ગુજરાતની નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોની ચુંટણીના પરિણામો વિશે ભાગ્યે જ કોઇને સંદેહ હતો. પરંતુ આટલી લગભગ એકતરફી જીતની કલ્પના બહુ ઓછા લોકોએ કરી હશે. રાજ્યની 15 નગરપાલિકાની સત્તા કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની સાથે 68માંથી 60 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતોમાં પણ જીતનો ઝંડો લહેરાયો છે. કોંગ્રેસ માત્ર એક જ નગરપાલિકામાં જીત નોંધાવવામાં સફળ રહી છે. આ સાથે જ સમાજવાદી પાર્ટીએ બે નગરપાલિકામાં જીત નોંધાવી છે.
રાજ્ય ચૂંટણી પંચના ડેટા અનુસાર, ભાજપે જેએમસીના 15 વોર્ડમાં કુલ 60 બેઠકોમાંથી 48 બેઠકો જીતી છે. જેએમસીની સાથે રાજ્યમાં 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ માટે પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં 60 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લાની માત્ર સલાયા નગરપાલિકા કોંગ્રેસ જીતી શકી. કુતિયાણામાં ભાજપના હાથમાંથી સત્તા છીનવવામાં સમાજવાદી પાર્ટી સફળ રહી હતી.
એસઈસીએ જણાવ્યું હતું કે 213 બેઠકો પર એક જ ઉમેદવાર હોવાથી તેમને બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 5 હજાર 84 ઉમેદવારો મેદાનમાં હતા. રાજ્યમાં પાર્ટીની જીત પર, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભાજપ સાથે ગુજરાતનો સંબંધ ન માત્ર અતૂટ છે પરંતુ તે સતત મજબૂત પણ થઈ રહ્યો છે. રાજ્યમાં યોજાયેલી નાગરિક ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ સમર્થન અને આશીર્વાદ આપવા બદલ હું ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ઉતરાખંડ, છતીસગઢ અને હવે ગુજરાતની સ્થાનીક ચુંટણીઓમાં કોંગ્રેસનો કારમો પરાજય સુચવે છે કે પક્ષે તેની બ્રાંડ વેલ્યુ ગુમાવી દીધી છે. કોઇ ચમત્કાર જ હવે તેને અસ્તીત્વ ટકાવવામાં મદદ કરી શકે. કેમ કે તેણે પોતે જીજીવિષા ખોઇ બેસી છે.