ભારતના જ નહીં, સમગ્ર ક્રિકેટ જગતના સર્વશ્રેષ્ઠ કેપ્ટન-વિકેટકીપર-બેટ્સમેન તરીકે ઓળખાતો મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ ને બાદ કરતા ભાગ્યે જ ન્યૂઝમાં ચમકતો હોય છે અને સોશ્યલ મીડિયાથી તો તે દૂર જ રહે છે, પરંતુ એક યુટયૂબ ચેનલ પરની તેની સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કે ધોની કોમેન્ટરી બોક્સથી પણ દૂર રહેવામાં માને છે. તે શા માટે કોમેન્ટરી બોક્સમાં જવાનું ટાળે છે એ માટે તેણે કેટલાક વજૂદવાળા કારણો આપ્યા છે.
‘ કૂલ કેપ્ટન’ તરીકે વિખ્યાત ધોનીએ કહ્યું છે કે તે માઇક્રોફોનથી અર્થાત કોમેન્ટરી બોક્સથી દૂર રહેવામાં માને છે. ‘ મારી દૃષ્ટિએ કોમેન્ટરી આપવી બહુ મુશ્કેલ કામ છે. કોમેન્ટરી બોક્સમાંથી ક્રિકેટ વિશેની સમજ આપવી કે પોતાના અનુભવો વર્ણવવા અને વ્યક્તિગત રીતે કોઈની ટીકા શરૂૂ કરી દેવી એ બન્ને મુદ્દા વચ્ચે મોટી રેખા છે.
બન્ને કામમાં ફરક છે. ઘણી વાર એવું બને છે કે તમને કંઈક ખોટું લાગતું હોય તો તમે એ કહી દેવા માગો છો, પણ એ કેવી રીતે કહેવું એ એક કલા છે. ખૂબ વિનમ્રતાથી કહેવું અને એમાં શબ્દોનો પ્રયોગ એવી રીતે કરવો કે કોઈને એવું ન લાગે કે તેને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. ટીમ જો હારી રહી હોય તો એ પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે અને કોઈને પણ ખોટું ન લાગે એ રીતે કારણો વર્ણવવાની આવડત કોમેન્ટેટરમાં હોવી જરૂૂરી છે. એ જ તો કોમેન્ટરીની ખરી કલા છે.’
ધોનીએ એવું પણ કહ્યું કે ‘ હું આંકડાબાજીમાં નબળો છું. ઘણાને સચોટ આંકડા બહુ યાદ રહેતા હોય છે. મને મારા પોતાના આંકડા યાદ નથી રહેતા. મને જો મારી કરીઅરને લગતા આંકડા વિશે કોઈ પૂછે તો હું સંતોષકારક જવાબ ન આપી શકું. કેટલાકને માત્ર ભારતીય ક્રિકેટ ટીમ કે ભારતીય ખેલાડીઓને લગતા જ નહીં, સમગ્ર ક્રિકેટ યુગની પ્રત્યેક વ્યક્તિ વિશેના આંકડા યાદ હોય છે.’
તેણે કહ્યું, ‘ મને જે લોકો ઠીક લાગે તેમની સાથે ચર્ચા કરી લેતો હોઉં છું, પરંતુ મને બોલવા કરતાં સાંભળવું વધુ પસંદ છે. મને જે ટોપિક પર ખાસ કંઈ ખબર ન હોય એના પર બોલવાનું ટાળું છું, કારણકે એ જ મુદ્દા પર હું વધુ સાંભળું તો વધુ જાણકારી મેળવી શકું છું.
જેના વિશે ખાસ કંઈ જાણતો ન હોઉં તો પણ બોલવું એ મને પસંદ નથી. હંમેશાં સલાહ સૂચનો મેળવવા એ જરૂૂરી નથી. જેમની સાથે ચર્ચા વિચારણા થતી રહેતી હોય તેમની સાથેની વાતચીતમાં આપોઆપ જાણકારીઓ મળી જ જતી હોય છે. પોતાના માટે શું બેસ્ટ છે એ નક્કી કરવાનું ચાતુર્ય વ્યક્તિમાં હોવું જ જોઈએ.’ ‘ હું ફોન પર વાતચીત કરવામાં પોતાને માહિર નથી માનતો, કારણકે હું જેની સાથે વાતચીત કરું ત્યારે તેનો ચહેરો ન જોઈ શકું એટલે તેની સાથે વાતચીત કરતા રહેવું મને થોડું વિચિત્ર લાગે છે.

