ગેહલોતે ભાજપ લૂંટ્યો વોહી પાયલટ વોહી ‘ચાલ’

રાજસ્થાનમાં ચાલી રહેલી કોંગ્રેસની ભવાઈમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. રાજસ્થાન વિધાનસભાની ખાસ બેઠક આડે ગણીને ચાર દાડા બચ્યા છે ત્યારે સચિન પાઈલોટ કોંગ્રેસમાં પાછા આવી જશે ને ઘીના ઠામમાં ઘી પડી રહેશે એવી વાતો શરૂ થઈ છે. પાઈલોટને મનાવવા કોંગ્રેસ નેતાગીરી મથે છે ને આ મથામણ સફળ થઈ હોવાનો કોંગ્રેસનો દાવો છે. તેમના દાવા પ્રમાણે સચિન પાઈલોટે રાહુલ ગાંધીને મળવાનો સમય માગ્યો છે. પ્રિયંકા ગાંધી અને સચિન પાઈલોટ પંદરેક દાડા પહેલાં દિલ્હીમાં મળ્યાં ત્યારે જ સમાધાનનો તખતો તૈયાર થઈ ગયેલો. હવે રાહુલ ને સચિન મળશે એ સાથે જ એક મહિના કરતાં વધારે સમયથી પડેલી મડાગાંઠ ઉકેલાઈ જશે ને પાઈલોટ તથા બીજા કોંગ્રેસીઓએ ખાધું, પીધું ન ગેહલોતે રાજ કર્યું એવો ખેલ પડી જશે એવું કોંગ્રેસીઓનું કહેવું છે.
ભાજપે પોતાના ધારાસભ્યોને ગુજરાત ને મધ્ય પ્રદેશ મોકલવા પડ્યા તેનો અર્થ
સાફ છે કે, ગેહલોતે ભાજપને તેની જ દવાનો ડોઝ આપીને દોડતા કરી દીધા છે. ગુજરાતમાં તો ભાજપે પોતાના ધારાસભ્યોને એવી જગાએ સંતાડીને રાખ્યા છે કે કોઈને ગંધ સુધ્ધાં ના આવે. ભાજપના નેતાઓને પણ પોતાના ધારાસભ્યો કઈ બખોલમાં ભરાઈને બેઠા છે તેની જાણ નથી કરાતી એવી હાલત છે. ગેહલોત પાઈલોટને તો પહેલાં જ કાચા ને કાચા ખાઈ ગયેલા પણ હવે ભાજપને પણ તેમણે ફીણ પડાવી દીધું છે. ભાજપ કેન્દ્રમાં સત્તા પર છે ને છતાં તેને પોતાના ધારાસભ્યો ખરી પડશે તેની ચિંતા થતી હોય તેનાથી વધારે ખરાબ હાલત બીજી શું કહેવાય? લોકશાહી માટે આ સ્થિતિ ચોક્કસ સારી ના કહેવાય, પણ ભાજપે તેની શરૂઆત કરી એટલે ગેહલોત સામે વાર તો કરવાના જ એ જોતાં તેમનો વાંક ના કાઢી શકાય.
ગેહલોતની આ રમતમાં વસુંધરા રાજે પણ સામેલ હોવાની પૂરી શક્યતા છે. વસુંધરા સચિન પાઈલોટ ભાજપમાં આવે એવું ધરાર ઈચ્છતાં નથી કેમ કે પાઈલોટ ભાજપમાં આવે તોતેમનો ગરાસ લૂંટાઈ જાય. રાજસ્થાનમાં ભાજપની તાકાત ક્ષત્રિય, જાટ અને બ્રાહ્મણ સહિતના સવર્ણ મતદારો છે. સામે કોંગ્રેસ પાસે ગુર્જર, મીણા વગેરે મતદારો છે. ભાજપે આ મતબેંકને પોતાની તરફ ખેંચવા બહુ
મથામણ કરી જોઈ પણ પાઈલોટના કારણે શક્ય ના બન્યું. હવે પાઈલોટ ભાજપમાં આવે તો ગુર્જર-મીણા સહિતની કોંગ્રેસની મતબેંકમાં ગાબડું પડે જ. એ સંજોગોમાં ભાજપે વસુંધરા પર નિર્ભર ના રહેવું પડે ને વસુંધરા એવું જરાય ઈચ્છતાં નથી.
ભાજપ તેમનો ઓશિયાળો રહે ને રાજસ્થાનમાં ભાજપ પર પોતાનું વર્ચસ્વ જળવાય એ માટે વસુંધરા ગમે તે હદે જઈ શકે છે એ ભૂતકાળમાં અનેક વાર સાબિત થયું છે. અત્યારે પણ એ આ જ ઉદ્દેશથી
પાઈલોટને આવવા દેવા નથી માગતાં. ભાજપ પાઈલોટ તથા તેમના માણસોને તોડે તો સામે વસુંધરા પોતાના માણસોને ભાજપમાંથી રાજીનામાં અપાવીને ગેહલોતને બચાવે એવી બાજી ગોઠવીને બેઠાં હોય એવી પૂરી શક્યતા છે. ભાજપે જે ધારાસભ્યોને ગુજરાત અને મધ્ય પ્રદેશ મોકલવા પડ્યા છે એ બધા વસુંધરાના વફાદાર હોવાનું કહેવાય છે એ જોતાં વસુંધરા ગેહલોતને પાછલા બારણે મદદ કરી રહ્યાં હોય એવું બને.
વસુંધરાનો ઈતિહાસ
દાદાગીરીનો છે ને ભાજપની નેતાઓને નમાવવાનો છે. આ સંજોગોમાં વસુંધરા ગેહલોતને મદદ કરતાં હોય તો ભાજપને આ રમત ભારે પડી જાય. કોંગ્રેસને તોડવાની વાત તો બાજુ પર રહી પણ ભાજપ પોતાનો ગરાસ પણ ના સાચવી શકે એવી હાલત થઈને ઊભી રહી જાય. વસુંધરા બે વાર મુખ્ય મંત્રી બની ચૂક્યાં છે ને ભવિષ્યમાં ભાજપને બહુમતી મળે તો ફરી પોતે જ ગાદી પર બેસે એવી તેમની ઈચ્છા છે. શાહ કે મોદી એવું ઈચ્છે કે ના ઈચ્છે, વસુંધરાને તેનાથી કોઈ ફરક પડતો નથી. એ જિદ્દી છે ને પોતાની જિદ સંતોષવા ગમે તે હદે જઈ શકે છે એ જોતાં વસુંધરાને છંછેડવાનો દાવ ભાજપ માટે આગ સાથે રમત બની જાય એ શક્ય છે.

રિલેટેડ ન્યૂઝ