ઓનલાઇન શોપિંગ, નોકરી, કે.વાય.સી. અપડેટ, લોન અને ડિજિટલ એરેસ્ટથી પૈસા પડાવતા હતા
42 ડેબિટ કાર્ડ, 26 પાસ બુક, 47 ચેકબુક, 8 મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે
સાયબર ક્રાઇમના ગુન્હાને અંજામ આપી લોકો પાસેથી રૂૂપિયા પડાવતા બે શખ્સોને ભુજમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસએ બાતમી આધારે ભુજના ભાનુશાલીનગરમાં આવેલ હરિરત્ન બિલ્ડિંગના ફ્લેટ નંબર 203 માંથી બંને આરોપીને જડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપીઓને લાઇન શોપિંગ, નોકરી, કેવાયસી અપડેટ, લોન તેમજ ડિજિટલ અરેસ્ટ કરીને લોકો પાસેથી રૂૂપિયા પડાવતા હતા.આરોપીએ આધાર કાર્ડ, પાન કાર્ડના ખોટા દસ્તાવેજ ઊભા કરી અલગ અલગ બેંકમાં ખાતા ખોલાવ્યા હતા. બેન્કના ખાતાનો ઉપયોગ આરોપી અલગ અલગ રાજયના લોકો સાથે છેતરપિંડી કરવા માટે કરતા હતા.
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આરોપી શીશપાલ ઉર્ફે સુભાષ બાબુરામ ધનારામ, અને ગોવિંદરામ ઉર્ફે ગોવર્ધન રામ મુન્નારામ કુલ્લારામને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને આરોપી રાજસ્થાનના રહેવાસી અને ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપીઓના વિરુદ્ધમાં 10 જેટલા રાજ્યોમાં સાઇબર ક્રાઇમના ગુન્હા નોંધાયેલા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દર બે મહિને પોતાનું લોકેશન બદલાતા હતા.
એક અઠવાડિયામાં આરોપી ભુજથી પોતાનું લોકેશન બદલી અન્ય રાજયમાં જવાની ફિરાકમાં હતા. આ દરમિયાન બંને આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. આરોપી પાસેથી અલગ અલગ બેન્કના 42 ડેબિટ કાર્ડ, 26 પાસબુક, 47 ચેકબુક, 8 મોબાઈલ, 16 આધારકાર્ડ, 13 પાનકાર્ડ, 1 લેપટોપ, 1 પેનડ્રાઈવ સહિતનો મુદામાલ કબેજ કર્યો છે.
પોલીસએ આરોપીના બેન્ક એકાઉન્ટના આધારે નેશનલ સાઇબર ક્રાઇમ રિપોટિંગ પોર્ટલ પર ચેક કરતાં આરોપી વિરુદ્ધમાં 10 રાજ્યોમાં 11 જેટલા સાઇબર ક્રાઇમના ગુન્હા નોંધાયેલા છે. ચાર બેન્ક એકાઉન્ટમાં કુલ 21,81,495 જેટલી સાયબર ફ્રોડની રકમ આરોપીના ખાતામાં જમા થઈ છે. આરોપીએ ખોટા દસ્તાવેજ બેંકમાં જમા કરાવી 17 બેંકમાં 55 જેટલા ખાતા ખોલાવ્યા છે. તમામ બેન્ક એકાઉન્ટ લઈને પોલીસએ તપાસ હાથ ધરી છે જેમાં બેન્ક કર્મચારી અને મેનેજરની પણ તપાસ કરવામાં આવશે.આરોપીએ ખોટા દસ્તાવેજ ઊભા કરીને અલગ અલગ બેન્કમાં ખાતા ખોલાવી દસ જેટલા રાજયોમાં સાઇબર ક્રાઇમના ગુન્હાને અંજામ આપ્યો હતો. સાઇબર ફ્રોડ કરી બેન્કમાં નાણાં મંગાવતા બાદમાં ચેકથી રૂૂપિયા ઉપાડી આંગડિયા મારફતે રાજસ્થાન રૂૂપિયા મોકલતા હતા હોવાનું પોલીસ તપાસમાં ખૂલવા પામ્યું છે. હાલ બંને આરોપી વિરુદ્ધમાં ભુજ બી,ડિવિજન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 કલમ 319(2) , 336(3) , 340(2) , 61(2) તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 66(ડી) મુજબનો ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ બંને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.