18 હજાર SRPFના જવાનો ‘ન ઘરના ન ઘાટના’

રાજકોટ તા.30
ગુજરાતમાં કુદરતી આફતોથી માંડી ચૂંટણી સુધી ટાઢ-તડકા કે, વરસાદ વચ્ચે અડીખમ રહી બંદોબસ્ત જાળવતા 18 હજાર જેટલા એસ.આર.પી.એફ.ના જવાનો સરકારની કેટલીક વિચિત્ર નીતિ-રિતીઓના કારણે ‘ન ઘરના ન ઘાટના’ જેવી સ્થિતિ વચ્ચે ફરજ બજાવી રહ્યા છે.
કાયમી ઘરથી દૂર ફરજ બજાવવાની મજબૂરીના કારણે એસઆરપી જવાનોની માનસિક સ્થિતિ ખરાબ બની રહી છે અને સરકાર દ્વારા પણ અનૌરસ સંતાન જેવુ
વર્તન થતુ હોવાથી ગુજરાતના એસઆરપી જવાનોમાં ધીરે ધીરે અન્યાયનો અવાજ ઉઠી રહ્યો છે. હાલમાં વાયરલ થયેલી એક એસઆરપી જવાનની ઓડિયો કલીપે ભારે ચર્ચા જગાવી છે અને નામ માત્રની પોલીસ ગણાતા એસઆરપી જવાનોની અનેક પીડાઓ ઉપરથી પડદો ઉંચકયો છે.
એક એસઆરપી જવાન હાર્દિક પઢીયારની ઓડિયો કલીપ વાયરલ થઈ રહી છે તેમાં તે જણાવે છે કે, રોજ મને 15થી 20 જવાનોના ફોન આવે છે અને રસ્તા દેખાડે છે કે, આપણે આ રીતે
લડાઈ લડીએ, અમૂક આઈડીયા યુનિક હોય છે પણ અમુક જવાનો આત્મવિશ્ર્વાસ ગુમાવી ચુકયા છે જે નોકરી છોડવાની વાત કરે છે. હું જાણુ છુ કે સરકારના કાયદા પ્રમાણે જવાનોના હાથ બંધાયેલા છે, કોઈ જગ્યાએ પોતાની રજૂઆત કરી શકતા નથી પરંતુ ઘણા જવાનો ટવીટર ઉપર આવી ગયા છે અને રજુઆત
કરે છે.
કલીપમાં વધુ સંભળાય છે કે, એસઆરપીના જવાનોની સમસ્યા ખરેખર ગંભીર છે કેમ કે 23 વર્ષે નોકરીએ લાગે છે અને 58 વર્ષે નિવૃત થાય
છે, જયારે 58 વર્ષે નિવૃત થાય છે ત્યારે તેની યુવાઅવસ્થા પૂર્ણ થઈ જાય છે. એસઆરપીના જવાનોને જીવનમાં પારિવારિક સુખ તો મળતી નથી. આર્મીમાં વાર્ષિક અમુક છુટછાટ મળે છે પણ એસઆરપીના જવાનોને જરા પણછુટછાટ નથી તેવી છુટછાટ માટે જવાનો પોતાનો અવાજ ઉઠાવે તેમાં કાંઈ
ખોટુ નથી.
એસઆરપી જવાનોની દર ત્રણ મહિને બદલી થઈ જાય છે અને જે પોઈન્ટ ઉપર તેમને મૂકવામાં આવે છે ત્યાં પણ કોઈપણ જાતની પ્રાથમિક
સુવિધા મળતી નથી. જે પોઈન્ટ ઉપર જવાનોને ફરજ પર મુકવામાં આવે છે ત્યાં ખાવાની વ્યવસ્થા યોગ્ય હોતી નથી. ખાવામાં પાણી તરપે છે. ઘણા વિડીયો આવ્યા છે કે, જે ટેન્ટ આપે છે તે ફાટેલા હોય છે અને તેમાંથી પાણી ટપકે છે તેથી આપણે આપણી આ લડાઈ લડવી જ પડશે. કોરોના મહામારીના સમયમાં આપણે સોશિયલ મિડીયા મારફત સરકાર સુધી વાત પહોંચાડવા
પ્રયાસ કરીએ.
જો સરકાર એસઆરપી જવાનોને સ્થાયી કરે તો સરકારને પણ
ફાયદો છે કેમ કે સરકારે જવાન દિઠ અમુક ભથ્થુ આપવાનુ હોય છે. ગુજરાતમાં 18 હજારથી વધારે જવાનો છે. જો સરકાર જવાનોને સ્થાયી કરે તો તેમાં ભથ્થુ ચુકવવાનું રહેતુ નથી અને સરકારને પણ આર્થિક લાભ થાય છે.
ઓડીયો કલીપમાં વધુમાં એવુ પણ જણાવાયું છે કે, જવાનો સાથે મારી વાત થાય છે તેઓ મહેનત કરવા તૈયાર છે. જવાનો નિયમોમાં રહી પોતાની વાત આગળ વધારે પણ નોકરી છોડવાની વાત કરે નહીં.
આમ આ ઓડીયો કલીપ ઉપરથી
સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ના જવાનોની ઘણી વેદના બહાર આવી રહી છે ત્યારે રાજય સરકાર સંવેદનશીલ બની જવાનો સાથે માનવિય અભિગમ અપનાવે તેવી લાગણી ઉભી થઈ છે.

રિલેટેડ ન્યૂઝ