કરી શકતા. આ મર્યાદા સમજાય એવી છે પણ નક્સલવાદીઓના મુદ્દે તો એવી કોઈ મર્યાદા નથી છતાં આપણે પાંગળા સાબિત થયા છીએ એ જોતાં આ સવાલ ઊઠવો સ્વાભાવિક છે.





રિલેટેડ ન્યૂઝ