કોરોના વેક્સિનના મામલે મહારાષ્ટ્ર-કેન્દ્ર વચ્ચે ગજગ્રાહ

પચીસ વર્ષથી વધુ ઉંમરના તમામને રસી મૂકવા દેવાની મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની વિનંતી કેન્દ્ર સરકારે સ્વીકારી નથી. કેન્દ્રના આરોગ્ય પ્રધાનના જણાવ્યા પ્રમાણે રસી આપવાની પદ્ધતિ વિજ્ઞાનના સિદ્ધાંતો પર આધારિત છે તેમ જ તેની ઉપલબ્ધતાને પણ ધ્યાનમાં લેવી પડે છે. કેન્દ્રે એમ પણ કહ્યું છે કે જે માગે એને નહીં, પણ જેને ખરેખર આવશ્યકતા છે તેમને રસી મળવી જોઈએ. દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાના કહેરની કેન્દ્ર સરકારે ગંભીર નોંધ લીધી છે એટલું જ નહીં રસીકરણ અભિયાનની ગતિ હોવી જોઈએ એટલી નથી એવી ટિપ્પણી પણ તેણે કરી છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રની ટીમ મહારાષ્ટ્રની મુલાકાતે છે.
દુનિયાની સૌથી મોટી રસી નિર્માતા સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા સ્થાનિક માગ પૂરી કરવા અને પોતાના આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાકટ પૂરા કરવા વચ્ચે અટવાયેલી છે. સીરમના
સર્વેસર્વા આદર પૂનાવાલાએ કહ્યું છે કે એસ્ટ્રોઝેનેકા રસીના પુરવઠામાં થતા વિલંબ બદલ કાયદેસર નોટિસ મોકલી ચૂકી છે. રસીની અસર અંગે પૂનાવાલાએ કહ્યું છે કે જો બે ડોઝ વચ્ચે ત્રણ મહિનાનો ગાળો રાખવામાં આવે તો તે 50 ટકા અસરકારક છે અને તેને વિશે કોઈ વિવાદ નથી. હાલ 45 વર્ષથી ઉપરનાને રસી આપવાનું ચાલુ છે અને બધું તબક્કાવાર થઈ રહ્યું હોવાથી પચીસ વર્ષથી ઉપરની ઉંમરના બધાને આવરી લેવાની હાલ આવશ્યકતા જણાતી નથી. હાલ તો દેશની માગ પૂરી કરવા અને આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાકટ પૂરા કરવા પર ભાર મૂકવાની તાતી આવશ્યકતા છે.
દરમિયાન દેશમાં રસી લેનારાઓની સંખ્યા છ કરોડ વટાવી ગઈ છે, પરંતુ રસીનોબગાડ ચાલુ જ છે. સમયસર ડોઝ નહીં આપવાથી રસી નકામી બની જાય છે. કેટલાય દેશો રસીની પ્રતીક્ષા કરે છે ત્યારે ભારતમાં રસીના ડોઝ કચરામાં જાય છે તે કમનસીબ અને દુ:ખદ છે. કોવિશિલ્ડની એક બોટલમાં દસ અને
કોવેક્સિનની એક બાટલીમાં 20 ડોઝ હોય છે. આ બગાડ ટાળવા માટે સિંગલ ડોઝ પદ્ધતિ અપનાવવામાં આવે તો તે કદાચ અસરકારક રહેશે. જોકે તેને લઈ રસીની કિંમત વધી શકે છે, કારણ કે મલ્ટિ ડોઝ રસી આપવાથી તેની સંભાળનો ખર્ચ ઓછો થાય છે.
વાસ્તવમાં રસીની એક બાટલી ખોલ્યા પછી તેમાંના બધા ડોઝ ચાર કલાકમાં વપરાય નહીં તો તે ઉપયોગ યોગ્ય રહેતા નથી. આ કારણથી રસીકરણની ઝુંબેશ તથા રસીનું વ્યવસ્થાપન બન્નેમાં સુધારણા
જરૂરી છે. જે રાજ્યોમાં રસીનો બગાડ થાય છે તેમણે વધુ કાળજી લેવાની આવશ્યકતા છે. કોરોના પરની આ સંજીવની વિશે આપણે બધા સંવેદનશીલ અને ગંભીર બનીએ તે સમયની માગ છે. દેશભરમાં ભયાવહ રીતે વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્રના આરોગ્ય ખાતાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારાં ચાર સપ્તાહ ભારત માટે કટોકટીનાં છે. તેણે સાચું જ કહ્યું છે કે મહામારીની બીજી લહેરને અંકુશમાં લાવવા માટે હવે લોકસહભાગ એકમાત્ર અને અનિવાર્ય ઉપાય છે.

રિલેટેડ ન્યૂઝ