દેશમાં અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વનો માહોલ જામ્યો છે અને સોમનાથ મહાદેવના નામે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને કોંગ્રેસને ગાળો દેવાની મોસમ પણ પૂરબહારમાં જામી છે. સોમનાથ સ્વાભિમાનના નામે ભાજપના નેતા કોંગ્રેસને હિંદુ વિરોધી ચિતરવા મચી પડ્યા છે. ભાજપે સત્તાવાર રીતે કહ્યું છે કે, કોંગ્રેસે સોમનાથ મહાદેવનો વિરોધ કર્યો હતો પણ આ વાત સાવ ખોટી છે. ભાજપનું કહેવું છે કે, સોમનાથનો વિરોધ કરવાથી માંડીને ભગવાન શ્રી રામના અસ્તિત્વનો ઈનકાર કરવા સુધીનાં કોંગ્રેસનાં કૃત્યો એ વાતનો પુરાવો છે કે, કોંગ્રેસ અને ખાસ તો નેહરુ-ગાંધી ખાનદાન હિંદુ વિરોધી છે. ભાજપે તો કોંગ્રેસ પર ઐતિહાસિક તથ્યો અને દેશના સ્વાભિમાનની અવગણના કરવાનો આરોપ પણ મૂકી દીધો છે.
કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું તેમાં બેમત નથી પણ કોંગ્રેસે સોમનાથનો વિરોધ કરેલો એ વાત ઐતિહાસિક રીતે સાચી નથી. બલ્કે ભાજપ જે સોમનાથના નામે ચરી ખાવા નીકળ્યો છે એ સોમનાથના મંદિરનું પુનર્નિર્માણ કોંગ્રેસીઓએ જ કરાવ્યું હતું એ ઐતિહાસિક હકીકત છે ને ભાજપ જેમને ગાળો આપે છે એ જવાહરલાલ નેહરુની સરકારે જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો ઠરાવ પસાર કર્યો હતો. બીજી ઐતિહાસિક હકીકત એ છે કે, જવાહરલાલ નહેરુના વિરોધ છતાં મંદિર નિર્માણનું કામ પાર પાડનારા પણ કોંગ્રેસીઓ જ હતા. ભાજપ નેહરુને ગાળો આપે છે, કોંગ્રેસને હિંદુ વિરોધી ચિતરે છે પણ કોંગ્રેસ કે કોંગ્રેસીઓના યોગદાનને યાદ નથી કરતી. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ તો જખ મારીને લેવું પડે છે એટલે ભાજપ લે છે પણ સોમનાથ મહાદેવના પુનર્નિર્માણનું મહાકાર્ય જેમના કારણે પાર પડ્યું એવા કનૈયાલાલ મુનશીથી માંડીને શામળદાસ ગાંધી સહિતના કોંગ્રેસીઓને ભાજપના નેતા યાદ સુધ્ધાં નથી કરતા. રાજકીય સ્વાર્થમાં આ હદનું ગુણાપણું? જનસંઘ તો એ વખતે અસ્તિત્વમાં નહોતો પણ ભાજપનું પિતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અસ્તિત્વમાં હતો.
ભાજપ જેમને આરાધ્ય ગણીને અત્યારે પૂજે છે એ વિનાયક દામોદર સાવરકરની હિંદુ મહાસભા પણ અસ્તિત્વમાં હતી. ભાજપના પૂર્વાવતાર જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી જવાહરલાલ નહેરુ સરકારમાં મંત્રી હતા ને હિંદુ મહાસભાના સભ્ય હતા. સંઘ કે હિંદુ મહાસભાએ સોમનાથ મહાદેવના પુનર્નિર્માણમાં કોઈ યોગદાન નહોતું આપ્યું, જે યોગદાન આપ્યું એ કોંગ્રેસીઓએ જ આપ્યું હતું. સૌથી મહત્ત્વની વાત એ છે કે, સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો ઠરાવ સત્તાવાર રીતે જવાહરલાલ નહેરુ સરકારે પસાર કર્યો હતો. સરદારે 1947ના નવેમ્બરમાં સોમનાથ મહાદેવના પુનર્નિર્માણની જાહેરાત કરી તેના લગભગ પખવાડિયા પછી મહાત્મા ગાંધીને આ નિર્ણયની જાણ કરી હતી. ગાંધીજીએ આ નિર્ણયને વધાવી લીધો હતો પણ સરકારી ખર્ચના બદલે લોકો પાસેથી દાન ઉઘરાવીને મંદિરનું પુનર્નિર્માણ કરવાની સલાહ આપી હતી. સોમનાથના પુનર્નિર્માણની વાતને ટેકો આપનારા ગાંધીજી પણ કોંગ્રેસી જ હતા ને ?

