Site icon Gujarat Mirror

શિંદે રેસમાંથી ખસી ગયા છતાં મહારાષ્ટ્રના CMનો સસ્પેન્સ યથાવત


મહારાષ્ટ્રના નવા સીએમના નામને લઈને સસ્પેન્સ આજે સમાપ્ત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ગઈકાલે એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે ભાજપ જેને સીએમ બનાવવા ઈચ્છશે તેને શિવસેના સમર્થન આપશે. શિંદેએ સ્પષ્ટ કર્યું કે તેઓ પીએમ મોદી અને અમિત શાહના દરેક નિર્ણયને સ્વીકારશે.
મતલબ કે હવે શિંદેએ પોતાને સીએમ પદની રેસમાંથી બહાર કરી દીધા છે.

અને આવી સ્થિતિમાં દેવેન્દ્ર ફડણવીસ રેસમાં આગળ છે. જો કે આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ભાજપમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બુધવારે રાત્રે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડે વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.


આ બેઠક લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી. મહારાષ્ટ્રમાં બિન-મરાઠા મુખ્ય પ્રધાનની નિમણૂકને લઈને મરાઠા સમુદાય નારાજ થઈ રહ્યો છે તેનાથી કેન્દ્રીય નેતૃત્વ ચિંતિત છે. તેથી, દેવેન્દ્ર ફડણવીસને ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો મરાઠા મતો કેવી રીતે જાળવી શકાય તે અંગે ચર્ચા થઈ હતી.


અમિત શાહ આજે સાંજે ફરી દિલ્હીમાં બેઠક યોજવાના છે. આ બેઠકમાં કાર્યવાહક સીએમ શિંદે, બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી ચીફ અજિત પવાર હાજર રહેશે. શાહની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.


એક તરફ એનસીપી નેતાઓ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા, તો બીજી તરફ એનસીપીના નેતાઓ છગન ભુજબળ અને ગિરીશ મહાજન મુંબઈમાં દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ બધાની વચ્ચે એવા સમાચાર છે કે હવે સીએમની ખુરશીથી લઈને મંત્રાલય સુધીની દરેક બાબતો માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે, સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાગઠબંધન સરકારમાં ભાજપને 20, શિવસેનાને 11-12 અને એનસીપીને 10 મંત્રીપદ મળી શકે છે. જો કે, નવી મહાયુતિ સરકારમાં ડેપ્યુટી સીએમ પદ પર કોણ કોણ હશે તેના પર હજુ સસ્પેન્સ છે.
બીજી તરફ ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહને મહારાષ્ટ્રના કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. સતત બેઠકો વચ્ચે ભાજપ ફડણવીસના નામની જાહેરાત કરે છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા નવા ચહેરાનું નામ આગળ કરે છે તે જોવું રહ્યું.

Exit mobile version