Site icon Gujarat Mirror

ગેસની તંગી સર્જાતા હવે કેરોસીન વિતરણ કરશે સરકાર

રેશનિંગ શોપ અને પેટ્રોલ પંપો ઉપરથી વિતરણની તૈયારી, રસોઇ માટે વધારાનું 48 હજાર કિલોલીટર કેરોસીન ફાળવાયું

 

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે એલએનજીની ઉપલબ્ધતામાં ઘટાડો થતાં ભારત સરકારે ઘરગથ્થુ ઉપયોગ માટે કેરોસીનને ફરીથી પ્રોત્સાહન આપ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને નિયમિત ક્વોટા 1 લાખ કિલોલીટર ઉપરાંત વધારાના 48,000 કિલોલીટર કેરોસીનની ફાળવણી કરી છે. આ કેરોસીન મુખ્યત્વે રેશન દુકાનો (પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ – PDS) દ્વારા વિતરિત કરવામાં આવશે અને કેટલાક કિસ્સામાં પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓની રિટેલ આઉટલેટ્સ પરથી પણ મળી શકશે. આનો ઉપયોગ રસોઈ અને પ્રકાશ માટે થશે. છેલ્લા 10 વર્ષમાં મોટા ભાગના રાજ્યોએ કેરોસીનનો ઉપયોગ બંધ કરી દીધો હતો
અને લોકો એલપીજી તરફ વળ્યા હતા. હવે લોકોએ જૂના સ્ટવ્સ બહાર કાઢવા પડશે અથવા નવા ખરીદવા પડશે. તેવી જ રીતે, ઘણા રેસ્ટોરાં અને ઢાબાઓએ કોલસાના તંદૂરને ગેસ આધારિત ઓવનમાં બદલ્યા હતા, તેઓએ હવે જૂના તંદૂર ફરીથી ચાલુ કરવા પડશે.

પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે કેરોસીન ક્રૂડ ઓઇલના રિફાઇનિંગ દ્વારા ઔદ્યોગિક સ્તરે સરળતાથી બનાવી શકાય છે અને તે રસોઈ માટે વૈકલ્પિક ઇંધણ તરીકે ઉપયોગી છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે એલપીજીની કમી થતાં આ વિકલ્પ અપનાવવામાં આવ્યો છે. કેટલાક દરિયાકાંઠાના રાજ્યોએ માછીમારીની બોટ માટે વધુ કેરોસીનની માંગ કરી હતી.

મંત્રાલયના સર્ક્યુલર મુજબ, વિતરણનું પાયમાણ અને માપદંડ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો નક્કી કરશે. તેઓ ખાતરી કરશે કે ઙઉજ માટે ફાળવેલ કેરોસીન પેટ્રોલ-ડીઝલમાં મિલાવટ અથવા અન્ય અનુચિત ઉપયોગમાં ન જાય. ગ્રામીણ ઘરોને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજ્યોએ 45 દિવસમાં આખી ફાળવણી ઉઠાવવી પડશે, બાકી રહેલી માત્રા આગળ લઈ જઈ શકાશે નહીં.

કેરોસીન-મુક્ત જિલ્લાઓમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ દરેક જિલ્લામાં 1-2 ગ્રામીણ સ્થળો નક્કી કરી શકે છે. દેશભરમાં આશરે પાંચ લાખ રેશન દુકાનો છે. ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇસ શોપ ડીલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય મહામંત્રી બિસ્વમ્ભર બાસુએ જણાવ્યું કે તેઓ આ કાર્ય માટે સંપૂર્ણ તૈયાર છે અને આ અઠવાડિયે જ સરકારને વિનંતી કરી હતી. આનાથી ગરીબ અને ગ્રામીણ વસ્તીને રાહત મળશે. તેમણે કહ્યું કે મોટા ભાગના કિસ્સામાં દીઠ માથાદીઠ દર મહિને અડધો લીટર કેરોસીન વિતરિત કરવામાં આવશે. આ નિર્ણય એલપીજી અને અન્ય ઇંધણની કમી વચ્ચે ગરીબો માટે મહત્વનો વૈકલ્પિક વિકલ્પ સાબિત થશે, પરંતુ લોકોએ જૂની વ્યવસ્થા તરફ પાછા ફરવું પડશે.

 

ગામડાઓમાં ગેસના બુકિંગનો સમયગાળો હવે 45 દિવસ
દેશભરમાં એલપીજી સિલિન્ડર એજન્સીઓમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો લાગી છે. ગેસ સિલિન્ડરનું કાળાબજાર અને સંગ્રહખોરી પણ થઈ રહી છે; આ પ્રથાઓને રોકવા માટે, સરકારે ફરી એકવાર બુકિંગ નિયમોમાં સુધારો કર્યો છે. હવે, ગ્રામીણ વિસ્તારોમાં, પાછલા સિલિન્ડરની ડિલિવરીના 45 દિવસ પછી જ અનુગામી સિલિન્ડર બુક કરાવી શકાય છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંસદમાં માહિતી આપી હતી કે પુરવઠાનું વધુ સારી રીતે સંચાલન કરવા અને બિનજરૂૂરી “ગભરાટ બુકિંગ” અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 6 માર્ચે ઘરેલુ એલપીજી બુકિંગ માટે લોક-ઇન સમયગાળો 21 દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. આ પહેલાં, બુકિંગ અંગે આવો કોઈ ચોક્કસ નિયમ નહોતો. 9 માર્ચે માંગમાં અચાનક વધારાને કારણે, તેલ કંપનીઓએ શહેરી વિસ્તારોમાં લોક-ઇન સમયગાળો 25 દિવસ સુધી લંબાવ્યો. 12 માર્ચે ગ્રામીણ વિસ્તારોમાં, સિલિન્ડર બુકિંગ વચ્ચેનો રાહ જોવાનો સમયગાળો 20 દિવસ લંબાવવામાં આવ્યો – જે કુલ 45 દિવસ સુધી પહોંચ્યો – જેથી સિલિન્ડરનો પુરવઠો અસરકારક રીતે સંચાલિત થાય.

Exit mobile version