ક્રિપ્ટો કરન્સીને માન્યતા દેશહિતમાં નથી

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે સત્તાવાર રીતે ત્રણેય કૃષિ કાયદા રદ કરવાનો નિર્ણય લઈ લીધો. મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કૃષિ કાયદા પાછા ખેંચવાનું એલાન કરેલું પણ સત્તાવાર રીતે નિર્ણય લેવાવાનો બાકી હતો. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં એ નિર્ણય પણ લેવાઈ જતાં કૃષિ કાયદા રદ કરવાની દિશામાં વધુ એક નક્કર પગલું ભરાઈ ગયું. મોદી સરકારે સંસદમાં ત્રણેય કૃષિ કાયદા પસાર કરેલા તેથી આ કાયદા રદ કરવા માટે સંસદમાં જ બિલ લાવવું પડે. મોદી સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે, સંસદના શિયાળુ સત્રમાં આ માટેનો ખરડો લવાશે ને તેના પર ચર્ચા કર્યા પછી ત્રણેય કૃષિ કાયદાનું અચ્યુતમ્ કેશવમ્ કરી દેવાશે. કોંગ્રેસ સહિતના વિપક્ષો કૃષિ કાયદાની વિરૂૂદ્ધ હતા તેથી કૃષિ કાયદાને રદ કરવાનો ખરડો સર્વાનુમતે પસાર થઈ જશે તેમાં મીનમેખ નથી. સંસદનું શિયાળુ સત્ર આવતા સપ્તાહથી જ શરૂૂ થવાનું છે તેથી એક ને બહુ બહુ તો બે અઠવાડિયાંમાં ત્રણેય કૃષિ કાયદાનું રામ બોલો ભાઈ રામ થઈ જશે એ નક્કી છે. મોદી કેબિનેટમાં કૃષિ કાયદા અંગે નિર્ણય લેવાશે એ નક્કી હતું ને સાથે સાથે ક્રિપ્ટો કરન્સી મુદ્દે પણ નિર્ણય લેવાશે એવી આશા હતી પણ મોદી સરકારે મગનું નામ મરી ના જ પાડ્યું. મોદી સરકારે આ મહિને ક્રિપ્ટો કરન્સી અંગે બે ઉચ્ચ કક્ષાની બેઠકો કરી છે ને 13 નવેમ્બરે તો મોદી પોતે બેઠકના અધ્યક્ષસ્થાને હતા. આ બેઠકોના અંતે ક્રિપ્ટો કરન્સી અંગે સંસદમાં ખરડો લવાશે એ નક્કી થયેલું પણ આ ખરડો કેવા પ્રકારનો હશે તેનો ફોડ નહોતો પડાયો. મોદી સરકાર ક્રિપ્ટો કરન્સીને લગતા નિયમો ઘડી રહી છે એવી વાતો આવ્યા કરતી હતી. પણ આ નિયમો શું હશે તેની વાત નથી કરાતી. ચીન સરકારે ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો તેના પગલે ક્રિપ્ટો કરન્સી પર ભારતમાં પણ પ્રતિબંધ મૂકી દેવાશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે. સાથે સાથે એવી વાતો પણ ચાલી રહી છે કે, મોદી સરકાર ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં મૂકે પણ રોકાણના એક માધ્યમ તરીકે તેને માન્યતા આપશે. જે રીતે બીજાં રોકાણો પર ટેક્સલાગે છે એ રીતે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ પર પણ કેપિટલ ગેઈન ટેક્સ લાગે એવો કાયદો લવાશે એવી વાતો
ચાલી રહી છે.
એક વાત એવી પણ છે કે, ભારત સરકાર બીજી તમામ ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકીને
પોતાની જ ક્રિપ્ટો કરન્સી બહાર પાડશે. આ બધી વાતોને સત્તાવાર રીતે કોઈ સમર્થન મળતું નથી તેથી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાશે એવી આશા હતી પણ એ આશા ફળી નથી. હવે સંસદનું શિયાળુ સત્ર શરૂૂ થઈ જાય પછી કેબિનેટની બેઠક મળશે તેથી અઠવાડિયા લગી ક્રિપ્ટો મુદ્દે કોઈ નિર્ણય આવવાની શક્યતા નથી. મોદી સરકારના મનમાં શું છે એ કળાતું નથી પણ અત્યાર સુધી મળતા સંકેત અને મોદી સરકારના વલણ પરથી પણ લાગે છે કે, મોદી સરકાર ક્રિપ્ટોને માન્યતા આપવાનું જોખમ નહીં ઉઠાવે. મોદી સરકારનું મૂળ વલણ ક્રિપ્ટો કરન્સી વિરોધી છે ને મોદી સરકાર એ વલણને વળગી રહેશે.
મોદી સરકાર વર્ચ્યુઅલ કરન્સીની સાવ વિરૂૂદ્ધ વલણ
દર્શાવી ચૂકી છે. 2017માં ભારતમાં બિટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીનાં સંખ્યાબંધ કૌભાંડો બહાર આવેલાં ત્યારે મોદી સરકારે રિઝર્વ બેંક મારફતે પ્રતિબંધ મૂકાવડાવી દીધેલો. એ વખતે વર્ચ્યુઅલ કરન્સીના નામે લોકોને છેતરીને ખંખેરી લેવાના ઉપરાછાપરી કિસ્સા બહાર આવતાં વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડનો પર્યાય બની ગઈ હતી. ગુજરાતમાં બિટકોઈન્સનાં કૌભાંડ સૌથી વધારે ગાજ્યાં હતાં અને ગુજરાતમાં રોજ સવાર પડે ને ક્રિપ્ટો કરન્સીનું એક નવું કૌભાંડ બહાર આવતું હતું. આ કૌભાંડ પણ પાછાં નાનાં નહીં પણ કરોડોમાં હતાં. સુરતના ક્રિપ્ટો કરન્સી કૌભાંડે તો ખળભળાટ મચાવેલો કેમ કે તેમાં ઘણાં મોટાં માથાં સામેલ હતાં. આ કૌભાંડમાં ધારાસભ્ય નલિન કોટડિયાએ તો જેલની હવા ખાવી પડેલી.

રિલેટેડ ન્યૂઝ