કોંગ્રેસ હાઇકમાન્ડને સત્ય પચતું નથી

થોડા સમયની શાંતિ પછી કોંગ્રેસમાં ફરી ઘમસાણ શરૂ થયું છે ને નહેરૂ-ગાંધી ખાનદાનના વફાદારો તથા ખાનદાનના વિરોધીઓ પાછા સામસામા આવી ગયા છે. આ ઘમસાણના મૂળમાં બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વિધાનસભાની પેટાચૂંટણીનાં પરિણામ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે સાવ ધોળકું ધોળ્યું પછી કપિલ સિબ્બલે કોંગ્રેસને આત્મમંથન કરવાની સલાહ આપેલી. સિબ્બલે કહેલું કે બિહાર સહિત કોઇ પણ રાજ્યમાં હવે લોકો કોંગ્રેસને ભાજપનો પ્રભાવશાળી વિકલ્પ નથી માનતા એ આ પરિણામોનો નિચોડ છે.
સિબ્બલના મતે બિહારમાં તો કોંગ્રેસનો કોઈ ભાવ પૂછતું નથી જ પણ બીજાં
રાજ્યોમાં પણ આ જ હાલત છે. ગુજરાતમાં આઠેય વિધાનસભા બેઠકો કોંગ્રેસ હારી ગઈ ને એ પહેલાં લોકસભાની ચૂંટણીમાં પણ એકેય બેઠકો નહોતી જીતી. ઉત્તર પ્રદેશમાં તો ઘણી બેઠકો પર કોંગ્રેસને બે ટકાથી પણ ઓછા મત મળ્યા છે એ જોતાં કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે કે આવી અવદશા કેમ થઈ. સિબ્બલે એ પછી ટોણો મારેલો કે કોંગ્રેસ આ બધા છતાં આત્મમંથન નહીં કરે કે કોંગ્રેસને પણ હાર કોઠે પડી ગઈ છે ને હારવાની લત લાગી ગઈ છે.
સિબ્બલની વાત સાવ સાચી હતી પણ નહેરૂ-ગાંધી ખાનદાનના વફાદારોને મરચાં લાગી ગયાં. આ વફાદારોમાં અશોક ગહલોતે સૌથી પહેલાં તલવા તાણીને સિબ્બલને વણમાગી સલાહ આપેલી કે સિબ્બલે પક્ષની
આંતરિક વાતોને જાહેરમાં લાવવાની જરૂર નથી કેમ કે સિબ્બલની આ વાતોથી કોંગ્રેસના કાર્યકરો દુ:ખીના દાડિયા થઈ ગયા છે. ગહલોતે તો ડહાપણ ડહોળ્યું કે, 1969, 1977, 1989 અને 1996માં કોંગ્રેસના ખરાબ દાડા આવી જ ગયેલા પણ કોંગ્રેસે પોતાની નીતિ, વિચારધારા અને નેતૃત્વમાં વિશ્ર્વાસના જોરે જોરદાર પુનરાગમન કરેલું. કપરા કાળ પછી કોંગ્રેસ હંમેશાં વધારે તાકતવર બનીને બહાર આવી છે એ જોતાં આ દિવસો પણ જતા રહેશે. 2004માં સોનિયાના નેતૃત્વમાં યુપીએએ જીત મેળવેલી એ રીતે જીતીને સરકાર રચીશું.
ગહલોત પછી હવે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સિબ્બલને લબડધક્કે લીધા છે. ચૌધરીએ તો સિબ્બલને તડ ને ફડ ભાષામાં
કહી દીધું છે કે સિબ્બલને કોંગ્રેસમાં ના ફાવતું હોય તો બીજા પક્ષમાં જોડાઈ શકે છે કે પોતાનો પક્ષ પણ રચી શકે છે પણ આ બધા ધંધા મહેરબાની કરીને બંધ કરે. ચૌધરીનું કહેવું છે કે સિબ્બલ ગાંધી-નહેરૂ પરિવારની નજીક છે ત્યારે તેમણે ચૂંટણીમાં હાર-જીતના મુદ્દે જાહેરમાં લૂગડાં ધોવાના બદલે સોનિયા અને રાહુલ સાથે ચર્ચા કરવી જોઈએ. ચૌધરીએ ટોણો પણ માર્યો છે કે સિબ્બલ કે બીજા કોઈ નેતાને કોંગ્રેસનીએટલી જ ચિંતા હોય તો બિહાર કે મધ્ય પ્રદેશમાં જઈને પક્ષ માટે કામ કરવું જોઈતું હતું. લોકો વચ્ચે જઈને કામ કરવાના બદલે ઘરે બેસીને ડહાપણ ડહોળવાની જરૂર નથી.
સિબ્બલે જે કંઈ કહ્યું એ સો ટકા સાચું છે
કે કોંગ્રેસ સાવ પતી ગયેલી છે ને આ દેશનાં લોકો તેને ભાજપનો વિકલ્પ પણ ગણવા માટે પણ લાયક માનતા નથી. એક તરફ ભાજપ નવાં નવાં રાજ્યો સર કરીને પોતાની સ્થિતિ મજબૂત કરતો જાય છે ત્યારે કોંગ્રેસ પોતાનો ગરાસ પણ સાચવી શકતી નથી એ આ ચૂંટણીએ સાબિત કર્યું છે. બિહારમાં તો કોંગ્રેસના કારણે તનતોડ મહેનત કરનારો તેજસ્વી યાદવ પતી ગયો. તેજસ્વીએ કોંગ્રેસને સાથે ના લીધી હોત તો કદાચ નીતીશકુમારના સ્થાને એ અત્યારે બિહારનો મુખ્યમંત્રી હોત. બિહારમાં મહાગઠબંધન સત્તામાં આવી શકે તેમ હતું પણ કોંગ્રેસે ધોળખું ધોળ્યું તેમાં તેજસ્વી લટકી ગયો. કોંગ્રેસે 70 બેઠકો પર ચૂંટણી લડી હતી ને તેમાંથી માત્ર 19 બેઠકો જીતી તેમાં તેજસ્વીને બિચારાને બૂચ વાગી ગયો. કોંગ્રેસમાં પણ રાહુલ ગાંધી સાવ માથે પડેલો મુરતિયો સાબિત થયા. રાહુલે કોંગ્રેસના 52 વિધાનસભા મતવિસ્તારમાં પ્રચાર કર્યો હતો અને તેમાંથી 42 વિધાનસભા બેઠક કોંગ્રેસ હારી ગઈ છે.
આ પરિણામો કોંગ્રેસ માટે શરમજનક જ છે ને તેની જવાબદારી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વની ગણાય. ખાનદાનના ચમચા કોંગ્રેસના અસ્તિત્વ કે તેની સફળતા માટે
સોનિયા-રાહુલ-પ્રિયંકાને જવાબદાર માનતા હોય તો આ હાર માટેની જવાબદારી પણ તેમની જ કહેવાય કે નહીં ? સિબ્બલે તો સીધી કોઈની જવાબદારી ગણાવી નથી ને માત્ર આત્મમંથનની જ વાત કરી છે છતાં ખાનદાનના ચમચાઓને એ વાત પચતી નથી. સિબ્બલે કશું ખોટું કહ્યું નથી પણ માનસિક ગુલામીમાં લિપ્ત કોંગ્રેસીઓને આ સત્ય પચતું નથી.
કોંગ્રેસના નેતાઓએ એક વાત સ્વીકારવાની જરૂર છે કે, રાહુલ ને સોનિયાનો હવે કોઈ પ્રભાવ જ
નથી. બલકે રાહુલ તો કોંગ્રેસ માટે સાવ માથે પડેલો મુરતિયો બની ગયો છે ને એ જ્યાં પણ મેદાનમાં ઊતરે છે ત્યાં કોંગ્રેસને નુકસાન જ કરે છે. કોંગ્રેસ પાસે રાજ્ય કક્ષાએ હજુ સારા નેતા છે ને તેમના જોરે કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે છે પણ રાહુલનું એ ગજું નથી. કોંગ્રેસે આ સત્ય સ્વીકારવું જોઈએ ને તેના માટે કોઈ આત્મમંથનની પણ જરૂર નથી.

રિલેટેડ ન્યૂઝ