જિયોના કારણે રાજ્યમાં પાંચ વર્ષમાં ઈન્ટરનેટ યુઝર્સમાં અઢી ગણો વધારો

- રાજ્યના 78 ટકા લોકો ઈન્ટરનેટનો વપરાશ કરે છે

જિયો ભારતમાં પાંચમી સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું અને ભારતે 4જીનો અભૂતપૂર્વ ઉદ્દભવ જોયો છે. લોકોને વોઇસ કોલના ચાર્જમાંથી મુક્તિ તો મળી જ છે અને સાથે સાથે પોસાય તેવા ભાવે આસાનીથી ડેટા પણ ઉપલબ્ધ થયો છે. આ પરિસ્થિતિના પરિણામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઇન્ટરનેટની જરૂરિયાતમાં જોરદાર વધારો થયો હતો. માનો કે ન માનો પણ વર્ષ 2016માં જિયો લોન્ચ થયું એ પછી પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા 2.5 ગણા વધ્યા છે. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે વર્ષ 2016માં ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા બે કરોડથી થોડા ઓછા હતા. જ્યારે માર્ચ 2021ની સ્થિતિએ ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા વધીને 5.05 કરોડ થયા છે. માર્ચ 2021માં ટેલિકોમ રેગ્યૂલેટર ટ્રાઈ દ્વારા જારી કરાયેલા પર્ફોર્મન્સઇન્ડિકેટર રિપોર્ટ મુજબ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના 1.54 કરોડ અને શહેરી વિસ્તારોમાં 3.50 કરોડ વપરાશકર્તા મળી રાજ્યમાં ઇન્ટરનેટના કુલ વપરાશકર્તા 5.05 કરોડ થયા છે. ગુજરાતની અંદાજિત વસ્તી 6.40 કરોડ
માનવામાં આવે છે, તેમાંથી 78 ટકા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે. ટ્રાઈના અહેવાલ મુજબ, માર્ચ 2016ની સ્થિતિએ ગુજરાતમાં 11 ટેલિકોમ ઓપરેટર્સની સેવાઓ સાથે 6.22 કરોડ મોબાઇલ ઉપયોગકર્તા હતા. તેમાંથી વોડાફોન 1.93 કરોડ ગ્રાહકો સાથે સૌથી મોટો ટેલિકોમ ઓપરેટર હતો. જૂન 2021 સુધીમાં ગુજરાતમાં સાત કરોડ મોબાઇલ ઉપયોગકર્તા થયા હતા અને તેમાં 2.73 કરોડ ગ્રાહકો સાથે જિયો સૌથી મોખરે છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ ઓપરેટરની સંખ્યા ઘટીને ચાર થઈ ગઈ છે.

રિલેટેડ ન્યૂઝ