વાંકાનેર નજીક લાલપર અને રફાળીયા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામા મોરબીનુ દંપતિ ખંડીત થયુ હતુ. દંપતિ બાઇક લઇ લગ્ન પ્રસંગમાથી પરત આવતુ હતુ ત્યારે અજાણ્યો વાહન ચાલક બાઇકને ઠોકર મારી નાસી છુટયો હતો. આ ઘટનામા દંપતિને ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવતા પતિનુ મોત નીપજયુ હતુ. જયારે પત્ની સારવાર હેઠળ હોવાનુ જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી રહેતાં વાલજીભાઈ રણછોડભાઈ ચાવડા (ઉ.વ.58) ગઇકાલે પોતાના બાઇકમાં પત્નિ ગીતાબેન (ઉ.વ.50)ને બેસાડીને મોરબીના નાની પાનેલી ગામે લગ્નપ્રસંગમાં ગયા હતાં. પ્રસંગ પુરો કરી રાતે બે વાગ્યે બંને પરત મોરબી પોતાના ઘરે જઇ રહ્યા હતાં ત્યારે મોરબીના જાંબુડીયા ગામ નજીક લાલપર રફાળીયા વચ્ચેના રોડ પર પહોંચ્યા તે વખતે અજાણ્યો કારનો ચાલક રોંગ સાઇડમાં આવી બાઇકને ઠોકરે લઇ ભાગી ગયો હતો. પતિ-પત્નિ બંને ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાથી વધુ સારવાર માટે બંનેનેરાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે પતિ વાલજીભાઈ ચાવડાએ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. આ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

