એસટી બસ ડ્રાઇવરના આપઘાતને લઇ પરિવારજનોએ ડેપો મેનેજરના ત્રાસના કારણે આ પગલું ભર્યું હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. જોકે બીજી તરફ ડેપો મેનેજરે આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે મહેસાણાના વિજાપુર તાલુકાના વસઈ-ડાભલા ગામના ગજેન્દ્રસિંહ ચાવડા રાજકોટના જસદણ ડેપોમાં ફરજ બજાવતા હતા. તારીખ 15 ડિસેમ્બરના રોજ જસદણથી એસટી બસ પેસેન્જર ભરીને ઝાલોદ જવા રવાના થઇ હતી, જે બસ 16 ડિસેમ્બરની વહેલી સવારે 6:45 વાગ્યાની આસપાસ ઝાલોદ એસટી બસ સ્ટેશને પહોંચી હતી. જ્યાં પેસેન્જરોને ઉતારી બસ ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચાવડા બસમાંથી ઉતરી રેસ્ટ રૂૂમમાં ગયા હતા, ત્યાં થોડી વાર રોકાયા બાદ ફરીથી બસમાં આવ્યા હતા. આ દરમિયાન બસમાં કોઈ ન હોવાથી બસના ઉપરના ભાગે આવેલા હૂકમાં કપડું લગાવી ગળે ફાંસો ખાધો હતો.
રેસ્ટ રૂૂમમાં ડ્રાઇવર પરત ન ફરતા કંડક્ટરે શોધખોળ કરી હતી. છેલ્લે કંડકટર પાર્ક કરેલી બસમાં જઈને જોયું તો ત્યાં ડ્રાઇવર ગળાફાંસો ખાધેલી હાલત જોવા મળ્યા હતા. ત્યારબાદ બસ સ્ટેશનના કર્મચારીઓ અને અન્ય બસના ડ્રાઈવરો દોડી આવ્યા હતા અને તાત્કાલિક નીચે ઉતારી સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાં હાજર તબીબે તપાસ કરી મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઝાલોદ ખાતે દોડી આવ્યાં હતાં અને આપઘાત મામલે મૃતકના ભાઈ નાગેન્દ્રસિંહ ચાવડાએ કહ્યું કે, જસદણ ડેપોના મેનેજર મારા ભાઈને ખૂબ જ ત્રાસ આપતા હતા, રજા પણ આપવામાં આવતી ન હતી. દરરોજ અલગ અલગ રૂૂટની બસ આપવામાં આવતી હતી. આવા અનેક પ્રકારની ત્રાસ આપતા હતા.
મૃતકના કાકાએ જણાવ્યુ કે, ગજેન્દ્રસિંહ મારો ભત્રીજો થાય છે, જસદણ ડેપોના મેનેજર ત્રાસ આપે છે, તેવું બે-ત્રણ વાર મને પણ ઘરે આવીને કહ્યું હતું. મોત પાછળ જવાબદાર હોય તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને મારા ભત્રીજાને ન્યાય મળવો જોઈએ.
જસદણ ડેપો મેનેજર ભાવનાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, ગજેન્દ્રસિંહ ચાવડા ખૂબ સારા માણસ હતા, તેઓ વ્યવસ્થિત રીતે નોકરી પણ કરતા હતા. એમને કોઇ પણ પ્રકારનો ત્રાસ આપવામાં આવ્યો નથી. રજાનો પણ કોઇ જ પ્રશ્ન જ નહોતો. પરિવારજનોએ જે આક્ષેપ કર્યા એ તપાસનો વિષય છે.
ઝાલોદ નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, સમગ્ર ઘટના મામલે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરિવારજનોના નિવેદન લેવાના હજી બાકી છે, નિવેદન લીધા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જસદણ ડેપો મેનેજરના ત્રાસથી ડ્રાઇવરનો ઝાલોદ બસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઇ આપઘાત

