કોરોનાના હવે 14 દર્દી સારવારમાં: બપોર સુધીમાં ‘0’ કેસ

ગઈ કાલે 7 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ સહિત ગુજરાતભરમાં કહેર મચાવતો કોરોના હવે શાંત પડ્યો હોય તેમ દિનબદિન નવા કેસોનો આંક ક્રમશ: ઘટી રહ્યો છે મૃત્યુઆંક પણ ધીમેધીમે નીચે આવતા લોકોમાં વાઈરસનો ખૌફ ઓછો થયો છે. છેલ્લા ઘણા દિવસથી સિંગલ ડીજીટમાં આવી જતાં તંત્રએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો. કોરોનાની બીજી લહેર શાંત પડતા જ લોકોમાં હાશકારો થયો છે.
વૈશ્ર્વિક મહામારી કાબુમાં આવી ગઈ હોય તેમ છેલ્લા પાંચ મહિનાથી ચાલતો મોતનો સીલસીલો થોડા દિવસોથી અટકી જતા તંત્ર અને લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. આજે બપોર સુધીમાં નવો એક પણ કેસ નોંધાયો ન હતો. જ્યારે ગઈકાલે 7 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હજુ 14 દર્દી સારવાર હેઠળ હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
કાળમુખા કોરોનાએ બીજીલહેર દરમિયાન હાહાકાર મચાવતા શહેરની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ હતી. નવા દર્દીઓને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાની નોબત આવી હતી. ત્યારે કોરોના પીક ઉપર પહોંચ્યા બાદ
ધીમેધીમે ઘટવા લાગતા હોસ્પિટલ તંત્ર, સરકાર અને લોકોમાં હાશકારો અનુભવાયો હતો અને છેલ્લા થોડા દિવસોથી તો કોરોના કાબૂમાં આવી ગયો હોય તેમ નવા કેસો અને મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 12.43 લાખ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી 42,784 લોકો કોરોના પોઝીટીવ આવ્યા છે જે પૈકી 42317 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ચૂક્યા છે. જ્યારે હજુ 14 દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાના નવા કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા રિકવરી રેઈટ વધીને 98.90 ટકા થયો છે.

રિલેટેડ ન્યૂઝ