અમેરિકાની હિંસા હિંસા ને દિલ્હીની હિંસા ‘લીલા’ ?

પ્રજાસત્તાક દિને દિલ્હીમાં થયેલી હિંસા અમેરિકાની હિંસા જેવી જ છે ને તેમાં પણ લોકશાહીના ધજાગરા ઉડાવી દેવાયા છે. કાયદો અને વ્યવસ્થાની ઐસીતૈસી કરીને રીતસરની લુખ્ખાગીરીનું પ્રદર્શન થયું ને બધા ચૂપ છે. આ શરમજનક ઘટનાની જવાબદારી લેવા તો કોઈ તૈયાર નથી જ પણ આ ઘટના માટે જવાબદારો સામે પગલાં લેતાં પણ સરકારના ટાંટિયા ધ્રૂજી રહ્યા છે. ખેડૂત સંગઠનોએ શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવાની ખાતરી આપેલી પણ રેલી શાંતિપૂર્ણ ના રહી પછી જવાબદારી સ્વીકારવાના બદલે એ લોકો દોષારોપણ કરીને છટકી ગયા છે. પોલીસે ઢગલાબંધ એફઆઈઆર નોંધી છે ને ખેડૂત સંગઠનોને જવાબદાર ગણાવતાં નિવેદનો પણ ફટકાર્યાં છે પણ હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. 40 જેટલા ખેડૂત આગેવાનો સામે ફરિયાદ નોંધીને પોલીસે પોતાની ફરજ પૂરી કરીને સંતોષ માન્યો છે, તેનાથી આગળ કશું નહીં. તોફાન કરનારાં સામે પગલાં લેવાશે કે નહીં એ વિશે પોલીસ સાવ ચૂપ છે.
આપણી સરકારમાં બેઠેલા પણ મોમાં મગ ઓરીને બેસી ગયા છે. પોલીસ આ તોફાનો રોકવામાં નિષ્ફળ રહી એ દેખીતું છે. સરકારે પોલીસનો જવાબ માગવો જોઈએ ને તોફાનો કરનારાં સામે આકરાં
પગલાં લેવાનું ફરમાન કરવું જોઈએ પણ સરકારમાં બેઠેલા બેઠકો કરીને અને રિપોર્ટ કરીને સંતોષ માને છે. પોલીસે ખરેખર તો તોફાનો થતાં હતાં ત્યારે જ તોફાનીઓને ઉઠાવી ઉઠાવીને અંદર કરવાની જરૂર હતી પણ પોલીસે કશું ના કર્યું. તેના બદલે દિલ્હીના પોલીસ કમિશનર રિપોર્ટ બનાવીને ગૃહ મંત્રીને આપી આવ્યા ને પોતાનું કામ પૂરું થયું એમ માનીને ઘરે જઈને સૂઈ ગયા.
અમેરિકામાં થયેલી હિંસાની ટીકા કરવામાં
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોખરે હતા. મોદીએ હિંસા અને રમખાણોથી પોતે દુ:ખી હોવાનું જણાવીને ખરખરો વ્યક્ત કરેલો ને કહેલું કે, લોકશાહીમાં ગેરકાયદેસર રીતે થતા દેખાવો ચલાવી ના લેવાય. દિલ્હીમાં જે કંઈ બન્યું એ કાયદેસરનું તો છે નહીં. ખેડૂતો શાંતિપૂર્ણ રીતે દેખાવો કરતા હતા ત્યાં લગી બરાબર હતું ને હજુય શાંતિપૂર્ણ રીતે દેખાવો કરે તો બરાબર જ છે પણ પ્રજાસત્તાક દિને જે કંઈ થયુંએ કાયદેસર નથી જ. મોદી તેની સામે સાવ ચૂપ છે ને એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. આપણે અમેરિકાની ચિંતા કરીએ છીએ ને ત્યાં થતી હિંસાથી દુ:ખી થઈ જઈએ છીએ ને અહીં ઘરઆંગણે થતી હિંસા સામે બોલવાનું જ નહીં એ
કેવું ? મોદી સાહેબ ના બોલે પછી તેમના ભાયાત એવા ભાજપના નેતા તો કશું બોલે એવી આશા જ ના રખાય ને?
આપણે કેવા પ્રકારની લોકશાહીમાં ને કેવા સિદ્ધાંતો સાથે જીવીએ છીએ તેનો આ ઘટનાક્રમ પુરાવો છે. ખેડૂતો
એમ માને છે કે તેમની પાસે સંગઠનની તાકાત છે તેથી એ લોકો ગમે તે કરી શકે. લોકશાહીના અધિકારોની વાત કરીને એ લોકો હિંસા પર ઊતરે તો પણ કોઈ કશું નહીં કરી શકે એવી તેમની માન્યતા છે. સરકારની જવાબદારી હિંસાને રોકવાની જાનમાલનું રક્ષણ કરવાની છે પણ એ જવાબદારી સરકાર અસરકારક રીતે નિભાવતી નથી. હિંસાએ ચડેલા ખેડૂતો પર બળપ્રયોગ કરીશું તો આપણી છાપ સાવ ખેડૂત વિરોધી થઈ જશે ને તેની અસર મતબેંક પર પડશે એ વિચારે સત્તામાં બેઠેલા લોકો હિંસાનો તમાશો ચૂપચાપ જોયા કરે છે.
પોલીસની જવાબદારી હિંસાને રોકવાની છે ને એ માટે જે કરવું પડે એ કરવું જોઈએ. તેના બદલે પોલીસ સત્તામાં બેઠેલા લોકોની પાલતુ બનીને
વર્તે છે. સત્તામાં બેઠેલા લોકોએ રાજકીય ફાયદા માટે પોલીસને હિંસા કરનારાં સામે નરમ હાથે વર્તવાનું કહ્યું એટલે તેમણે માર ખાઈ લીધો ને હિંસા થવા દીધી. પોલીસની મૂળ ફરજ બજાવવાના બદલે સરકારમાં બેઠેલા લોકોના ચિઠ્ઠીના ચાકર બનીને તેમણે હિંસા થવા દીધી. આ કાયદાનું રાજ ન કહેવાય. જે દેશમાં હિંસા કોણ કરે છે તેના આધારે તેમને રોકવા કે નહીં તેનો નિર્ણય લેવાતો હોય એ દેશમાં સામાન્ય માણસોની સલામતી કેટલી એ વિચારવાની જરૂર છે.
દિલ્હીમાં જે કંઈ બન્યું એ રીતસરની ટોળાશાહી છે. આ ટોળું કાલે બેફામ બનીને ગમે તેવો ઉત્પાત મચાવી શકે ને ગમે તે કરી શકે. આ ટોળાશાહીને રોકવાની જવાબદારી લેવા કોઈ
તૈયાર નથી તેના પરથી જ સ્પષ્ટ છે કે, આપણે સાવ રામભરોસે જીવી રહ્યા છીએ.

રિલેટેડ ન્યૂઝ