Site icon Gujarat Mirror

વિવાદાસ્પદ હોવા છતાં અજિત પવારની લોકચાહના જબરજસ્ત હતી

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના આકસ્મિક અને અકાળ નિધને આખા દેશને સ્તબ્ધ કરી દીધો. માત્ર 66 વર્ષના અજિત પવાર વતન બારામતીમાં જાહેરસભાને સંબોધવા જતા હતા ત્યારે પ્રાઈવેટ પ્લેનમાં લેન્ડિંગ વખતે જ કંઈક ખામી સર્જાતાં બારામતીના એરપોર્ટ પર જ વિમાન સળગી ગયું ને અજિત પવારની સાથે પ્લેનમાં મુસાફરી કરી રહેલા પાંચેય લોકોનું મૃત્યુ થયું હતું. બારામતીની જિલ્લા પરિષદની ચૂંટણીના પ્રચાર માટે પહોંચનારા અજિતની બારામતીમાં લોકો રાહ જોઈ રહ્યા હતા પણ અજિતના બદલે તેમના મોતના સમાચાર મળ્યા. અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા નેતા હતા.

શરદ પવારે ઊભી કરેલી રાજકીય મૂડીના જોરે રાજકીય કારકિર્દી બનાવનારા અજિતદાદા મોટા ભાગનો સમય કાકા શરદ પવારની નિશ્રામાં રહ્યા તેથી કાકાના બધા ગુણો તેમણે બરાબર આત્મસાત કર્યા હતા. કાકાની જેમ જ સત્તા માટે ગમે તેવાં સમાધાન કરી લેવાથી માંડીને ગમે ત્યારે ગુલાંટ લગાવવા સુધીનું બધું અજિતદાદાએ કર્યું. ભ્રષ્ટાચારમાં પણ તેમનું નામ બરાબર ખરડાયું અને એક તબક્કે તો ભાજપે અજિત પવારને મહાભ્રષ્ટાચારી ગણાવીને બરાબરનો ઉપાડો લીધો હતો.

ભાજપની સરકારે તેમની સામે કેસો પણ કરેલો પણ જેવા અજિતદાદા ભાજપની પંગતમાં બેઠા કે તેમનાં બધાં પાપ ધોવાઈ ગયાં. કોઈ પણ મોટા નેતાનું અકસ્માત કે બીજી કોઈ પણ રહસ્યમય રીતે મોત થાય એટલે તરત કોન્સ્પિરસી થિયરીઝ વહેતી થઈ જતી હોય છે. નેતાજીને કાવતરું કરાવીને પતાવી દેવાયા હોવાની વાતો ફરતી થઈ જાય છે. અજિત પવારના મોત પછી પણ એવી વાતો વહેતી થઈ જ છે. સોશ્યલ મીડિયા પર તો એ બધું ચાલે જ છે પણ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ અજિતના મોત અંગે શંકા વ્યક્ત કરી છે. મમતાનું કહેવું છે કે, અજિત પવાર અને શરદ પવારની પાર્ટી એકબીજામાં ભળી જવાની હતી ને કાકો-ભત્રીજો એક થઈ જવાના હતા તેથી ઘણાંના પેટમાં દુ:ખવા માંડેલું. મમતાએ વિમાન દુર્ઘટનાની તપાસ કરાવવામાં આવે એવી માગણી કરી છે. મમતાએ એમ પણ કહી દીધું છે કે, કેન્દ્ર સરકારની એજન્સીઓ વેચાયેલી છે તેથી સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ થવી જોઈએ.

કેન્દ્ર સરકારની એજન્સીઓ ભાજપ સરકારના ઈશારે કામ કરે છે એવું મમતા સહિતના વિપક્ષી નેતાઓ છાસવારે કહ્યા કરે છે. મમતાએ અત્યારે પણ એ જ ઈશારો કર્યો છે મમતાની વાત કહેતા બી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવી છે. અજિત પવાર ભાજપના સાથી હતા ને ભાજપને કોઈ રીતે નડતા જ નહોતા પછી ભાજપ તેમનો કાંટો શું કરવા કાઢી નાખે? અજિત પવાર અને શરદ પવાર એક થઈ જવાના હતા કે નહીં એ ખબર નથી પણ બંને એક થાય તો પણ ભાજપને તેનાથી કોઈ ફરક પડવાનો નહોતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં અત્યારની સ્થિતિએ ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાને ત્રીજા કોઈની જરૂૂર જ નથી તેથી માનો કે, અજિત પવાર પાછા પોતાના કાકા સાથે જતા રહે તો પણ ભાજપને કોઈ ફરક પડવાનો નહોતો. અજિત પવારને દૂર કરવા માટે બીજું કોઈ કારણ પણ નથી તેથી મમતાની વાત રાજકીય રોટલો શેકવા માટેની ફેંકાફેંકથી વિશેષ કંઈ જ નથી.

Exit mobile version