મુશ્કેલીમાંથી રસ્તો કાઢતી વખતે માઈન્ડ પાવરનો ઉપયોગ કરતા શોભનાબેન શાહનું માનવું છે કે મનથી હારશો નહીં તો જીત મેળવી શકશો
અશક્ત પગ સાથે શોભનાબેન શાહે એક્સરસાઈઝ અને ડાયેટ ફોલો કરી 15 કિલો વજન ઓછું કરી દાખલો બેસાડ્યો
શારીરિક બાબતને અવગણીને મનની શક્તિને પોતાની તાકાત બનાવીને જીવનના દરેક ક્ષેત્રે તેમણે જીત મેળવી છે.એક પગમાં પોલિયો છે છતાં તેઓ હિંમત હારતા નથી. જીવનના એક પાટા પર સંઘર્ષ અને દુ:ખ ચાલતું હતું ત્યારે બીજા પાટા પર તેઓ સુખ,સમજ,શાંતિ અને નવી દ્રષ્ટિ કેળવતા રહ્યા.શારીરિક ખામીને અવગણીને તેઓ કાઉન્સિલિંગ કરે છે,કવિતા લખે છે,પેઇન્ટિંગ કરે છે અને જુદી જુદી કલામાં વ્યસ્ત રહી અન્ય લોકોને પ્રેરણા આપે છે આ વાત છે અમદાવાદના શોભનાબેન શાહની જેઓ સંઘર્ષના દરિયામાં હિંમતથી તરતા રહ્યા અને જીતના દીવા પ્રગટાવતા રહ્યા.
તેઓનો જન્મ ઉછેર અને અભ્યાસ અમદાવાદમાં થયો. છ બહેનો, એક ભાઈ,માતા,પિતાનો સુખી સંપન્ન પરિવાર હતો.નાનપણમાં તેમને તાવ આવ્યો અને ઘણા લાંબા સમય સુધી ઉતર્યો નહીં.સારવાર કરવામાં માતા-પિતાએ કોઈ કસર છોડી નહીં છતાં એક દિવસ દીકરીના ડાબા અંગમાં પોલિયાની અસર આવી અને આખું ડાબુ અંગ ખોટું થઈ ગયું.દીકરીની આવી સ્થિતિ જોઈને માતા-પિતાનું હૈયું વલોવાઇ ગયું.ટ્રીટમેન્ટ, કસરત દરેક પ્રકારે દીકરીને સાજી કરવા પ્રયત્નો કર્યા છતાં ડાબા પગમાં અસર રહી ગઈ અને જીવનભર માટે કેલીપરને ગળે લગાવવા પડ્યા.પિતા પણ અંદરથી દુ:ખી હતા છતાં દીકરીને હિંમત આપતા અને કહેતા કે ’તું પગથી અપંગ છો મનથી નહીં’ અને આ વાક્યને બ્રહ્મ વાક્ય સમજીને શોભનાબેને દિલમાં ઉતારી લીધું.આ વાક્યના કારણે જ તેઓનું મનોબળ એટલું મજબૂત બન્યું કે ત્યાર પછી કોઈ પરિસ્થિતિને પોતાના પર હાવી થવા દીધી નથી. શાળામાં મૂકવાના સમયે પણ પિતાજીએ નોર્મલ સ્કૂલમાં મુક્યા. નવમા ધોરણમાં પાંચમા માળે ક્લાસ આવ્યો છતાં તેઓએ હિંમત ન હારી. એમ એ વિથ સાયકોલોજી અને ડિપ્લોમા ઇન સાઇકોલોજી કાઉન્સિલિંગ કર્યું અને ત્યારબાદ વ્યસન મુક્તિ સલાહ કેન્દ્રમાં પાંચ વર્ષ નોકરી કરી. આ સમય દરમિયાન પડોશમાં રહેતા જૈન પરિવારના યુવક સાથે પરિચય અને ત્યારબાદ પ્રેમ થયો.
બંનેએ પરણીને સાથે જીવન જીવવાનો નિર્ણય કર્યો. શોભનાબેન જણાવે છે કે પરિચયથી પરિણય સુધીની અમારી સફર કોઈ ફિલ્મી વાર્તાથી કમ નહોતી. બંને પરિવારોનો વિરોધ,બંને પરિવારની વિરોધાભાસ પરિસ્થિતિ, અનેક અડચણ, વિઘ્નો આવ્યા, કસોટી થઈ આમ છતાં પ્રેમ,ધીરજ અને સમજણનો વિજય થયો અને લગ્ન થયા. લગ્ન પછી પણ સંઘર્ષની સફર સતત ચાલુ રહી. ફરી પરિવારમાં પ્રશ્નો સર્જાતા ઘરમાંથી નીકળી ગયા.આ વખતે બેમાંથી ત્રણ હતા .દીકરી પણ સાથે હતી. બંને પ્રેગનેન્સીમાં શારીરિક તકલીફ પડી, દીકરીની પ્રેગનેન્સી વખતે સ્ટોનની તકલીફના કારણે સર્જરી કરાવી પડી તો દીકરાના જન્મ વખતે થાઇરોઇડનું નિદાન થયું. અન્ય શારીરિક પીડા સાથે વજન વધવાની તકલીફ થઈ.જીવનના આ બધા ઉતાર ચડાવ સાથે આર્થિક પરિસ્થિતિ પણ ડામાડોળ હતી. દરેક પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતી વખતે માઈન્ડ પાવરનું મહત્વ સમજાયું . જો મનથી તમે હારશો નહીં તો દરેક પરિસ્થિતિમાં જીત મેળવી શકશો. દરેક મુશ્કેલીમાંથી બહાર આવતી વખતે એમ લાગતું કે બસ હવે મુશ્કેલીનો અંત છે આમ છતાં બીજી મુશ્કેલી જાણે રાહ જોઈને બેઠી હોય.
સમય પસાર થતો રહ્યો.દીકરીને પરણાવી.ધીમે ધીમે શરીરની તકલીફો વધવા લાગી.એક વખત કાંડામાં પીડા થઈ ડોક્ટરને બતાવ્યું, ઉઠવા, બેસવા, ચાલવામાં પણ તકલીફ પડવા લાગી. શરીરનું વજન 80 કિલો થઈ ગયું ત્યારે તેઓએ આ તકલીફમાંથી બહાર આવવા કમર કસી.દીકરો જીમમાં જતો હતો તેણે પોતાના ટ્રેનરને વાત કરી.પગમાં પોલિયોની અસર છતાં શોભનાબેનની માનસિક મક્કમતા જોઈને જિમ ટ્રેઇનર ફિટનેસ જર્ની શરૂૂ કરવા માટે તૈયાર થયાં. શોભનાબેન જણાવે છે કે મારો પગ ચાલતો નહોતો તેથી એક્સરસાઇઝ અને ડાયટ કરી વજન ઘટાડવું મારા માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું.
ફરી માઇન્ડ પાવરની મદદથી આ ચેલેન્જને સ્વીકારી. એક્સરસાઈઝ, ડાયટ ચાર્ટ ફોલો કર્યો અને 15 કિલો વજન ઓછું કરી બતાવ્યું.આ સમયે તેમને વિચાર આવ્યો કે પોતાની શારીરિક તકલીફો સાથે જો તેઓ પોતાની પ્રેક્ટિસ જર્ની આગળ વધારી શકે તો અન્ય લોકો કેમ ન કરી શકે?અને તેથી જ તેઓનું સ્વપ્ન છે કે ફિઝિકલ ફિટનેસ બાબત લોકોમાં જાગૃતિ લાવવી અને મન અને શરીર પર કામ કરવાની તેઓની ઈચ્છા છે.તેઓ માને છે કે મન અને શરીર એક સિક્કાની બે બાજુએ છે તેથી મન અને શરીર પર કામ કરીને અનેક પરિણામો પ્રાપ્ત કરી શકાય. ઘણા લોકો મારામાંથી પ્રેરણા લે છે ડેઇલી ડોઝમાં હું મારા વિચારો મૂકું છું તો લોકોની દ્રષ્ટિ બદલાઈ જાય છે દુ:ખ એનું એ જ છે પણ તેને જોવાની નજર જ્યારે બદલાય તો એ દુ:ખ ઓછું થઈ જાય છે. જીવનને તેઓ હંમેશા સકારાત્મક દ્દષ્ટિકોણથી જ જોવે છે. શ્રી મોટા ગ્રૂપ દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ નારી તું નારાયણી એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે મળ્યો છે.વાંચવામાં ખૂબ જ સરળ લાગતી તેમની આ યાત્રા હકીકતમાં ખૂબ કઠિન છે. પગમાં તાકાત ન હોય એ કલ્પના કરીને તમે તેમની જગ્યાએ પોતાને મૂકી જુઓ ત્યારે તેમના સંઘર્ષને સાચા અર્થમાં અનુભવી શકશો. શોભનાબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
સ્ત્રી પોતાની જાતને કરે છે અંડર એસ્ટિમેટ
મહિલાઓને સંદેશ આપતા તેઓ જણાવે છે કે સ્ત્રી પાસે ખૂબ તાકાત છે પરંતુ સ્ત્રી પોતાની જાતને અંડર એસ્ટિમેટ કરે છે. મારાથી ન થાય એવું એ માને છે પરંતુ કોઈ કામ એવું નથી કે જે સ્ત્રી ન કરી શકે.જીવનના જુદા જુદા તબક્કાઓનો સામનો સ્ત્રી કરે જ છે છતાં ઘણી વખત વિચારે છે કે આ ઉંમરે હવે શું કરવાનું? પરંતુ આવા વિચારો ત્યાગો. કોઈપણ નવી વસ્તુ કરવા માટે ઉંમર ક્યારેય નડતી નથી આપણી આસપાસના માન્યતાના આવા આવરણો તોડવાની જરૂૂર છે.
કોરોનામાં લોકોને કર્યા ભયમુક્ત
કોરોનાના કપરા કાળમાં લોકોને હતાશા અને ડરના માહોલમાંથી બહાર લાવવા તેઓએ અભિવ્યક્તિ ગ્રુપ બનાવ્યું. જેમાં રોજ એક ચિત્ર મૂકી એ ચિત્રને અનુરૂૂપ પોઝિટિવ વિચારો મુકતા.ધીમે ધીમે લોકો આ સકારાત્મકતાને પસંદ કરવા લાગ્યા.આ બધા વિચારોનું સંપાદન કરીને ને તેઓએ ’અનુભૂતિના અજવાળા’ નામથી બે ભાગ પુસ્તક સ્વરૂૂપે પબ્લિશ કર્યા. લોકડાઉનના કારણે બહેનોનું કામ વધ્યું ત્યારે તેઓ ભય મુક્ત વાતાવરણમાં રસોઈ બનાવી શકે તે માટે તેઓ જાતે ફૂડને લગતો કલાત્મક ફોટો મૂકતા અને તેમાં પણ એક સરસ મજાના વિચારો મૂકતા.આ દરરોજના અનેક ફોટોગ્રાફ ભેગા થતા તેઓએ તે પણ પુસ્તક રૂૂપે પબ્લિશ કર્યું જેનું નામ છે ’પાક શાસ્ત્ર:પ્રેમની પરિભાષા’ આ પુસ્તકમાં 16 વર્ષથી લઈને થી લઈને 80 વર્ષના દાદીની પણ રેસિપી મૂકી છે. પોતાની એનિવર્સરી પર ’અનુબંધનું ઐકય’ નામનું પુસ્તક પણ લખ્યું છે અન્ય એક મેગેઝીનમાં તેમની કવિતા પણ છપાઈ છે કોરોનાના સમયમાં સો થી વધુ લોકોનું કાઉન્સિલિંગ કર્યું છે. આ સમયમાં સસરા, માતા-પિતા ગુમાવ્યા છતાં હિંમત હાર્યા વગર અન્યને પ્રેરણા આપતા રહ્યા.બે વર્ષ પહેલાં તેઓએ સ્વત્વ,સ્ત્રીત્વ અને અસ્તિત્વ આ ત્રણેને ધ્યાનમાં રાખીને શબરી, મીરા,રાધા,મંદોદરી વગેરે સ્ત્રી પાત્રોના સદ્ગુણો ધ્યાનમાં લઇ તેમની ઈમેજ પર 12 એપિસોડ કર્યા. તેમના ગુણો કઈ રીતે પોતાનામાં ઉતારી શકાય એ વાત એ લોકોએ ખૂબ જ વખાણી અને સ્વીકારી.

