કાવડ યાત્રા પછી બકરી ઈદ: નેતાઓ ક્યારે સુધરશે?

ભારતમાં મોટા ભાગના રાજકારણીઓ એકદમ દંભી છે. આ રાજકારણીઓ લોકો સામે બોલે કંઈ ને કરે કંઈ. આપણે તેના નાદાર નમૂના રોજ જોઈએ જ છીએ. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કાવડ યાત્રાને મંજૂરી આપીને તેનો નાદાર નમૂનો પૂરો પાડેલો જ. સુપ્રીમ કોર્ટે લાલ આંખ બતાવીને ખખડાવ્યા પછી યોગીજીએ કાવડ યાત્રા મોકૂફ રાખવાનું એલાન કરીને નાકલીટી તાણવી પડી ને સુપ્રીમ કોર્ટને પણ તેની જાણ કરીને આખા પ્રકરણ પર પડદો પાડવો પડ્યો. યોગી સરકારના નિર્ણયના કારણે થયેલો તાયફો હજુ સોમવારે જ પત્યો છે ત્યાં કેરળની પિનારાયી વિજયમન સરકારે એવો જ તાયફો કરતાં સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરવી પડી છે.
કેરળમાં મુસ્લિમોની વસતી નોંધપાત્ર છે તેથી પિનારાયી વિજયન સરકારે મતબેંકના રાજકારણને વાસ્તે બકરી ઈદ નિમિત્તે કોરોનાના પ્રતિબંધોમાં ભારે છૂટછાટો આપી દીધી. વિજયન સરકારે એ માટે એવું
બહાનું રજૂ કર્યું કે, રાજ્યના વેપારીઓએ માગણી કરી હતી તેથી છૂટ આપવામાં આવી છે કે જેથી રાજ્યના અર્થતંત્રને ફટકો ના પડે, નાના વેપારીઓને નુકસાન ના થાય. વિજયન ડાબેરી મોરચાના મુખ્યમંત્રી છે ને ડાબેરી વિચારધારામાં તો મુસ્લિમોની આળપંપાળ જ સેક્યુલારિઝમ ગણાય છે તેથી વિજયને લીધેલાં પગલાંથી કોઈને આશ્ર્ચર્ય ના થયું. ભાજપે આ છૂટછાટનો ઉગ્ર વિરોધ કર્યો તેના કારણે પણ કોઈને આશ્ર્ચર્ય ના થયું પણ કોંગ્રેસ જેવી દંભી સેક્યુલારિઝમને વરેલી પાર્ટીએ પણ વિજયનના આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરીને મોટું આશ્ર્ચર્ય સર્જી દીધું.
કોંગ્રેસના વિરોધની વાત પછી કરીશું પણ આ મુદ્દે સુપ્રીમ કોર્ટે
લીધેલા વલણની વાત પહેલાં કરી લઈએ કેમ કે સુપ્રીમે આ દેશનાં લોકોનાં હિતોની રક્ષા કરવાની પોતાની ફરજ ફરી એક વાર બજાવી છે. ઉત્તર પ્રદેશ સરકારે હિંદુઓ માટે પવિત્ર મનાતી તથા ઉત્તર ભારતમાં નિકળતી મહાદેવ એટલે કે ભગવાન શિવની કાવડ યાત્રા સામે જાતે જ વાંધો લીધેલો ને નોટિસ ફટકારીને યોગી સરકાર પાસે જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તરાખંડ સરકારને પણ નોટિસ ફટકારીને જવાબ આપવા કહેલું. સુપ્રીમ કોર્ટે યોગી સરકારની બરાબર ધોલાઈ પણ કરેલી. આપણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જ્ઞાન પિરસ્યા કરે છે તેનો ઉલ્લેખ કરીને સુપ્રીમ કોર્ટે સવાલ કરેલો કે, મોદી અને મેડિકલ નિષ્ણાતો મોટી સંખ્યામાં લોકોને એકઠાં નહીં કરવાની ચેતવણી આપી રહ્યા છે ત્યારે યોગી સરકારને કાવડ યાત્રાને મંજૂરી આપીને લોકોનાં ટોળાં ભેગા કરીને લોકોના જીવ જોખમમા મૂકવાનો સણકો કેમ ઉપડ્યો છે?
આ કિસ્સામાં પણ સુપ્રીમ કોર્ટે એ જ વલણ અપનાવીને કેરળ સરકારની બરાબર ધોલાઈ કરી છે. સુપ્રીમ કોર્ટે એવી ટીકા કરી છે કે, આ રીતે ધાર્યું કરાવવા માટે અપનાવાતી દબાણની
પ્રયુક્તિઓ સામે સરકાર ઝૂકી જાય તેના પરથી જ રાજ્યની સ્થિતિ કેવી દયનીય છે તેનો ખ્યાલ આવી જાય. સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને કાવડ યાત્રા અંગે આપેલા આદેશ તથા ગાઈડલાઈનને અનુસરવા પણ ફરમાન કર્યું છે. મતલબ કે, લોકોનાં ટોળાં ભેગાં થાય ને કોરોના ફેલાય એવું કશું ચલાવી નહીં લેવાય. સુપ્રીમ કોર્ટે એવી ચીમકી પણ આપી છે કે, આ છૂટછાટોના કારણે કોરોના ફેલાયો તો પછી સરકારનું આવી બન્યું સમજો.
સુપ્રીમ કોર્ટે લીધેલું વલણ લોકહિતમાં છે તેમાં શંકા નથી. આપણે ત્યાં બધું સડી ગયું છે ત્યારે ન્યાયતંત્ર હજુ સાબૂત છે તેનો આ પુરાવો છે પણ કમનસીબી એ છે કે, આપણા રાજકારણીઓ એ હદે જાડીચામડીના બની ગયા છે કે તેમના પર આ બધી વાતોની કોઈ અસર થતી જ નથી.
કેરળની ઘટનામાં એક રસપ્રદ વાત એ જોવા મળી કે, કોંગ્રેસે પિનારાયી વિજયન સરકારના નિર્ણયની ઝાટકણી કાઢી નાંખી. સામાન્ય રીતે
મુસ્લિમોને લગતા કોઈ નિર્ણયની વાત આવે ત્યારે કોંગ્રેસીઓ આઘાપાછા થવા માંડે છે ને સાચી વાત કરતાં તેમને પેટમાં ચૂંક આવે છે. સાવ વાહિયાત મુદ્દે પણ મુસ્લિમોનો બચાવ ને તેમની આળપંપાળ કરવામાં કોંગ્રેસીઓને
શરમ નથી આવતી પણ આ વખતે કોંગ્રેસીઓમાં રામ જાણે ક્યાંથી મર્દાનગી આવી ગઈ કે તેમણે બકરી ઈદના દાડે ધાર્મિક કાર્યક્રમોની છૂટનો જોરદાર વિરોધ કર્યો. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા
અભિષેક મનુ સિંઘવીએ ટ્વિટ કરી કે, કાવડ યાત્રાને મંજૂરી આપવી ખોટી છે તો બકરી ઈદનાં ઝુલુસ કે કાર્યક્રમોને મંજૂરી આપવી પણ ખોટી જ છે તેથી આ બિલકુલ ના ચલાવી લેવાય.
કોંગ્રેસને જે ડહાપણ આવ્યું છે એ
રાંડ્યા પછીનું છે. વરસો લગી મુસ્લિમોને લગતા દરેક મુદ્દે કોંગ્રેસીઓ મુસ્લિમોને ખોટું ના લાગી જાય તેનું ધ્યાન રાખીને બોલ્યા કરતા. તેમા ને તેમાં હિંદુઓમાં એવી લાગણી પ્રબળ બનતી ગઈ કે, કોંગ્રેસને મુસ્લિમોને પંપાળવા સિવાય કશામાં રસ નથી. કોંગ્રેસનાં હિંદુઓ ને મુસ્લિમો માટે અલગ અલગ કાટલાં છે. ભાજપ તાકતવર બની ગયો તેના મૂળમાં હિંદુઓમાં પ્રબળ બનેલી આ લાગણી છે ને તેની કિંમત કોંગ્રેસે સત્તામાંથી બહાર થઈને ચૂકવી છે. ગુજરાત ને ઉત્તર પ્રદેશ સહિતનાં કેટલાંક રાજ્યોમાં તો હાલત એ થઈ ગઈ છે કે, કોંગ્રેસ સાવ પતી જ ગઈ છે. આ કિંમત ચૂકવ્યા પછી કોંગ્રેસને સમજાયું કે, આ રીતે મુસ્લિમોને પંપાળ્યા કરીશું તો આખા દેશમાં સાવ પતી જઈશું. કોંગ્રેસને આ અહેસાસ થયો પછી તેણે રાજકીય સ્વાર્થમાં મુસ્લિમોની આળપંપાળ બંધ કરીને મક્કમ વલણ લેવાની ફરજ પડી છે.
ખેર, જાગ્યા ત્યારથી
સવાર સમજીને કોંગ્રેસ હજુય આ રીતે વર્તે તો સારું જ છે. કોંગ્રેસની મુસ્લિમોની આળપંપાળની નીતિના કારણે મુસ્લિમોને પારાવાર નુકસાન થયું છે. મુસ્લિમો રાષ્ટ્રની મુખ્ય ધારામાં ના ભળી શક્યા એ સૌથી મોટું નુકસાન છે. દેશની બહુમતી પ્રજા એટલે કે હિંદુઓના એક વર્ગમાં મુસ્લિમો માટે અભાવની લાગણી તીવ્ર બનતી ગઈ ને તેના કારણે હિદુ-મુસ્લિમો વચ્ચે ના પૂરી શકાય એવી ખાઈ પેદા થઈ ગઈ છે. ટૂંકમાં કોંગ્રેસની નીતિના કારણે કોંગ્રેસને રાજકીય ફાયદો થયો હશે પણ મુસ્લિમોને નુકસાન જ ગયું છે.
આ નુકસાન તો ભરપાઈ થઈ શકે તેમ નથી પણ હવે પછી થતું નુકસાન ચોક્કસ રોકી શકાય. કોંગ્રેસ સહિતના કહેવાતા
સેક્યુલર પક્ષો મુસ્લિમોને પંપાળવાના બદલે ને તેમના દ્વારા થતા ખોટામાં પણ સાથ આપવાના બદલે સાચી વાત કહેતા થાય તો મુસ્લિમો લોકોની નજરમાં આવતા બચશે. કોંગ્રેસ સહિતના રાજકીય સ્વાર્થની કિંમત તેમણે નહીં ચૂકવવી પડે. કોંગ્રેસને પણ ફાયદો થશે. તેના માથે લાગેલું મુસ્લિમ પાર્ટીનું લેબલ રાતોરાત તો ભૂંસાવાનું નથી પણ ધીરે ધીરે એ ભૂંસાય તો કોંગ્રેસ પાછી મજબૂત થઈ શકશે. દેશમાં મજબૂત વિરોધ પક્ષ પણ જરૂરી છે એ જોતાં કોંગ્રેસની મજબૂતી પણ દેશના હિતમાં જ છે.

રિલેટેડ ન્યૂઝ