જંબુસરથી દ્વારકા દર્શને જતા પરિવારને અકસ્માત નડ્યો, સાત લોકો ઇજાગ્રસ્ત
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર લીંબડી નજીક કટારિયા ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લકઝરી બસનું ટાયર ફાટતાં રોંગ સાઈડમાં ઘૂસી હતી. જેમાં એક ટ્રેલર અને બસની વચ્ચે કાર પીસાઈ હતી. જેમાં સાળા અને બનેવીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જંબુસરથી દ્વારકા દર્શન કરવા જઈ રહેલા એક જ પરિવારના સભ્યોની કાર આ ટ્રિપલ અકસ્માતનો ભોગ બની હતી.
પુરપાટ ઝડપે જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતાની સાથે જ ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે બસ રોડ ક્રોસ કરીને રોંગ સાઈડ પર પહોંચી ગઈ હતી. રોંગ સાઈડમાં ધસી આવેલી બસ સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ કાર એક ટ્રેલર તથા બસની વચ્ચે સેડવિચ થઈ ગઈ હતી. આ ભીષણ ટક્કરને કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા સાળા અને બનેવીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં આગળ બેઠેલા અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તમામ સાત ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે તાકીદે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મૃતકોમાં દિનેશભાઇ પરમાર (બનેવી) અને મુકેશભાઈ પરમાર (સાળો)નો સમાવેશ થાય છે.
જ્યારે ઈજાગ્રસ્તોમાં અતુલભાઈ દિનેશભાઇ (ઉંમર 32 વર્ષ), રોહનભાઈ વિજયભાઈ (ઉંમર 17 વર્ષ, રહે. જંબુસર), સિંધવ જયરાજ (ઉંમર 22 વર્ષ, રહે. માળીયા), દશરથભાઈ (ઉંમર 32 વર્ષ), સમીરભાઈ મનસુખભાઈ (ઉંમર 32 વર્ષ), પરમાર સંજયભાઈ (ઉંમર 38 વર્ષ, રહે. માલપુર) અને હાર્દિકભાઈ પરમાર (ઉંમર 36 વર્ષ)નો સમાવેશ થાય છે.અકસ્માતના કારણે હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક પુન:સ્થાપિત કર્યો હતો. આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

