Site icon Gujarat Mirror

નવો ભૂકંપ કોડ લાગુ થતાં બાંધકામના ભાવમાં 25 ટકાનો ભાવ વધારાનો આંચકો

અમદાવાદ-સુરત-રાજકોટ સહિતના શહેરોને ‘મધ્યમ જોખમ’ થી ‘ઉચ્ચ જોખમ’ શ્રેણીમાં મૂકાયા, બાંધકામની મંજૂરી પ્રક્રિયા અટકી પડી : અમદાવાદમાં અમલવારી શરૂ

ગુજરાતના મુખ્ય શહેરોમાં ભૂકંપ સામે રક્ષણ આપતા નવા સ્ટ્રક્ચરલ કોડ (IS 1893:2025) ના અમલીકરણને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં બે ફાંટા પડી ગયા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા જારી કરાયેલા નવા નિયમો મુજબ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોને હવે ’સિસ્મિક ઝોન-3’ (મધ્યમ જોખમ) માંથી ’સિસ્મિક ઝોન-4’ (ઉચ્ચ જોખમ) માં મૂકવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે રાજ્યમાં બાંધકામની મંજૂરી આપવાની પ્રક્રિયામાં મોટો ગતિરોધ ઉભો થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. કોર્પોરેશન દ્વારા એક પરિપત્ર જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર 2025 પછી રજૂ કરવામાં આવેલી તમામ નવી બિલ્ડિંગ પ્લાન દરખાસ્તોએ ફરજિયાતપણે નવા ઝોન-4 ના માપદંડોનું પાલન કરવું પડશે. બીજી તરફ, સુરત, રાજકોટ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનો હજુ પણ જૂના નિયમો (ઝોન-3) મુજબ જ પ્લાન મંજૂર કરી રહ્યા છે. આ શહેરોના અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ માર્ગદર્શિકા ન મળે, ત્યાં સુધી તેઓ નવા કોડનો અમલ કરશે નહીં.

બિલ્ડરો અને આર્કિટેક્ટ્સ એવી માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકારે આપેલા ટ્રાન્ઝિશન પીરિયડ (મે 2026 સુધી) નો લાભ મળવો જોઈએ. ઘણા પ્રોજેક્ટ્સમાં પાયાનું કામ જૂના કોડ મુજબ થઈ ચૂક્યું છે, હવે અચાનક ઉપરના માળ નવા કોડ મુજબ બનાવવા ટેકનિકલ રીતે અશક્ય છે. ’ડક્ટાઇલ ડિટેલિંગ’ અને વધુ સ્ટીલના વપરાશને કારણે પ્રોજેક્ટની વાયેબિલિટી પર જોખમ ઊભું થયું છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તમામ મહાનગરપાલિકાઓ માટે સમાન નીતિ જાહેર કરવામાં આવી શકે છે. ત્યાં સુધી ગુજરાતના રિયલ એસ્ટેટ માર્કેટમાં ’થોભો અને રાહ જુઓ’ની સ્થિતિ જોવા મળી રહી છે.

બિલ્ડિંગના પાયા-બીમ કોલમમાં વધારાનું સ્ટીલ અને સિમેન્ટ વાપરવાનું ફરજિયાત થશે
નવા સિસ્મિક કોડના અમલીકરણથી બિલ્ડિંગના પાયા અને બીમમાં સ્ટીલ અને સિમેન્ટનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જશે. નિષ્ણાતોના મતે, આ ફેરફારને કારણે બાંધકામ ખર્ચમાં 20% થી 25% જેટલો સીધો વધારો થઈ શકે છે. ક્રિડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વસાણીના જણાવ્યા અનુસાર, “નવા નિયમોને કારણે હાઈ-રાઈઝ બિલ્ડિંગ્સના સ્ટ્રક્ચરલ ડિઝાઈનમાં મોટા ફેરફારો કરવા પડશે. અમદાવાદમાં હાલમાં 45 મીટરથી વધુ ઊંચાઈના અનેક પ્રોજેક્ટ્સ અટવાઈ પડ્યા છે કારણ કે બિલ્ડરો માટે જૂના પ્લાનને નવા કોડ મુજબ રી-ડિઝાઇન કરવા આર્થિક રીતે પરવડે તેમ નથી.”

શું છે નવો સિસ્મિક કોડ?
* IS 1893:2025: આ નવો ભારતીય સ્ટાન્ડર્ડ છે જે ભૂકંપ પ્રતિરોધક ડિઝાઈન માટે છે.
* ઝોન પરિવર્તન: ગુજરાતના મુખ્ય શહેરોને વધુ જોખમી શ્રેણીમાં મૂકાયા છે.
* હેતુ: 2001ના ભૂકંપ જેવી હોનારત સમયે જાન-માલનું નુકસાન ઘટાડવું.
* ફેરફાર: બિલ્ડિંગની મજબૂતી માટે અત્યાધુનિક એન્જિનિયરિંગ ગણતરીઓનો ઉપયોગ

Exit mobile version