લાખો કર્મચારીઓને રાહત : છતાં હજુ અમલવારીની તારીખ અને વચગાળાના વધારા અંગે સરકારનું મૌન
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચને લગતી અનિશ્ચિતતા હવે મોટાભાગે દૂર થઈ ગઈ છે. સરકારે ખાસ કરીને 31 ડિસેમ્બર, 2025 પહેલાં નિવૃત્ત થયેલા અથવા નિવૃત્ત થવાના હોય તેવા લોકો માટે થોડી રાહત આપી છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે પેન્શન બાબતોમાં કોઈ ભેદભાવ રહેશે નહીં.નિવૃત્તિ તારીખને કારણે કોઈ નુકસાન નહીં થાય. આ સ્પષ્ટતા છતાં હજુ અમલવારીની તારીખ કે વચગાળાની રાહત આપવા અંગે કેન્દ્ર સરકારે મૌન ભળવ્યું છે. પેન્શનરો ઘણીવાર પ્રશ્ન કરે છે કે જો તેઓ 1 જાન્યુઆરી, 2026 પહેલાં નિવૃત્ત થાય તો તેમને સુધારેલા પેન્શન લાભો મળશે કે નહીં. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈને પણ તેમની નિવૃત્તિ તારીખના આધારે લાભો નકારવામાં આવશે નહીં.
તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે 31 ડિસેમ્બર, 2025એ લાભો માટે કટ-ઓફ તારીખ નથી. નાણા અધિનિયમ 2025માં એવી કોઈ જોગવાઈ નથી કે જે જૂના અને નવા પેન્શનરોને અલગ કરે. જેમ અગાઉના પગાર પંચ દરમિયાન પહેલાથી જ નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં સુધારો કરવામાં આવ્યો હતો, તેવી જ પ્રક્રિયા આ વખતે પણ અનુસરવામાં આવશે.
1 જાન્યુઆરી, 2026ના રોજની ગણતરીથી આઠમું પગાર પંચ અમલમાં આવશે ત્યારે, પેન્શન સુધારા બે અલગ અલગ રીતે કરવામાં આવશે. 1 જાન્યુઆરી, 2026 પછી નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શનની ગણતરી તેમના નવા સુધારેલા મૂળ પગારના આધારે કરવામાં આવશે. આ દરમિયાન, ડિસેમ્બર 2025 સુધીમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના હાલના પેન્શનમાં નિશ્ચિત ફિટમેન્ટ ફેક્ટર દ્વારા વધારો કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે તેમના વર્તમાન પેન્શનમાં નિશ્ચિત પ્રમાણમાં વધારો કરવામાં આવશે જેથી તેઓ પણ નવા પગાર પંચનો લાભ મેળવી શકે.
સરકારના આ અભિગમથી લાખો ભૂતપૂર્વ કર્મચારીઓની ચિંતાઓ દૂર થઈ છે. વધતી જતી ફુગાવા વચ્ચે, પેન્શન સુધારા તેમના માટે નાણાકીય સહાયક સાબિત થશે. 8મા પગાર પંચના લાભો ફક્ત વર્તમાન કર્મચારીઓ સુધી મર્યાદિત રહેશે નહીં, પહેલાથી જ નિવૃત્ત પેન્શનરોને પણ માનનીય વધારો મળશે.
આ સ્પષ્ટતા સાથે, પેન્શનરોને હવે તેમની નિવૃત્તિ તારીખો વિશે ચિંતા કરવાની જરૂૂર નથી. સરકારે સંકેત આપ્યો છે કે બધા પાત્ર કર્મચારીઓ અને પેન્શનરોને સમાન રીતે લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવશે.

