આપણા સમાજમાં બહુ પ્રચલિત અને વધુ પડતો વપરાતો શબ્દ એટલે કે, ’સામાન્ય હોવું.’ જેમ કે સામાન્ય જીવન, સામાન્ય વર્તન, સામાન્ય લોકો કે બાળક. આ શબ્દ પર થોડું ઊંડું વિચારીએ તો સમજાય કે કોઈપણ વ્યક્તિ સંપૂર્ણ રીતે એકસરખી હોતી નથી. દરેક મનુષ્યને ભગવાને વિચારવાની શક્તિ, સમજવાની રીત કે જોવાની રીત અલગ અલગ આપી છે. આ વિવિધતાના લીધે જ દુનિયા આટલી સુંદર દેખાય છે. આમ છતાં ક્યારેક કોઈ બાળક કે કોઈ વ્યક્તિ આપણાથી થોડું અલગ વર્તે છે, ત્યારે આપણે તેને સમજવાને બદલે તેને અસામાન્ય ગણી લઈએ છીએ.
આવા જ એક ખૂબ મહત્વના વિષય પર જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે “world Autism Awareness Day” ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં ઓટીઝમ વિશે સમજ અને સંવેદના વધારવાનો છે. ઓટીઝમ એ કોઈ ચેપી રોગ નથી પરંતુ મગજના વિકાસ સાથે જોડાયેલી એક સ્થિતિ છે, જેમાં બાળકની વાતચીતની રીત, સમજવાની રીત કે વર્તણૂંક સામાન્ય બાળક કરતા અલગ હોય છે. જેમ કે કેટલાક બાળકો મોડું બોલતાં શીખે છે, કેટલાકને વારંવાર એક જ કામ કરવાની ટેવ હોય છે, લોકો સાથે સહેલાઈથી મળે નહીં, તો કેટલાક આંખમાં આંખ નાખીને વાત કરવાનું ટાળે તો ઘણા અવાજ, પ્રકાશ અથવા સ્પર્શ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.
ઘણીવાર ઓટીઝમ ધરાવતા બાળકોમાં અસાધારણ પ્રતિભા છૂપાયેલી હોય છે. જેમ કે કોઈ બાળક સંગીતમાં, કોઈ ગણિતમાં, તો કોઈ ચિત્રકામમાં પારંગત હોય છે. દુનિયામાં આવા તો ઘણા ઉદાહરણો છે, જ્યાં આવાં બાળકોએ આગળ જઈને ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરેલી છે. આવા બાળકોને પ્રેમ, સમજ, સહાનુભૂતિ અને યોગ્ય માર્ગદર્શનની જરૂૂર હોય છે. બાળકને સહાનુભૂતિ આપવામાં જ સમાજ કે ફેમિલી થાપ ખાઈ જાય છે. આવા બાળકો કંઈ ના કરી શકે એવું પોતે જ મનથી માની લે છે અને છેવટે બાળકોને પણ કંઈ કરવાં દેતા નથી. વાસ્તવમાં ભગવાને એમને પણ બુદ્ધિ આપી જ છે, બસ એમને અલગ રીતે વિચારવાની શક્તિ આપી છે, જે બીજા બાળકથી અલગ પાડે છે.
સામાન્ય બાળક કરતા થોડી પ્રેમ અને હૂંફ વધુ મળી જાય તો ઓટીઝમ ધરાવતા બાળકો સામાન્ય બાળકો કરતા પણ વધુ આગળ નીકળી જાય છે. જેમ કે ‘Tito Mukhopadhyay’ એ ભારતના જાણીતા લેખક અને કવિ, જેમણે ઓટીઝમ હોવા છતાં ઘણાં પુસ્તકો અને કવિતાઓ લખી છે. બીજા ‘Temple Grandin’ જે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક છે, જેઓએ ઓટીઝમ હોવા છતાં પશુપાલન અને પ્રાણી વ્યવહાર વિજ્ઞાનમાં મોટી શોધો કરી છે. ત્રીજા ‘Greta Thunberg’ એ ઓટીઝમ ધરાવતા હોવા છતાં વિશ્વ પ્રસિદ્ધ પર્યાવરણ કાર્યકર છે. આવા તો અનેક ઉદાહરણો જોવા મળશે. જેમણે વિશ્વ લેવલે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શારીરિક વિકલાંગ કે માનસિક વિકલાંગ હોવાં છતાં તેનું મનોબળ જ એટલું મજબૂત હોય કે ‘Arunima Sinha’ ની જેમ એક પગ ના હોવા છતાં એવરેસ્ટ સર કરી લેવાની તાકાત ધરાવે છે.
આપણો સમાજ ઘણીવાર “સામાન્ય” અને “અસામાન્ય” વચ્ચે એક લાંબી રેખા ખેંચી દે છે. આ રેખામાં જ મોટાભાગના સામાન્ય બાળકો પણ પીસાય છે. અરે, દરેક વ્યક્તિની પોતાની રીત હોય છે. તો શા માટે દરેક બાળકોની સરખામણી જ કર્યા કરવી? સામાન્ય બાળકોમાં તો સૌથી વધુ સરખામણી તેમના જ માતા પિતા કરતાં હોય છે. જેમકે મારું બાળક પેલા કરતા ગણિતમાં સાવ નબળું છે. પેલાને તો અંગ્રેજી કેવું સડસડાટ આવડે છે. મારા બાળકને ટ્યુશન રાખું તો પણ નથી ફાવતું. આવી તો અનેક સરખામણી બાળકના જન્મથી જ શરુ થઈ જતી હોય છે. હજુ ચાલવા ના શીખે ત્યારથી જ પેલું તો બહુ વહેલા ચાલવા શીખી ગયું. પેલું વહેલા બોલવા લાગ્યું જેવી અનેક સરખામણી વચ્ચે બાળક સામાન્ય હોવા છતાં સતત નબળું હોવાની લાગણી મનોમન ધરાવતા હોય છે. ઘરના સભ્યો જ પ્રેમ હૂંફ અને સરખામણી બંધ કરે તો બાળકમાં અદ્ભૂત શક્તિઓ ભરેલી જ હોય છે.

