Site icon Gujarat Mirror

MLA જીજ્ઞેશ મેવાણી સામે દલિતોનો મોરચો

કોંગ્રેસનાં નેતા અને વડગામનાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે દલિત સમાજે જ મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં દલિત સમાજનાં લોકોએ રેલીઓ કાઢી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું અને ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી હતી.


વડગામનાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને મહીસાગર જિલ્લાનાં દલિત સમાજે મોટો ઝટકો આપ્યો છે. કારણ કે, જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં દલિત સમાજે રેલીઓ કાઢી વિરોધ દાખવ્યો હતો. માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર, વીરપુર અને બાલાસિનોર તાલુકામાં SC, ST અને OBC સમાજનાં નાગરિકો દ્વારા જિગ્નેશ મેવાણી વિરુદ્ધ સરકાર કડક કાર્યવાહી કરે તેવી માગ સાથે રેલીઓ કાઢી મામલતદારને આવેદન પત્રો આપવામાં આવ્યા હતા.


દલિત સમાજનો આરોપ છે કે, જિગ્નેશ મેવાણી સમાજને ઘેર માર્ગે દોરી રહ્યા છે. ખોટા મેસેજો કરીને સમાજમાં ભેદભાવ ઉત્પન્ન કરતા હોવાનો પણ આક્ષેપ ધારાસભ્ય વિરુદ્ધ થયો છે. બાલાસિનોર દલિત સમાજે કહ્યું કે, જિગ્નેશ મેવાણી વિકૃત માનસિકતા ધરાવતા ધારાસભ્ય છે. તેઓ કેટલાક અધિકારીઓ સાથે ખરાબ વર્તન કરે છે. દલિત સમાજનાં જ લોકો દ્વારા જિગ્નેશ મેવાણી વિરુદ્ધ આવેદન પત્રો આપતા હવે મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં ચિંતા વધી છે. જ્યારે બીજી તરફ 6 ડિસેમ્બરે ચૈતર વસાવા, અંનત પટેલ અને ગુલાબસિંહ ચૌહાણનાં નેતૃત્વમાં રાખવામાં આવેલ કાર્યક્રમનો ફિયાસ્કો થાય તેવા પણ એંધાણ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જીગ્નેશ મેવાણીએ મહિસાગર જિલ્લા કલેકટર દલિત વિરોધી હોવાનો આક્ષેપ કરી મોરચો માંડયો છે અને દરેક જિલ્લા-તાલુકાઓમાં કલેકટર વિરોધી આવેદનપત્રો પાઠવ્યા હતા.

Exit mobile version