Site icon Gujarat Mirror

કોડીનારના પ્રૌઢના આપઘાત મામલે ત્રણ વ્યાજખોર સામે નોંધાતો ગુનો

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ અબુંજા સિમેન્ટ કંપનીમાં નોકરી કરતા પ્રૌઢએ વ્યાજે લીધેલ 39 લાખની સામે 90.93 લાખ ચુકવી દીધા છતાં ત્રણ વ્યાજખોરો સતત પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. જેનાથી કંટાળી જઈ પ્રોઢે આપઘાત કરી જીંદગી ટૂંકાવી લેતા અરેરાટી પ્રસરી ગઈ છે. આ મામલે પોલીસે કોડીનારના એક અને સિંધાજ ગામના બે વ્યાજખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કોડીનારના અંબુજાનગરમાં રહેતા 54 વર્ષીય હિપાભાઈ કનાળાએ વ્યાજખોરોના ત્રાસથી વેરાવળમાં ઝેરી દવા પી આપઘાત કર્યો છે. મૃતકના ભાઈ ધીરુભાઈની ફરિયાદ પરથી ત્રણ વ્યાજખોરો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ મેણસી અને અરજણ સોલંકી (બંને સિંધાજના રહેવાસી) તેમજ આરીફ મેમણ (કોડીનાર) પાસેથી હિપાભાઈએ 2019 થી 2021 દરમ્યાન કુલ 39 લાખ રૂૂપિયા ઉછીના લીધા હતા. જેની સામે તેમણે વ્યાજ સહિત 90.93 લાખ રૂૂપિયા ચૂકવી દીધા હતા.

આમ છતાં આરોપીઓએ વધુ પૈસાની માગણી કરી રહ્યા હતા. દરમ્યાન તા.2 માર્ચના રોજ હિપાભાઈ વેરાવળમાં તેમના સાઢુભાઈના ઘરે આવ્યા હતા. બીજા દિવસે તેમણે પરિવારજનોને જણાવ્યું કે વ્યાજના કારણે મુશ્કેલીમાં છે. માવો ખાવા જવાના બહાને બહાર નીકળી તેમણે ઝેરી દવા પી લીધી હતી. જેમાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતુ.

મૃતક પ્રોઢે આપઘાત પહેલા કોડીનાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સંબોધેલ સુસાઈડ નોટ લખી હતી. જેમાં જણાવ્યા મુજબ સિંધાજના મેણસીભાઈ 18 લાખ, અરજણભાઈ 10 લાખ અને આરીફભાઈ 6 લાખ રૂૂપિયાની વધારાની માગણી કરી રહ્યા હતા. આ રકમને લઈ વારંવાર ફોન કરી અને ઘરે આવીને પરેશાન કરતા હતા. આ ત્રણેયના ત્રાસથી કંટાળીને આપઘાત કરી રહ્યો છુ. આ સુસાઈડ નોટના આધારે પોલીસે ત્રણેય વ્યાજખોરો સામે ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version