ચીન મામલે ભારતનું આક્રમક વલણ જ યોગ્ય

આપણે કોરોના વાયરસ સામે લડવામાં પડ્યા છીએ ત્યારે ચીને પોતાની જાત બતાવીને લડાખમાં હલકટાઈ શરૂ કરી છે.
જો કે આપણા માટે ચીને એકલાએ જ ઉપાધિ ઉભી કરી છે કે એકલા ચીને જ પોતાનું લશ્કર ખડક્યું છે એવું નથી. અત્યારે પાકિસ્તાન ચીનના ખોળામાં બેઠેલું છે ને ભારતને કનડવા ચીન જે કંઈ કહે એ બધું જ કરે છે. ચીનના કહેવાથી પાકિસ્તાને પણ પીઓકેને અડીને આવેલા ગિલગિટ-બાલ્તિસ્તાનમાં પોતાના લશ્કરનો ખડકલો કરવા માંડ્યો છે. પાકિસ્તાન આપણા ત્રીજા ભાગનું કાશ્મીર પચાવીને બેસી ગયું છે ને તેને પોતાના બાપનો માલ સમજે છે. ગિલગિટ-બાલ્તિસ્તાન પણ તેણે બઠાવી પાડ્યું છે ને હવે ત્યાં પોતાના પીઠ્ઠુઓને બેસાડવા માટે ચૂંટણી કરાવવા માગે છ. ચૂંટણીના બહાને તેણે પણ ગિલગિટ-બાલ્તિસ્તાનમાં લશ્કર ખડકી દીધું છે તેથી ભારતે તો બેઉ બાજુ હલકાઓ સામે લડવું પડે એવા સંજોગો પેદા થઈ ગયા છે.
સદનસીબે
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સતર્ક છે. ચીન કે પાકિસ્તાન જેવા હલકટાઈ કરતા દેશોને કોઠું આપવામાં આપણી સરકાર માનતી નથી. ચીન-પાકિસ્તાને ભેગા મળીને નાગાઈ શરૂ કરીને જાત બતાવવા માંડી કે તરત જ મોદીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને આ વિસ્તારમાં મોકલીને લશ્કરને પાનો ચડાવવાનું કામ સૌથી પહેલાં કરી જ દીધું. મોદીએ બુધવારે દિલ્હીમાં લશ્કરની ત્રણેય પાંખના વડા, ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ ને બીજા લાગતાવળગતાઓની બેઠક બોલાવીને સ્થિતિ શું છે તેની સમીક્ષા પણ કરી છે. આ બેઠક પછી ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, ગમે તે સ્થિતિને પહોંચી વળવા ભારત તૈયાર જ છે ને ચીન હોય કે પાકિસ્તાન, કોઈની લુખ્ખાગીરી અહીં નહીં ચાલે. જિનપિંગ આપણને યુદ્ધના નામે બિવડાવ્યા કરે છે તેની સામે પણ મોદી સરકારે તડ ને ફડ કરીને કહી દીધું છે કે, યુદ્ધ થતું હોય તો ભલે થાય, અમે ગમે તે સ્થિતિને પહોંચી વળવા તૈયાર જ બેઠાછીએ.
ચીન સામે આ મિજાજ ના બતાવીએ તો શું થાય તેનો પરચો આપણને અરૂણાચલ પ્રદેશમાં મળ્યો જ છે. અરૂણાચલ પ્રદેશમાં ચીને ધીરે ધીરે ઘૂસણખોરી શરૂ કરેલી ને થોડા થોડા આગળ વધતાં છેવટે ત્રીજા ભાગનું રાજ્ય
પચાવીને બેસી ગયું છે. ચીન અંદર ઘૂસતું હતું ત્યારે જવાહરલાલ નહેરૂ ઘોરતા હતા ને જાગ્યા ત્યાં લગીમાં બધું પતી ગયેલું. હવે ચીન અરૂણાચલ પ્રદેશને પોતાનો જ વિસ્તાર ગણાવે છે ને ભારતના નકશામાં અરૂણાચલ પ્રદેશ બતાવવા સામે ઘૂરકિયાં કર્યા જ કરે છે. ચીન ખાલી અરૂણાચલ પ્રદેશથી અટક્યું નથી પણ ઉત્તરાખંડના ઘણા વિસ્તારોને પણ પોતાના બાપનો માલ ગણાવ્યા છે ને ત્યાં પણ સળીઓ કર્યા જ કરે છે. ચીને સિક્કિમ પર પણ પોતાનો હક છે તેવો દાવો કરવા માંડ્યો છે એ જોતાં તેના ઈરાદા સ્પષ્ટ છે. ચીન ભારત સાથેની સરહદ પરના બધા વિસ્તારો હડપ કરવા માગે છે. એ માટે કોઈ પણ પ્રકારની નાલાયકી કરવામાં તેને શરમ નથી નડતી તે જોતાં આપણે ચીન સામે આ મર્દાના મિજાજ બતાવવો જ પડે.
મોદી સરકાર આ વાત સમજે જ છે. બે વર્ષ પહેલાં ચીને ડોકલામમાં આ જ પ્રકારની હલકટાઈ કરેલી. ચીને ભૂતાનને બઠાવી પાડવાના કારસાના ભાગરૂપે
ડોકલામ વિસ્તારમાં રોડ બાંધવા માંડ્યો હતો. આ રોડ ભારત, ભૂતાન ને ચીનના ત્રિભેટેથી પસાર થાય એ રીતે બાંધવા માંડેલો. ચીન પોતાના વિસ્તારમા રોડ બાંધે તેમાં ભારતને વાંધો નહોતો પણ ચીને સિક્કિમમાં ઘૂસીને રોડનું બાંધકામ કરવા માંડ્યું તેમાં આપણા લશ્કરે ચીનને રોક્યું તેથી જોરદાર તણાવ થઈ ગયેલો. એ વખતે મોદી સરકારે મક્કમ રહીને ચીનને મચક નહોતી આપી ને નમાવેલું. મોદી સરકારે અત્યારે પણ એ જ ફોમ્ર્યુલા અપનાવી છે ને એ બરાબર પણ છે કેમ કે ચીન બીજી કોઈ ભાષા સમજતું જ નથી

રિલેટેડ ન્યૂઝ