Site icon Gujarat Mirror

જગન્નાથ પુરી મંદિરના શિખર પર ગરૂડ ઉડતા જોવા મળ્યા: અશુભનો સંકેત

ઓડિશા સ્થિત જગન્નાથ પુરી મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પક્ષીઓનું એક મોટું ઝુંડ મંદિરના શિખરની આસપાસ ફરતું દેખાઈ રહ્યું છે. આ દ્રશ્ય સ્થાનિક લોકો અને ભક્તોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે લાંબા સમયથી એવી માન્યતા પ્રવર્તે છે કે, મંદિરના શિખર પર ક્યારેય પક્ષીઓ ઊડતા નથી.

નવું વર્ષ 2026 નજીક આવી રહ્યું છે, ત્યારે આ ઘટનાને કેટલાક લોકો ઓડિશાના પૌરાણિક ગ્રંથ ‘ભવિષ્ય માલિકા’ની ભવિષ્યવાણીઓ સાથે જોડી રહ્યા છે અને ઘટનાને ભવિષ્યમાં થનારી કોઈ અશુભ ઘટનાનું સંકેત માની રહ્યા છે. જોકે, મંદિરના અધિકારીઓએ આને એક સામાન્ય ઘટના ગણાવી છે.

‘ભવિષ્ય માલિકા’ એ 15મી-16મી સદીમાં ઓડિશામાં અચ્યુતાનંદ દાસ અને અન્ય પાંચ સંતો દ્વારા લખાયેલો એક ધાર્મિક ગ્રંથ છે, જે કળિયુગના અંત અને પરિવર્તનના સમય વિશેની ભવિષ્યવાણીઓ પર આધારિત છે.
ઉલ્લેખનીય છે કે, આ જ વર્ષે એપ્રિલ મહિનામાં પણ એક ગરુડ પક્ષી જગન્નાથ મંદિરના શિખર પરના ધ્વજને પોતાના પંજામાં દબાવીને મંદિરની પરિક્રમા કરવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને પણ સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ હતી અને ઘણા લોકોએ તેને અપશુકન માન્યું હતું. જોકે ત્યારે પણ મંદિરના પૂજારીઓએ આને એક સામાન્ય કુદરતી ઘટના ગણાવીને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.

Exit mobile version