મકાન ખાલી કરવા અવારનવાર પરિવારને ધમકી આપતો હોવાની ફરિયાદ
ધોરાજીમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મધ્યમવર્ગીય વ્યક્તિને ધંધા માટે લીધેલી 5 લાખની રકમ સામે વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી ધાક-ધમકી આપી અંતે 35 લાખની કિંમતનું મકાન પચાવી પાડ્યું હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ, ધોરાજી માર્કેટ યાર્ડમાં કેન્ટીન ચલાવતા અરવિંદભાઈ દેવરાજભાઈ ચાવડાએ જામકંડોરણાના વતની હરપાલસિંહ ચુડાસમા સામે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આશરે સાડા ત્રણ વર્ષ પહેલા પોતાના વ્યવસાય માટે પૈસાની જરૂૂર પડતા જામકંડોરણાના વતની હરપાલસિંહ ચુડાસમા પાસેથી 3 ટકાના વ્યાજે રૂૂ. 5,00,000 લીધા હતા. આ વ્યવહારના બદલામાં હરપાલસિંહે સુરક્ષા તરીકે અરવિંદભાઈ પાસેથી યુનિયન બેંકના સહીવાળા કોરા ચેક પડાવી લીધા હતા.
અરવિંદભાઈ નિયમિતપણે દર મહિને વ્યાજ ચૂકવતા હતા અને 4 મહિનામાં તેમણે કુલ રૂૂ. 60,000 વ્યાજ પેટે ચૂકવ્યા હતા. જોકે, ચોમાસા દરમિયાન કેન્ટીનનો ધંધો મંદ પડતા તેઓ વ્યાજ ચૂકવી શક્યા નહોતા. આ તકનો લાભ લઈ વ્યાજખોરે દબાણ વધારવાનું શરૂૂ કર્યું હતું.
જ્યારે અરવિંદભાઈ વ્યાજ ન ભરી શક્યા, ત્યારે હરપાલસિંહે તેમને ધાક-ધમકી આપીને જણાવ્યું હતું કે જો પૈસા નહીં ચૂકવાય તો મકાન નામે કરી આપવું પડશે. અંતે, વ્યાજખોરે ફરિયાદીના જુનાગઢ રોડ પર આવેલા અંદાજે રૂા.35,00,000 ની કિંમતના મકાનને ધાક-ધમકી આપી પોતાના નામે કરાવી લીધું હતું. આટલેથી ન અટકતા, આરોપીએ ફરિયાદીના ઘરે જઈ “આ મારા બાપનું મકાન છે, ખાલી કરી દો નહીંતર હાથ-પગ ભાંગી નાખીશ” તેવી ગંભીર ધમકીઓ આપી પરિવારને ઘરબાર વગરના કરી દીધા હતા.
ફરિયાદીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, હરપાલસિંહે સુરક્ષા માટે રાખેલા કોરા ચેકમાં પોતાની મરજી મુજબની રકમો ભરીને બેંકમાં જમા કરાવ્યા હતા. ચેક બાઉન્સ કરાવીને ફરિયાદી ઉપર કોર્ટ કેસ પણ કરવામાં આવ્યો છે, જેથી ફરિયાદી વધુ માનસિક દબાણમાં આવી ગયા હતા. અરવિંદભાઈએ જણાવ્યું હતું કે હરપાલસિંહ વગદાર માણસ હોવાથી અને પરિવારને હેરાનગતિ થશે તેવા ડરથી તેઓ અત્યાર સુધી ફરિયાદ કરતા અચકાતા હતા. પરંતુ વ્યાજખોરના અસહ્ય ત્રાસ અને ઘર ગુમાવ્યા બાદ, અંતે તેમણે ન્યાયની આશાએ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
